Gujarat weather winter news, IMD forecast : ગુજરાતમાં વાતાવરણમાં બે દિવસથી પલટો આવ્યો છે. અને ઠેકઠેકાણે કમોસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે શિયાળામાં ગુજરાતમાં માવઠાંના પગલે તાપમાનનો પારો ગગડ્યો હતો. હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં બે દિવસમાં 2-5 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું. હવામાન વિભાગે આજે સોમવાર સવાર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી હતી. આગામી દિવસોમાં શીતલહેર ફરીથી આવવાની વિભાગે આગાહી કરી છે.
ગુજરાતમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું, વાહન ચાલકો પરેશાન
ગુજરાતમાં સોમવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હવામાં ભેજનું પ્રમાણે વધારે હોવાના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. વાહન ચાલકોને 10 ફૂટ સુધી જોવું પણ મુશ્કેલ બની ગયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ગુજરાતનું સૌથી ઓછું તાપમાન હતું. જ્યારે સુરત 21.6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું.
આ પણ વાંચોઃ- Today history 30 January: આજનો ઇતિહાસ : 30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિન અને વિશ્વ કુષ્ઠ દિવસ
ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ?
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 27.5 | 17.4 |
ડીસા | 23.5 | 17.0 |
ગાંધીનગર | 25.5 | 16.8 |
વલ્લભ વિદ્યાનગર | 26.1 | 14.8 |
વડોદરા | 28.6 | 16.4 |
સુરત | 27.5 | 21.0 |
વલસાડ | 29.0 | 19.0 |
દમણ | 27.8 | 19.8 |
ભુજ | 27.1 | 12.4 |
નલિયા | 26.3 | 8.8 |
કંડલા પોર્ટ | 25.8 | 13.5 |
કંડલા એરપોર્ટ | 28.2 | 14.2 |
ભાવનગર | 28.8 | 17.4 |
દ્વારકા | 24.0 | 17.2 |
ઓખા | 23.2 | 18.6 |
પોરબંદર | 27.5 | 16.0 |
રાજકોટ | 29.0 | 15.4 |
વેરાવળ | 27.2 | 18.3 |
દીવ | 27.7 | 16.7 |
સુરેન્દ્રનગર | 28.3 | 17.0 |
મહુવા | 29.8 | 16.7 |
હવામાન વિભાગનું શું કહેવું છે?
IMDના પ્રાદેશિક નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને પડોશી વિસ્તારોમાં પ્રેરિત ચક્રવાતી પરિભ્રમણના કારણે બિનમોસમી વરસાદ થયો હતો. સોમવાર સવારથી મોટાભાગે વરસાદ પડવાની શક્યતા નથી.
રવિવાર સાંજ સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો
રવિવારે સાંજ સુધીમાં મહેસાણા, પાટણ, ગાંધીનગર અને બનાસકાંઠાના 18 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો હતો. પાટણના સિદ્ધપુરમાં 18 મીમી અને બનાસકાંઠાના કાંકરેજ અને લાખણીમાં અનુક્રમે 13 મીમી અને 10 મીમી વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, વડગામ, સુઇગામ, પાલનપુર, થરાદ, અમીરગઢ અને વાવમાં પણ રવિવાર સાંજ સુધી વરસાદ પડ્યો હતો. મહેસાણાના ઊંઝા, વિસનગર અને બેચરજીમાં પણ વરસાદ નોંધાયો હતો.