Uttarayan 2025: પતંગ રસીયાઓ ઉત્તરાયણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઉત્તરાયણ પહેલા જ કેટલાક પતંગબાજો પતંગ અને માંઝો લઈને ઘરના ધાબે પણ જોવા મળી રહ્યા છે. જોકે ઉત્તરાયણનો દિવસ મજાની સાથે કેટલીક મુસીબતો પણ લઈને આવે છે. પતંગ સાથે હવામાં લહેરાતો દોરો પક્ષીઓ અને વાહનચાલકો માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. એમાં પણ જો ચાઈનીઝ દોરી હોય તો કોઈનું મોત પણ થઈ શકે છે. ખરેખરમાં ચાઈનીઝ દોરી ખુબ જ ખતરનાક દોરો હોય છે જેના કારણે પ્રાણી, પક્ષીઓ અને વાહનચાલકોને ઈજા થાય છે. કેટલાક કિસ્સામાં લોકોના મોત પણ થાય છે. જેના કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતા કેટલાક દુકાનદારો પોતાના અંગત લાભ માટે આ દોરાનું ગેરકાયદેસર વેચાણ કરતા હોય છે.
પ્રતિબંધિત પ્લાસ્ટિકની દોરી ફરી એકવાર લોકોના ગળા કાપવા તૈયાર છે. ગુજરાતના કેટલાક બજારોમાં પહોંચતી આ દોરીનું આડેધડ વેચાણ થઈ રહ્યું છે. બજારોમાં વિવિધ પ્રકારની માંજા વેચાણ માટે આવી રહ્યા છે. આમાં ચાઈનીઝ દોરી સસ્તી હોવાથી લોકો તેને ખરીદી પણ રહ્યા છે. આ વખતે દુકાનદારો અલગ-અલગ નામથી ચાઈનીઝ માંજાનું વેચાણ કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો દુકાનદારો ચાઈનીઝ માંઝાનું સંતાઈને વેચાણ કરી રહ્યા છે. તાજેતરમાં જ ભરૂચના જંબુસર, વડોદરાના પાદરમાં અને અમદાવાદમાં પણ ચાઈનીઝ દોરાનું વેચાણ કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો 4.72 લાખથી વધુની કિંમતના 1890 રીલ પકડી પાડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે, દેશમાં ચાઇનીઝ દોરાના વેચાણ, ખરીદી અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી પ્રાણીઓ, પક્ષીઓ અને માનવ જીવન માટે ખતરો છે, તેથી તેના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. પતંગ ઉડાડવા માટે ચાઇના દોરીનો ઉપયોગ કરતી વખતે આ તાર હાઇ વોલ્ટેજ ઇલેક્ટ્રિક વાયરને સ્પર્શ કરી શકે છે. પરિણામે તે નિર્દોષ લોકોના મોતનું કારણ બની શકે છે.
આ પણ વાંચો: ગુજરાતનો દરિયાકિનારો બન્યો ડ્રગ્સનો અડ્ડો, જાણો ક્યાં કેટલું ડ્રગ્સ પકડાયું
ઉત્તરાયણ પહેલા ત્રણ લોકોના મોત
રાજ્યમાં ઉત્તરાયણ પહેલા 3 લોકોના ગળું કપાતા મોત નિપજ્યાની ઘટનાઓ સામે આવી ચુકી છે. પ્રથમ ઘટનામાં સુરતના કીમમાં ઓવરબ્રિજ પર ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાઈ જતાં મોત નિપજ્યું હતુ. બીજી ઘટનામાં વડોદરાના સોમા તળાવ પાસે ગળામાં પતંગનો દોરો ભરાઇ જતાં બાઈક સવાર ફૂડ ડિલિવરી બોયનું મોત નીપજ્યુ હતું. ત્યાં જ ત્રીજી ઘટના 9 ડિસેમ્બરે બની હતી જેમાં આણંદ જીલ્લાનાં ધર્મજ ગામે રહેતો 15 વર્ષીય કિશોર વીજ વાયરમાં ફસાયેલ પતંગની દોરી કાઢી રહ્યો હતો. ત્યારે અચાનક કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝ્યો હતો. જે બાદ સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું.
ગત ઉત્તરાયણમાં અમદાવાદમાં ઘાતક દોરીથી ઈજાના સૌથી વધુ કેસ
ગત ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે દોરી વાગવાના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. જેમાં 12 જાન્યુઆરીએ અમદાવાદમાં 27 અને બીજા દિવસે 25 લોકોને પતંગની દોરીથી ઈજા થતા સારવાર માટે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવા પડ્યા હતા. આ માત્ર એમ્બ્યુલન્સ સેવાને મળેલા કોલનો જ આંકડો છે. આ સિવાય ઘણા કિસ્સામાં લોકો જાતે જ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં જ ગત ઉત્તરાયમાં માત્ર અમદાવાદ શહેરમાં જ 3000 જેટવા પશુ-પક્ષીઓને પતંગની દોરી વાગતા સારવાર આપવામાં આવી હતી.
ચાઈનીઝ દોરી રાખવી તે સજાપાત્ર ગુનો
ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જોખમયુક્ત વસ્તુઓનું ઉત્પાદન/સંગ્રહ/વેચાણ/ઉપયોગ કરનાર વિરુદ્ધ ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. પતંગ રસીયાઓએ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ. મનુષ્ય, અબોલ પ્રાણીઓ અને પર્યાવરણ દરેક માટે ખતરારૂપ એવી ચાઈનીઝ દોરી અને તુક્કલનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે અને સજાપાત્ર ગુનો બને છે.
કેવી રીતે બને છે ચાઈનીઝ દોરી
ચાઈનીઝ દોરો સામાન્ય દોરા કરતા ઘણો મજબૂત હોય છે. આ દોરો નાયલોન અને સીસાના રસાયણોમાંથી બનાવવામાં આવે છે. જેના કારણે તે સરળતાથી તૂટતો નથી. આ દોરીના ઉત્પાદનમાં સિન્થેટિક પ્લાસ્ટિક મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે જે ખૂબ જ જોખમી છે. આ રીતે દોરીનો ઉપયોગ કરવાથી જાન-માલ માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આથી જાન-માલની સલામતી અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે આ ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જ હીતાવહ છે.
આ પણ વાંચો: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ
ઈલેક્ટ્રીક શોક લાગવાનો પણ ખતરો
ચાઈનીઝ દોરા પર પ્રતિબંધ છે. આ માત્ર માણસો માટે જ નહીં પરંતુ પક્ષીઓ માટે પણ ખતરો છે. ચાઈનીઝ દોરાને સરળતાથી કાપી શકાતો નથી, તે આકાશમાં ઉડતા પક્ષીઓની પાંખો અને ગરદન પણ કાપી શકે છે. તે પક્ષીઓ માટે પણ જોખમી છે. ધાતુ મિશ્રિત હોવાને કારણે ઇલેક્ટ્રિક શોકનું પણ જોખમ આ દોરાના કારણે રહેલું છે.
પક્ષીઓ અને વાહનચાલકો માટે ખુલ્લી તલવાર
ચાઈનીઝ દોરોએ ખુબ જ મજબૂત હોય છે અને તેને હાથથી પણ તોડી શકાતો નથી. આ દોરીનો ઉપયોગ પતંગ રસિયાઓ પોતાનો પતંગ ન કપાય માટે કરતા હોય છે પરંતુ આ દોરી પક્ષીઓ અને વાહનચાલકો માટે ખુલ્લી તલવાર સમાન ઘાતક બની શકે છે. આ દોરો જ્યારે પણ પતંગ સાથે હવામાં ઉડતો હોય છે ત્યારે તેમાં પક્ષીઓને વિંટળાઈ જાય છે, જેમાં પક્ષીઓ ઘાયલ થાય છે તો કેટલાક પક્ષીઓના મોત થાય છે. આ દોરો માણસનું ગળું પણ કાપી શકે છે. છેલ્લા ઘણા વર્ષોમાં આ દોરીના કારણે વાહનચાલકોના ગળા કપાયાના સમાચારો સામે આવી ચુક્યા છે.





