Gujarat Year Ender 2024: વર્ષ 2024 સમાપ્ત થવામાં હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યા છે અને નવા વર્ષની ઉજવણી માટે લોકો તૈયારી પણ કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને ગુજરાતમાં વર્ષ 2024માં થયેલી મોટી ઈવેન્ટો વિશે જણાવવા જઈ રહ્યા છે. જેમાં મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેન્ટના લગ્ન, સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ, સ્વામીનારાયણ સ્વયંમ સેવક ઈવેન્ટ અને તરભ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ જેવી મોટી ઈવેન્ટો સામેલ છે.
અનંત અંબાણી – રાધિકા મર્ચેન્ટ મેરેજ
અનંત-રાધિકાના લગ્નની સેરેમની જામનગરમાં થઈ હતી, જેમાં 350થી વધુ વિમાનો મહેમાનોને લઇને પહોંચ્યા હતા, આનો ખર્ચ પણ અંબાણી પરિવારે કર્યો હતો. મુકેશ અંબાણીનો દીકરો અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગનું સેલિબ્રેશન શરૂ થયું ત્યારે ગુજરાતના જામનગરમાં દેશ વિદેશથી સેલેબ્સ આવ્યા હતા. ત્યાં ફેમસ સિંગર રીહાન્નાએ પરફોર્મન્સ આપ્યું હતું અને પ્રેક્ષકોનું પણ મનોરંજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવાર દ્વારા મોકલવામાં આવેલા લગ્નના કાર્ડની કિંમત એક અનુમાન અનુસાર, 7 લાખ હતી. આ પહેલા અંબાણીએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ ફંક્શનમાં 1000 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. આ ફંક્શનમાં ઘણા હોલિવૂડ સેલેબ્સ પહોંચ્યા હતા.
સુરત 300 કન્યા સમૂહ લગ્ન
સુરતમાં 14 ડિસેમ્બર, 2024 શનિવારના રોજ એક જ દિવસે બે અલગ-અલગ સમૂહ લગ્નમાં 300 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા. પીપી સવાણી ગૃપ દ્વારા 111 પિતા વિનાની દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બે મુસ્લિમ દીકરીઓના લગ્ન થયા હતા. સાથે જ આહીર સમાજે 189 દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. પીપી સવાણીના પિયરિયું સમૂહલગ્નના આયોજનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે દીકરીઓને નવા જીવનની શરૂઆતના આશીર્વાદ આપ્યા હતા.
પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન
- મહેશ સવાણી 5274 દીકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા બન્યા
- એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50 હજાર તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો નવો રેકોર્ડ
- લગ્નસમારોહમાં 370 ફૂટ સૌથી લાંબુ તોરણ બનાવ્યાનો રેકોર્ડ
તરભ વાળીનાથ મહાદેવ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
તરભ વાળીનાથ મહાદેવ મંદિર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 ફેબ્રુઆરીથી 22 ફેબેરુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું હતું. તરભ વાળીનાથ મહાદેવ મંદિર રબારી સમાજ સહિત અન્ય સમાજ માટે પણ આસ્થાનું કેન્દ્ર છે. સાત દિવસના આ ધાર્મિક કાર્યક્રમમાં અનેક કલાકારો, સહિત સંતો, મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહોત્સવમાં રોજ 2 થી 3 લાખ ભક્તો તરભ ગામે ઉમટી પડ્યા હતા. સમસ્ત માલધારી સમાજનું આસ્થાનું કેન્દ્ર અને ગુરુ ગાદી ગણાતા વાળીનાથ ભગવાનના નવીન મંદિરનું કામકાજ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવી રહ્યું હતું. જાણો તરભ, વાળીનાથ મહાદેવ મંદિર ઈતિહાસ?
સ્વામીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ
સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલ ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વિક્રમ સંવત 2081એ કારતક સુદ બારસની તિથિએ શ્રી લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થતાં અને 201મું વર્ષ શરૂ થતા ઉજવાયો હતો. દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી નિમિત્તે વડતાલ મંદિરને ભવ્ય રોશનીથી સજાવવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસરને ઝળહળતું કરવામાં આવ્યું હતું. ત્યારે વડતાલ ધામ ખાતે પહોંચી રહેલા હજારો હરિભક્તો ભગવાનના દર્શન કરવા સાથે ઝળહળતા મંદિરને નિહાળી ધન્યતા અનુભવી હતી. મહોત્સવમાં સહભાગી થવા દેશ વિદેશથી હજારોની સંખ્યામાં હરિભક્તો વડતાલ ખાતે ઉમટી પડ્યા હતા.
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી 7 થી 15 નવેમ્બર સુધી થઈ હતી. જે અંતર્ગત વડતાલ ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ભવ્યાતિભવ્ય મહોત્સવનો 7 નવેમ્બરના રોજ પોથીયાત્રા કળશયાત્રા સાથે ભવ્ય પ્રારંભ થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્ય રીતે ઉજણી કરા હતી.
સ્વામીનારાયણ સ્વયંમ સેવક ઈવેન્ટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી 7 ડિસેમ્બરના રોજ કરાઈ હતી. આ મહોત્સવમાં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS કાર્યકરોએ ભાગ લીધો હતો. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થયું હતું. કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાઓને બિરદાવવા માટે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી 2024માં સુરત ખાતે ગૌરવવંતા ‘બી.એ.પી.એસ. કાર્યકર સુવર્ણ મહોત્સવ’ પર્વનો મંગલ આરંભ કરવામાં આવ્યો હતો. આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંયુક્ત-યુવા-બાળ-મહિલા-યુવતી-બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવાજતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ યોજાયા હતા.