Bhavnagar Flood: ભાવનગરના વલ્લભીપુરમાં કડાકાભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે પરંતુ હવે અહીં બારે મેઘ ખાંગા થયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ધોધમાર વરસાદના પગલે તોતણીયાળા ગામમાં જનજીવન ખોરવાયું છે. તોતણીયાળા ગામમાં કેરી નદીના પાણી ફરી વળ્યાં છે. ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ રહ્યો છે. જેમાં એક ગામથી બીજા ગામનો સીધો સંપર્ક પણ તૂટી ગયો છે.
હાલમાં ભાવનગરના સિહોરમાં સ્થિતિ વધુ વિકટ બની હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. સિહોરમાં ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે અને પ્રચંડ પ્રવાહમાં લોકોના વ્હીકલો પણ તણાયા છે. આવો એજ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં બાઈક, રિક્ષા અને ટેમ્પો સહિતના વાહનો પાણીમાં તણાતા સ્પષ્ટ જોઈ શકાય છે.
બીજી તરફ ભાવનગરના પાલીતાણામાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયુ છે. ઉંદરકા સહિતના 10 થી 12 ગામનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ભુંડરખા, પીપરડી, લવરડા સહિતના ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. ત્યાં ગામના ઘણા રસ્તાઓ અને મુખ્ય માર્ગો ધોવાયા છે.
આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર્સને આપ્યો આદેશ
ભાવનગરના પાલીતાણા શેત્રુંજી ડેમની પાણીની સપાટીમાં વધારો થયો છે. જેમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટીમાં વધારો થયો છે. શેત્રુંજી ડેમમાં 63860 ક્યુસેક પાણીની આવક શરૂ થતા શેત્રુંજીડેમની સપાટી 30.3 ઇંચ પહોંચી છે. શેત્રુંજી ડેમની ઓવરફ્લો સપાટી 34 ફૂટ છે.





