Wedding Cancelled Due to Food: સુરત જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલો એક અનોખો અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ખાવાનું ખુટી જવાના કારણે લગ્ન મોકૂફ કરી દેવાયા હતા. જે બાદ કન્યા પોલીસ પાસે ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ લગ્નની વિધિ પૂર્ણ થઈ હતી. દુલ્હને કહ્યું કે વરરાજા તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. દુલ્હનની ફરિયાદ સાંભળ્યા પછી પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો.
અચાનક લગ્ન કેન્સલ થઈ ગયા
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આલોક કુમારે જણાવ્યું હતું કે આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી, જ્યાં રવિવારે અંજલી કુમારી અને રાહુલ પ્રમોદ મહતો નામના યુગલ લક્ષ્મી હોલમાં લગ્ન કરી રહ્યા હતા. વરરાજા અને દુલ્હન બંને બિહારના રહેવાસી હતા. વરરાજા અને કન્યાએ લગ્નમંડપમાં લગ્નની લગભગ બધી વિધિઓ પૂર્ણ કરી લીધી હતી. પછી લગ્ન પક્ષ અને મહેમાનોને પીરસવામાં આવતું ખાવાનું ખુટી જવાના કારણે વરરાજાના પરિવારે અચાનક ચાલી રહેલી લગ્ન વિધિઓ અટકાવી દીધી હતી.
દુલ્હન પોલીસ સ્ટેશન પહોંચી
ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે દુલ્હનના કહેવા મુજબ લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી. ફક્ત માળા (જય માળા) ની વિધિ બાકી હતી. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે જમવાનું ખુટી જવાને લઈ ઝઘડો થયો, જેના પછી વરરાજાના પરિવારે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આ પછી વરરાજાના પરિવારના વર્તનથી નારાજ દુલ્હન પોલીસ સ્ટેશન પહોંચી. દુલ્હને પોલીસને જણાવ્યું કે રાહુલ મહતો તેની સાથે લગ્ન કરવા તૈયાર છે, પરંતુ તેનો પરિવાર આ માટે તૈયાર નથી. તેને અને તેના પરિવારને આમાં મદદ કરવી જોઈએ. આ પછી પોલીસે વરરાજા અને તેના પરિવારને કન્યાના પરિવાર સાથે પોલીસ સ્ટેશન બોલાવ્યા અને મામલો ઉકેલ્યો હતો.
આ પણ વાંચો: ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં પણ લાગુ થશે UCC, CM ભૂપેન્દ્ર પટેલે 5 સભ્યોની કમિટી બનાવી
પોલીસ સ્ટેશનમાં લગ્નની વિધિઓ થઈ
ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે જ્યારે અમે વરરાજાના પરિવારને મામલો ઉકેલવામાં મદદ કરી, ત્યારે તેઓ લગ્ન કરવા માટે સંમત થયા હતા. આ પછી દુલ્હને ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો તે લગ્ન સ્થળે પાછી ફરશે તો ફરીથી ઝઘડો થઈ શકે છે. તેથી અમે બાકીની વિધિઓ પૂર્ણ કરવા માટે તેમને પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની મંજૂરી આપી હતી. તેમણે કહ્યું કે પોલીસે મહિલાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરમિયાનગીરી કરવાનો નિર્ણય લીધો. આ કિસ્સામાં પોલીસે સકારાત્મક વલણ અપનાવ્યું અને છોકરીના લગ્ન કરાવવામાં મદદ કરી હતી.