ગુજરાત ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપે યુનિફોર્મ સિવિલ કોડ પર દાવ લગાવ્યો છે. હકીકતમાં, ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો નિર્ણય લેતા ભૂપેન્દ્ર પટેલ સરકારે એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિનું નેતૃત્વ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે. તો, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે રાજ્ય સરકારના આ નિર્ણય પર ભાજપ પર નિશાન સાધ્યું છે.
દરેક સમુદાયોને ધ્યાનમાં રાખીને કાયદો બનાવવો જોઈએ
ચૂંટણીની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત પહોંચેલા કેજરીવાલે કહ્યું કે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જવાબદારી સરકારની છે, પરંતુ ભાજપનો ઈરાદો ખરાબ છે. બંધારણના અનુચ્છેદ 44માં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, UCC લાગુ કરવાની જવાબદારી સરકારની છે. કેજરીવાલે કહ્યું કે, સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ, પરંતુ તે તમામ સમુદાયોને ધ્યાનમાં રાખીને થવું જોઈએ, જેમાં દરેકની સંમતિ હોય.
ઉત્તરાખંડમાં પણ ભાજપે ચૂંટણી પહેલા કમિટી બનાવી પછી ઘર ભેગી થઈ
તો, યુનિફોર્મ સિવિલ કોડ માટે ગુજરાત સરકાર દ્વારા કમિટી બનાવવાના પ્રશ્ન પર, દિલ્હીના સીએમએ કહ્યું કે તેમના ઇરાદા ખરાબ છે. કારણ કે ઉત્તરાખંડમાં પણ ભાજપે આવું જ કર્યું હતું. ત્યાં ચૂંટણી પહેલા કમિટી બનાવવામાં આવી હતી, પરંતુ ચૂંટણી પૂરી થઈ અને ભાજપની જીત થઈ એટલે કમિટી પોતાના ઘરે ગઈ.
આ ખરાબ ઈરાદો, એમપી, યુપીમાં કેમ યુસીસી લાગુ ન કર્યો?
કેજરીવાલે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી હવે આવું જ કંઈક કરી રહી છે. ગુજરાત સરકારે બનાવેલી કમિટી પણ ચૂંટણી બાદ તેમના ઘરે જશે અને તેમનો ઈરાદો સાચો ન હોવાથી કંઈ થશે નહીં. કેજરીવાલે સવાલ કર્યો કે, જો તેમને સિવિલ કોડ લાગુ કરવો છે તો મધ્યપ્રદેશમાં આ કમિટી કેમ નથી બની, યુપીમાં ભાજપ કેમ નથી બનાવતી.
દિલ્હીના સીએમએ કહ્યું કે, જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો તેમનો ઈરાદો સાચો હોય તો તેને આખા દેશમાં લાગુ કરવો જોઈએ, શું તેઓ લોકસભા ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે?
તમને જણાવી દઈએ કે, શનિવારે (29 ઓક્ટોબર) ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સિવિલ કોડ પર એક કમિટી બનાવવાના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ થાય તે પહેલા સમિતિની રચના કરવામાં આવશે.
UCC શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ બધાને સમાન અધિકાર આપે છે. જો અમલ કરવામાં આવે તો લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં સમાન નિયમો તમામ નાગરિકોને લાગુ પડશે. એટલે કે દેશમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે. પછી ભલે તે કોઈપણ જાતિ કે ધર્મનો હોય.
આ પણ વાંચો – ગુજરાત સરકારનો મોટો નિર્ણય, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાવવા માટે HCના રિટાયર્ડ જજના નેતૃત્વમાં બનશે કમિટી
આ વર્ષે મે મહિનામાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી હતી. આ સમિતિએ છ મહિનામાં ડ્રાફ્ટ તૈયાર કરવાનો હતો, જેની સમયમર્યાદા નવેમ્બરમાં પૂર્ણ થવાની છે. સમિતિએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.