Gujarat Year Ender 2024: વર્ષ 2024ની અંતિમ ઘડીઓ ગણાઈ રહી છે અને નવા વર્ષની ઉજવણી માટે પણ લોકો તૈયારી કરી રહ્યા છે ત્યારે અમે તમને Year Ender 2024 ના માધ્યમથી ગુજરાતની મોટી દુર્ઘટનાઓથી લઈને આ વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય બનેલી ઘટનાઓથી અવગત કરાવીએ છીએ. આવામાં વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં ડ્રગ્સનો મુદ્દો પણ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. આ વર્ષે રાજ્યાં એ હદે ડ્રગ્સ ઝડપાયું હતું કે, દેશમાં ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ હોય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધીનમાં હજારો કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
ડ્રગ્સની હેરાફેરીનું કેન્દ્ર ગુજરાતના પોર્ટ અને દરિયો
ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટેનું સેન્ટર રાજ્યના પોર્ટ અને દરિયા કિનારો છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો હવે ડ્રગ્સનો અડ્ડો બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના પોર્ટ અને દરિયાકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડિલિવરી કરાય છે. જોકે કચ્છ અને પોરબંદરમાંથી અવારનવાર ભારતીય નેવી દ્વારા ડ્રગ્સની હેરાફેરીને ઝડપી પાડવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાત માટે વર્ષ 2024 નકલીની બોલબાલા, જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી, વાંચો ખાસ અહેવાલ
- આ વર્ષના જાન્યુઆરીથી નવેમ્બર સુધી માત્ર કચ્છ પોલીસે જ 113.56 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને 61 ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.
- વર્ષ 2024ની શરૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કલકત્તાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું 200 કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ કર્યું હતું.
- જૂન મહિનાની શરૂઆતમાં ગુજરાત ATS દ્વારા ગાંધીધામ તાલુકાના ખારીરોહર પાસેથી 130 કરોડની કિંમતના કોકેઇનના 13 પેકેટ્સ ઝડપી પાડવામાં આવ્યા હતા.
- જખૌના દરિયાઈ વિસ્તારમાંથી 19 જૂનમાં 19 પેકેટ્સ હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
- કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે 700 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
- 16 નવેમ્બર 2024ના રોજ ગુજરાત ATS અને NCBએ પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ ઈરાની બોટમાંથી લાવવામાં આવતું હતું અને IMBLના રડાર પર આવ્યા બાદ ડ્રગ્સ કબજે કરવામાં સફળતા મળી હતી.
- 13 ઓક્ટોબર 2024ના રોજ ભરૂચના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું. આવકાર ફાર્મા કંપનીમાંથી 500 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો હતો.
- જખૌના દરિયા કાંઠે BSFના જવાનોએ વર્ષ 2024માં કુલ 272 ડ્રગ્સના પેકેટ્સ જપ્ત કર્યા હતા. પોલીસ, BSF, સ્ટેટ IB, મરીન ટાસ્ક ફોર્સ જેવી એજન્સીઓએ સાથે મળીને દરિયાઈ વિસ્તારમાંથી અંદાજિત 480 જેટલા બિનવારસુ ડ્રગ્સના પેકેટ કબજે કર્યા હતા.
- વર્ષ 2024 દરમિયાન પૂર્વ કચ્છમાંથી અંદાજિત 253.75 કરોડનો વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
- વર્ષ 2024 દરમિયાન પશ્ચિમ કચ્છમાંથી અંદાજિત રુ. 430.37 કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
તમને જણાવી દઈએ કે, કચ્છમાં કોકેઇન, હેરોઇન, એમ્ફેટામાઈન, મેફેડ્રોન, અફીણ, ગાંજો, પોષડોડા અને ચરસ જેવા ડ્રગ્સ મળી આવતા હોય છે. જોકે કચ્છની દરિયાઇ સીમામાંથી ઝડપાતા ડ્રગ્સના પેકેટ્સ કચ્છમાં કોણ મંગાવે છે અને કોને સપ્લાય કરે છે તેને લઇને સુરક્ષા એજન્સીઓને હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી.





