ઉતરાયણને હજુ એક મહિનાનો સમય છે તે પહેલા જ દોરીથી ગળુ કપાવવાની ઘટનાઓ સામે આવવા લાગી છે. ઉતરાયણ આવતા જ ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ વધી જાય છે. પતંગની કાતિલ દોરીએ ભૂતકાળમાં પણ અનેક લોકોના જીવ લીધા છે. આ વખતે પણ આ સીલસીલો શરૂ થઈ ગયો છે. જેમાં સુરતમાં એક વકિલનું ગળુ કપાતા જીવન અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તો મહેસાણામાં પણ એક યુવાનનું દોરીથી ગળુ કપાવવાની ઘટના સામે આવી છે, જ્યારે અમદાવાદમાં પતંગ ચગાવતા એક બાળક ધાબામાંથી પટકાતા મોત થયું છે.
સુરતમાં વકીલના ગળામાં દોરી ઉતરી ગઈ
સૌપ્રથમ સુરતની વાત કરીએ તો, પ્રકાશભાઈ નામના એક એડવોકેટ ટુ-વ્હીલર પર પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક પતંગની દોરી તેમના ગળામાં અટવાઈ ગઈ અને કાતિલ દોરીથી તેમનું ગળુ કપાઈ ગયું, જોકે, નજીકમાં તેમને ઘાયલ અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવતા તેમનો જીવ બચી ગયો છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં ઠેર-ઠેર બ્રિજ છે, જેને પગલે ઉતરાયણ આવતા જ બ્રિજ પરથી ટુ-વ્હીલર ચાલકોને પસાર થવામાં જોખમ વધી જાય છે, ઉતરાયણ હવે નજીક આવતા તંત્ર દ્વારા ટુ-વ્હીલર ચાલકોને બ્રિજનો ઉપયોગ ઓછો કરવા અથવા સાવધાની પૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે પણ તકેદારી શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ દર વર્ષે આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવે છે, જે વાહન ચાલકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે.
મહેસાણામાં દોરીથી ગળુ કપાતા 40 ટાંકા
આવી જ એક ઘટના મહેસાણામાં પણ સામે આવી હતી, એક યુવાન વાહન લઈ જઈ રહ્યો હતો તે સમયે ચાઈનીઝ દોરીથી તેનું ગળુ કપાયું છે, જેમાં યુવાનને ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી, સારવાર દરમિયાન 40 જેટલા ટાંકા લઈ તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા નફો કમાઈ લેવાની લાલચમાં વેપારીઓ ગેરકાયદે તેનું વેચાણ કરતા હોય છે, અને લોકોનો જીવ જોખમમાં મુકાય છે.
આ પણ વાંચો – સુરત પોલીસની સમય સૂચકતા: નરાધમની ચંગુલમાંથી નાની બાળકીને બચાવી, શું છે મામલો?
સાબરમતી ડિ-કેબીનમાં બાળકનું ધાબેથી પટકાતા મોત
તો અમદાવાદમાં પતંગ ચગાવતા એક આટ વર્ષના બાળકનું મોત થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના સાબરમતી ડિ-કેબીન વિસ્તારમાં સામર્થ્ય સ્ટેટસમાં રહેતો 8 વર્ષનો બાળક પાણીની ટાંક પર ચઢી પતંગ ચગાવી રહ્યો હતો, તે સમયે નીચે પટકાતા સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. સાબરમતી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કિસ્સો માતા-પિતા માટે ચેતવણી સમાન છે.