‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર, શ્રદ્ધાળુઓને મળશે અનેક સુવિધા

માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો બારેમાસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે.

Written by Rakesh Parmar
Ahmedabad May 23, 2025 18:06 IST
‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર, શ્રદ્ધાળુઓને મળશે અનેક સુવિધા
માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે. (તસવીર: સોશિયલ મીડિયા)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 તથા 27 મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન ગુજરાતની આ મુલાકાત દરમિયાન પહેલા જ દિવસે એટલે કે 26 મેના રોજ કચ્છના પ્રવાસે જશે અને ભુજ ખાતે આયોજિત સમારંભમાં રૂ. 53,414 કરોડના કુલ 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત તેમજ લોકાર્પણ કરશે. વડાપ્રધાન દ્વારા જે 33 વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ થનાર છે, તેમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનાં કેન્દ્ર માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા ધામના ‘માતાનો મઢ માસ્ટર પ્લાન’ હેઠળ થયેલ વિકાસકાર્યોનાં ઇ-લોકાર્પણનો પણ સમાવેશ થાય છે.

રાજ્ય સરકાર તથા તેના હેઠળ કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલ સમગ્ર આશાપુરા ધામ પરિસરના નવીનીકરણ તથા પુનર્વિકાસ માટે રૂ. 32.71 કરોડનો માસ્ટર પ્લાન અમલમાં મૂક્યો હતો, જે હવે પૂર્ણ થયો છે. આ માસ્ટર પ્લાન હેઠળ માતાનો મઢ – આશાપુરા માતા મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

Ashapura mata Mandir, માતા નો મઢ, Chachar Kund
ચાચરા કુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે. (તસવીર: સોશિયલ મીડિયા)

રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં આવેલ યાત્રાધામોને ધાર્મિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવી રહી છે અને આ જ કડીમાં ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થા ધરાવે છે, તેવા માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા મંદિર તથા આસપાસના સ્થળોનો વિકાસ પણ હાથ ધરવામાં આવ્યો હતો. આ વિકાસકાર્યો પૂર્ણ થતા માતાનો મઢ – આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર થયો છે. માસ્ટર પ્લાન હેઠળ શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓ માટે મોટાપાયે સુવિધાઓ અને સવલતો ઊભી કરવામાં આવી છે. ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નવું સ્વરૂપ આપવામાં આવ્યું છે, તો રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

mata no madh to bhuj bus, mata no madh temple timings, ashapura mataji,
શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર. (તસવીર: સોશિયલ મીડિયા)

  • શ્રી આશાપુરા માતાજી મંદિર પરિસર ખાતે શ્રદ્ધાળુઓને મળશે વધુ સારી સવલતો
  • ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને અપાયું નવું સ્વરૂપ
  • રૂપરાય તળાવનું સૌંદર્યીકરણ, એન્ટ્રન્સ પ્લાઝા, પાર્કિંગ સુવિધાઓ ઊભી કરાઈ
  • યાત્રાધામ પરિસરમાં પીવાના પાણીની સુવિધા, પ્રસાધન, બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશનના કાર્યો પણ થયા પૂર્ણ

ખાટલા ભવાની મંદિરનો વિકાસ

માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં એમ તો બારેમાસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આશાપુરા માતાના દર્શનાર્થે આવે છે. માસ્ટર પ્લાન અંતર્ગત નવરાત્રિ પહેલા આશાપુરા માતા સંકુલમાં આવનાર માઈભક્તો માટે ખાટલા ભવાની મંદિર તથા ચાચરા કુંડને નૂતન સ્વરૂપ આપવામાં આવ્યું છે.

ashapura mata no madh photos, Kutch, Mata no Madh, Ashapura mata Mandir,
માતાનો મઢ ખાતે આવેલ આશાપુરા માતા મંદિરમાં બારેમાસ શ્રદ્ધાળુઓ આવતા હોય છે. (તસવીર: સોશિયલ મીડિયા)

ખાટલા ભવાની મંદિર પર્વતની ટોચ પર છે કે જ્યાં પહોંચવા માટે પગથિયા (ધાબા સાથે) તથા ગાડી જઈ શકે એવો રસ્તો હતો. પર્વતની ટોચે મંદિર પાસે અવિકસિત મોટો વિસ્તાર આવેલો હતો કે જ્યાંથી સંપૂર્ણ માતાનો મઢ ગામ જોઈ શકાય છે. માસ્ટર પ્લાન હેઠળ ખાટલા ભવાની મંદિરે જવા માટેના પગથિયાનું રિનોવેશન, મંદિરમાં પથ્થરનું ક્લેડિંગ તેમજ પર્વત પર યાત્રિકો માટે પરિસરનો વિકાસ કરવામાં આવ્યો છે, જેમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, ગઝેબોનું રીપેરિંગ, વાહનો મારફતે આવતાં યાત્રાળુઓ માટે રૅમ્પ-એપ્રોચ, પ્લાન્ટેશન, પાર્કિંગ અને શૌચાલય બ્લૉક, હંગામી સ્ટૉલ માટે શેડ-ઓટલા, મુખ્ય પ્રવેશદ્વાર જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

જર્જરિત ચાચરા કુંડનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

માતાનો મઢ ગામમાં પૌરાણિક ચાચરા કુંડ આવેલ છે, જેમાં બારેમાસ પાણી રહે છે. કુંડની આસપાસ (પરિસરની) વિશાળ જગ્યા આવેલ છે. ચાચરા કુંડ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો તથા પરિસરમાં અન્ય કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી. માસ્ટર પ્લાન હેઠળ ચાચરા કુંડનો અદ્યતન લાઇટિંગ સાથે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. ચાચરા કુંડ પરિસરમાં વૉક-વે, બાળ ક્રીડાંગણ, બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. અહીં આવતાં પ્રવાસીઓ જાતે ભોજન બનાવીને જમી શકે, તે માટે કિચન-ડાઇનિંગ સુવિધા ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત, એમ્ફી થિયેટર પ્રકારની બેઠક વ્યવસ્થા, પ્લાન્ટેશન, શૌચાલય બ્લૉક તથા મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું રિપૅરિંગ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે.

માસ્ટર પ્લાન અંતર્ગત છેલ્લા તબક્કામાં માતાનો મઢ ખાતે આવેલ રૂપરાય તળાવ તથા આશાપુરા માતા મંદિર ખાતેના વિકાસકાર્યો પણ પૂર્ણ કરવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ