Vapi BJP Leader Sailesh Patel Murder Case : ગુજરાતની વલસાડ પોલીસે સોમવારે વાપી તાલુકા ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલની સનસનાટીભર્યા હત્યા કેસમાં બે શકમંદોને ઝડપી લીધા છે અને હત્યામાં તેમની ભૂમિકા નક્કી કરવા તેમની પૂછપરછ કરી રહી છે.
વલસાડના નાયબ પોલીસ અધિક્ષક બી એન દવેએ જણાવ્યું હતું કે, “અમે સાદિયો ઉર્ફે શરદ પટેલ અને નિલેશ આહીર નામના બે લોકોને ઝડપી લીધા છે. નયના પટેલ (શૈલેષ પટેલની પત્ની)ની ફરિયાદમાં શકમંદોમાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અમે હત્યામાં તેમની સંડોવણી છે કે નહીં તે જાણવા માટે તેમની પૂછપરછ કરી રહ્યા છીએ અને ફરિયાદમાં ઉલ્લેખિત અન્ય શકમંદોના ઠેકાણા શોધવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
શૈલેષ પટેલની પત્ની નયનાબેન પટેલે સોમવારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા હુમલાખોરો સહિત આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમીં છની ઓળખ મિતેશ પટેલ, તેના ભાઈઓ વિપુલ પટેલ અને પીનલ પટેલ, તેમના પિતરાઈ ભાઈ સાદિયો ઉર્ફે શરદ પટેલ, તેનો પુત્ર સિદ્ધાર્થ પટેલ, તમામ કોચરવા ગામના રહેવાસી અને વાપી તાલુકાના પાંડોર ગામના નિલેશ આહિર તરીકે થઈ હતી.
નયનાબેન પટેલે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે, શૈલેષ પટેલ સામે ભૂતકાળમાં હત્યાના બે નિષ્ફળ પ્રયાસો થયા હતા. આ ઘટનાઓની પોલીસ ફરિયાદ પારડી અને ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદીએ વધુમાં જણાવ્યું હતું કે, 2013માં ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન બનેલી ઘટનાની જૂની અદાવતના કારણે આ હત્યા થઈ હોવાની શંકા છે.
શૈલેષ પટેલ તેમની એસયુવીમાં રાતા રોડ ખાતેના મહાદેવ મંદિરે પત્નીની પરત ફરવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે હુમલાખોરોએ તેમના પર પોઈન્ટ-બ્લેન્ક રેન્જમાંથી ગોળી ચલાવી હતી. નયનાબેને પોલીસને જણાવ્યું હતું કે, તેની ભાભી રીમા પટેલ અને તેની સાળી મીના પટેલ તેમની સાથે મંદિરે ગયા હતા.
પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 302 (હત્યા), કલમ 34, 120 (બી) (ગુનાહિત કાવતરાની સજા) અને આર્મ્સ એક્ટ 25 (1) હેઠળ ગુનો નોંધ્યો છે.
આ પણ વાંચો – વાપી તાલુકા ઉપપ્રમુખ ભાજપ નેતા શૈલેષ પટેલની હત્યા, બે બાઈક સવારોએ કારમાં જ ગોળીઓ ચલાવી કરી હત્યા
હુમલાખોરોને પકડવા પોલીસે વાપી તાલુકાના તમામ પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો પર નાકાબંધી કરી દીધી હતી. તેઓએ ફરિયાદમાં નામ આપવામાં આવેલ તમામ શકમંદોના ફોટા એકઠા કર્યા અને તાલુકા અને જિલ્લાના પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળોએ મુકેલી જુદી જુદી ટીમો સાથે શેર કર્યા.