દર 9માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ, સ્ત્રી અને પુરુષને ક્યાં પ્રકારના કેન્સરનો સૌથી વધુ ખતરો? જાણો

ICMR Study Report: ભારતમાં કેન્સરની બીમારી (cancer case in india બહુ ઝડપથી વધી રહી છે. ICMRના સ્ટડી રિપોર્ટ (ICMR Study Report) અનુસાર ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ (Cancer risk) છે

Written by Ajay Saroya
December 18, 2022 12:22 IST
દર 9માંથી 1 ભારતીયને કેન્સરનું જોખમ, સ્ત્રી અને પુરુષને ક્યાં પ્રકારના કેન્સરનો સૌથી વધુ ખતરો? જાણો

ઇન્ડિયન સેન્ટર ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ ઇન્ફોર્મેટિક્સ એન્ડ રિસર્ચ (NCDIR) દ્વારા કરવામાં આવેલ અભ્યાસમાં ચોંકાવનાર તારણો સામે આવ્યા છે. આ તારણો અનુસાર ભારતમાં દર નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાનું જોખમ રહેલુ છે. આ સંશોધન દેશમાં નોંધાયેલા બીમારીના નવા કેસોની સંખ્યા તેમજ કુલ જનસંખ્યામાં જોખમ ધરાવતી વ્યક્તિઓની સંખ્યાના આંકડાકીય વિશ્લેષણ પર આધારિત છે.

67માંથી એક પુરૂષને ફેફસાના કેન્સરનું જોખમ

આ રિસર્ચ રિપોર્ટ (ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ (IJMR)માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ રિસર્ચ રિપોર્ટ અનુસાર ભારતમાં દર 67 પુરુષમાંથી એક પુરૂષને ફેફસાનું કેન્સર થવાનું જોખમ છે. તેવી જ રીતે ભારતમાં દર 29 મહિલનામાંથી એક મહિલાને તેમના જીવનકાળ દરમિયાન (0-74 વર્ષ) સ્તનનું કેન્સર થવાનું જોખમ રહેલુ છે.

2025 સુધીમાં કેન્સરના કેસોમાં 13% વધી જશે

એક પ્રાથમિક અંદાજ અનુસાર વર્ષ 2022માં ભારતમાં 14.6 લાખ લોકો કેન્સરની બીમારીથી પીડિત હતા. પુરુષોમાં ફેફસા અને સ્ત્રીઓમાં સ્તન કેન્સરની બીમારી સૌથી વધારે જોવા મળી હતી. આ અભ્યાસ અનુસાર નાનપણ (0-14)ના કેન્સરમાં લિમ્ફોઇડ લ્યુકેમિયા (છોકરાઓમાં- 29.2% અને છોકરીઓ- 24.2%) સૌથી વધારે હતું. તો વર્ષ 2020 ની સરખામણીમાં વર્ષ 2025માં કેન્સરના કેસોની સંખ્યામાં 12.8% વધારો થવાનો અંદાજ છે.

સંશોધનકર્તાઓનું કહેવું છે કે, કેન્સરના કેસમાં વધારો વસ્તીના સ્થળાંતર અને તેમની સંખ્યામાં વૃદ્ધિનું પરિણામ છે. તેઓ માને છે કે ભારતમાં વૃદ્ધ (60+) લોકોની જનસંખ્યામાં વધારો થવાની ધારણા છે અને ખાસ કરીને તેમનું પ્રમાણ 2011માં 8.6%થી વધીને વર્ષ 2022માં 9.7% થવાની ધારણા છે. તમને જણાવી દઈએ કે સર્વાઇકલ કેન્સરથી બચવા માટે આપણા દેશમાં HPV (હ્યુમન પેપિલોમાવાયરસ) વેક્સીન વિકસાવવામાં આવી છે, જે આવતા વર્ષે એપ્રિલ-મે સુધીમાં ઉપલબ્ધ થશે.

સંશોધકોએ જણાવ્યું હતું કે, ” કેન્સરની અંદાજીત સંખ્યાઓમાં ફેરફાર થશે, જે જોખમ, કેસના તારણોમાં સુધારા, સ્ક્રીનીંગ પ્રોગ્રામની શરૂઆત અને કેન્સરની જાણ થવી અને સારવારની ટેકનોલોજી પર આધારે રાખે છે.” દેશના આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે દેશમાં 2020 અને 2022 ની વચ્ચે કેન્સરના કેસ અને તેના કારણે મૃત્યુદરમાં ચિંતાજનક વધારો થયો છે.

આ પણ વાંચોઃ ભારતમાં કોરોનાની સાથે સાથે કેન્સરનો કહેર, છેલ્લા બે વર્ષમાં કેન્સરના સૌથી વધુ કેસ અને મોત

રાજ્યોને આર્થિક મદદ 

આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ રાષ્ટ્રીય આરોગ્ય મિશન (NHM) હેઠળ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર રોગો અને સ્ટ્રોક (NPCDCS)ના નિવારણ અને નિયંત્રણ માટેના રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ટેકનિકલ અને નાણાંકીય સહાય પૂરી પાડે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ