Rice Kheer Recipe: તહેવારોની સીઝનમાં પરિવારના બધા સભ્યો ઘરે હોય છે અને આ દરમિયાન ઘણા મહેમાનો પણ આવે છે. આવામાં જો તમને કોઈ મીઠી વાનગી બનાવવાનું મન થાય છે, તો આ વખતે ભાતની ખીર બનાવો. તેને બનાવવા માટે જરૂરી બધી વસ્તુઓ તમારા રસોડામાં હાજર છે. ખીર બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. આ ઘરે બનાવેલી ખીર ખાધા પછી તમે બજારમાં મળતી ખીર ભૂલી જશો. તે બજારમાં મળતી ખીર કરતાં વધુ સ્વાદિષ્ટ બનશે.
ખીર બનાવવા માટે જરૂરી વસ્તુઓ
- ચોખા (કોઈપણ પ્રકારના)
- દૂધ (ફૂલ ક્રીમ)
- લીલી એલચી
- ખાંડ
- ચિરોંજી
- કિસમિસ
- બદામ અને કાજુ
ખીર બનાવવાની રીત

સૌ પ્રથમ ફુલ ક્રીમ દૂધ લો. દૂધ કેટલું લેવું તે લોકોની સંખ્યા પર આધાર રાખે છે. જે વાસણમાં ખીર બનાવવાની છે તેમાં જ દૂધ રેડો. દૂધના વાસણને ધીમા તાપે મૂકો. હવે તેને ધીમે-ધીમે રંધાવા દો. લગભગ 10 મિનિટ પછી તેમાં અડધો વાટકી ચોખા ઉમેરો. ચોખા ઉમેરતા પહેલા ધ્યાનમાં રાખો કે તેને લગભગ ત્રણથી ચાર કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ. દૂધમાં ચોખા ઉમેરતા પહેલા તેનું બધું પાણી કાઢી નાખો. આ પછી દૂધમાં ચોખા ઉમેરો. વાસણમાં દૂધ અને ચોખાને સમયાંતરે ચમચાની મદદથી હલાવતા રહો, જેથી ચોખા તળિયે ચોંટી ના જાય.
જો તમે એક લિટર દૂધ લીધુ હોય તો દોઢ કટોરી ખાંડ લેવાની છે. હવે આ વાસણમાં ખાંડ ઉમેરો. તમે જોશો કે ખાંડ દૂધમાં ઓગળવા લાગશે. હવે તેમાં લીલી એલચી, ચિરોનજી અને કિસમિસનો ભૂકો નાખો. ચોખા દૂધમાં રંધાયા છે કે નહીં તે જોવા માટે એક ચમચી લો. ચમચી વડે ચોખાના થોડા દાણા કાઢીને હાથથી મસળી જોવો. જો દાણા સરળતાથી તૂટે છે તો તેનો અર્થ એ કે ચોખા રંધાઈ ગયા છે. જો તમારે ચોખા તોડવા માટે થોડું બળ લગાવવું પડે તો તેનો અર્થ એ કે તે હજુ રંધાયા નથી.
આ પણ વાંચો: શ્રાવણ માસમાં જરૂરથી બનાવો આ પારંપરિક રેસીપી, માતા પાર્વતીએ ભગવાન શિવ માટે બનાવી હતી
ચોખા રંધાયા પછી ગેસ બંધ કરી દો. જ્યારે વાસણ ઠંડુ થઈ જાય ત્યારે તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખો. કારણ કે ઠંડી ખીરનો સ્વાદ વધુ સારો લાગે છે. હવે આ ખીર પીરસતા પહેલા તમે સજાવટ માટે બદામ અને કાજુના ટુકડા પણ ઉમેરી શકો છો.





