ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ જગતના તાતને મોટું નુક્સાન વેઠવાનો વારો આવ્યો છે, રાજ્યના ખેડૂતોના ઉભા પાક પર કમોસમી વરસાદે પાણી ફેરવી દીધુ છે. જેના કારણે ખેડૂત સંગઠનોથી લઈ રાજનૈતિક પાર્ટીઓએ સરકારને રાહત પેકેજ આપવા માટે દબાણ કર્યું હતું, આવામાં રાજ્ય સરાકારે પણ 10,000 કરોડનું રાહત-સહાય પેકેજ જાહેર કર્યું છે. જોકે ગુજરાતમાં સરકારના રાહત પેકેજની જાહેરાત વચ્ચે બે ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાની ઘટના પણ બની છે.
રાજકોટ જિલ્લામાં બે ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ત્યાં જ કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતે પણ આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે. આમ કૂલ ત્રણ ખેડૂતોની આત્મહત્યાના સમાચારે આખા ગુજરાતમાં ચકચાર મચાવી છે. ત્યાં જ હવે આમ આદમી પાર્ટીથી લઈ કોંગ્રેસ પણ રાજ્ય સરકારને આ મુદ્દે ઘેરી રહી છે.
અરડોઈ ગામે બે ખેડૂતે આત્મહત્યા કરી
વિંછીયા તાલુકાના રેવાણીયા ગામે રહેતા ખેતમજુર ખેડૂત દાનાભાઈ રામજીભાઈ જાદવનો કૃષિ પાક નિષ્ફળ જતાં તેઓ હતપ્રભ બની ગયા હતા. આ ખેડૂતને કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન જતાં તે ચિંતામાં ડૂબી ગયા હતા. પરિવારજનોના કહેવા મુજબ સતત બે વર્ષથી પાક નિષ્ફળ જતાં આર્થિક રીતે ખૂબ જ પીડિત હતા. આથી તેણે ઘરે જ ગળાફાંસો ખાઈ જીવ દીધો હતો.
આ પણ વાંચો: ઇસુદાન ગઢવી ગીર-સોમનાથમાં આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારને મળ્યા
કોટડાસાંગાણીના અરડોઈ ગામે દિલીપભાઈ નાગજીભાઈ વીરડિયાએ પાક નિષ્ફળ જવાની ચિંતામાં અને મોટું દેવું થઈ જતાં વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી. દિલીપભાઈએ ભાગવી રાખેલી 28 વીઘા જમીન અને પોતાની દસ વીઘા જમીનમાં વાવેતર કર્યું હતું, પણ કમોસમી વરસાદના કારણે મોટું નુકસાન આવી જતાં ચિંતામાં આત્મઘાતી પગલું ભરી લીધું હતું.
આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા જે 10,000 કરોડ રૂપિયાનું રાહત-સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, તેને લઈ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ ભૂપેન્દ્ર પટેલ સરકારને આડે હાથ લીધી છે. ધાનાણીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે,”માંગ્યુ પેકેજ, મળ્યુ પડીકુ” સરકારે જાહેર કરેલ રાહત પેકેજ નહીવત અને ખેડુતોની જાણે મશ્કરી સમાન લાગે છે.





