Digital Arrest: ગુજરાત સહિત દેશ આખામાં ડિજિટલ અરેસ્ટના નામે લોકો છેતરપિંડીના ભોગ બની રહ્યા છે. ત્યારે ગુજરાત પોલીસ પણ લોકોને સજાગ રહેવા અને ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીથી બચવા માટે સતત જાણકારી પણ આપી રહી છે. સોશિયલ મીડિયા અને ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ રાજ્યની પોલીસ નાગરિકોને ડિજિટલ અરેસ્ટના નામે છેતરપિંડીનો ભોગ ન બનવા માટે જાગૃતિ ફેલાવી રહી છે. રાજ્ય પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં સંદેશ આપવામાં આવ્યો છે કે, “ડિજિટલ અરેસ્ટથી સાવધાન! નકલી કોલ અને ધરપકડથી બચવા માટે હંમેશા સાવધાન રહો. જો તમને નકલી પોલીસનો ફોન આવે તો તો થોડું વિચારો અને તરત એક્શન લો. 1930 પર કોલ કરો અને તમારી ફરિયાદ નોંધાવો.” છતા કેટલાક લોકો ડિજિટલ અરેસ્ટના ભોગ બની રહ્યા છે અને તેમાં ભણેલા લોકો પણ સામેલ છે.
હવે અમદાવાદ શહેરના એક બિલ્ડર પણ ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છે અને આ બિલ્ડરને સતત ત્રણ દિવસ ડિજિટલ એરેસ્ટ કરીને ગઠિયાઓએ 1.05 કરોડની રકમની છેતરપિંડી આચરી હતી. જેને લઈ અમદાવાદ શહેરના નારણપુરામાં આવેલી શીવ સંકલ્પ સોસાયટીમાં રહેતા 53 વર્ષીય કેતનભાઇ પટેલે સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે. બિલ્ડરને ગઠિયાઓ દ્વારા કુરિયરના પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ જેવી શંકાસ્પદ ચીજવસ્તુઓ મોકલી હોવાથી ગુનો નોંધ્યો હોવાનું કહીને એનસીબીના નામે વિડીયો કોલ કરીને 1.05 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
ડિજિટલ અરેસ્ટથી બચવા માટેના 3 ઉપાય
જોકે અહીં સવાલ એ પણ ઉદ્ભવે છે કે પોલીસ દ્વારા જાહેર કાર્યક્રમો, સોશિયલ મીડિયામાં સંદેશ અને નુક્કડ નાટક દ્વારા ‘ડિજિટલ અરેસ્ટ’થી સાવધાન રહેવા લોકોને જણાવે છે છતા નાગરીકો તેનો ભોગ કેમ બની રહ્યા છે. અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા STOP, THINK અને ACT જેના ત્રણ નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે જેનો અમલ કરીને નાગરિકો ડિજિટલ અરેસ્ટથી બચી શકે છે.
- પ્રથમ નિયમ – STOP: કોઈની સાથે તમારી અંગત માહિતી શેર કરશો નહીં.
- બીજો નિયમ – THINK: સરકારની કોઈ પણ એજન્સી તમને ફોન પર ધમકી કેમ આપે?
- ત્રીજો નિયમ – ACT: જો કોઇ તમને કહે કે તમે ‘ડિજિટલ અરેસ્ટ’ થઇ ગયા છો, તો જવાબ આપશો નહીં, ફોન કટ કરો અને 1930 પર જાણકારી આપો.
ડિજિટલ અરેસ્ટ શું છે – What is digital arrest?
ડિજિટલ અરેસ્ટ એક સાયબર ગુનો છે, જેમાં અપરાધિ કોઈ વ્યક્તિની સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી ચોરી કરીને તેને માનસિક રીતે હૈરાન કરે છે. અપરાધિ ધમકીઓ આપે છે કે જો તેમની માંગ પૂર્ણ કરવામાં નહીં આવે તો પીડિતની તસવીરો અથવા જાણકારી સાર્વજનિક કરે દેવામા આવશે. આ અપરાધમાં ન માત્ર માનસિક રીતે પ્રતાડીત કરવામાં આવે છે પરંતુ વ્યક્તિને સામાજીક બદનામીનો ડર પણ દેખાડવામાં આવે છે. કોઈ તમને ઓનલાઈન ધમકી આપી રહ્યું છે અને વીડિયો કોલિંગ દ્વારા તમારા પર નજર રાખી રહ્યું છે. ડિજીટલ ધરપકડ દરમિયાન સાયબર ગુનેગારો નકલી પોલીસ અધિકારીઓ તરીકે ધાકધમકી આપે છે અને પીડિતોને પોતાનો શિકાર બનાવે છે.
ડિજિટલ અરેસ્ટથી કેવી રીતે બચવું – How to avoid digital arrest
અજાણી લિંક પર ક્લિક કરશો નહીં, શંકાસ્પદ કૉલ્સ અથવા વીડિયો કૉલ્સની અવગણના કરો. જો તમે કોઈ પણ છેતરપિંડીનો શિકાર બનો તો તરત જ સાયબર સેલ અથવા પોલીસનો સંપર્ક કરો. સાયબર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તકેદારી એ સલામતી છે. સોશિયલ મીડિયાના આ યુગમાં જાગૃત રહેવું એ સૌથી મોટી સુરક્ષા છે. માત્ર સરકાર અને પોલીસ જ નહીં પરંતુ સામાન્ય જનતાએ પણ સાવધાન રહેવાની અને અંગત માહિતીની સુરક્ષા કરવાની જરૂર છે. ડિજિટલ યુગમાં સુરક્ષાના ઉપાયો અપનાવીને જ ડિજિટલ અરેસ્ટને ટાળી શકાય છે.
ગુજરાતમાં ચાર વર્ષમાં સાયબર ફ્રોડના 17460 કેસ
સમગ્ર ભારતમાં 2020 થી 2024માં સાઈબર ફ્રોડના 5,82,000 કેસો સામે લોકોએ રૂ.3,207 કરોડ ગુમાવ્યા છે. જેમાં ગુજરાતમાં થઈ રહેલા કેસનું પ્રમાણ ત્રણ ટકા લેખે આશરે 17460 છે. સાઈબર ફ્રોડના ગુનામાં ગુજરાત પોલીસના ચોપડે નોંધાયેલા છે. 2023ના નાણાંકીય વર્ષમાં દેશમાં સાઈબર ફ્રોડના કેસ 75800 હતા જે એક જ વર્ષમાં 2024ના નાણાંકીય વર્ષમાં 2,92,800 થયા છે. દેશમાં સાયબર ક્રાઈમના ગુનામાં ગુજરાતનો ક્રમ સાતમો છે. ગુજરાતમાં સાતમા ક્રમ પ્રમાણે 17000 જેટલાં કેસો નોંધાયા છે. હવે લિંક, ગેમ, ડિજિટલ એરેસ્ટ, ફેક આઈડી, પાસવર્ડ ક્લોનિંગ એમ વિવિધ અનેક પ્રકારે સાઈબર ક્રાઈમ ફ્રોડ થઈ રહ્યા છે.