Yoga Darshan Tadasana Variation Steps and Benefits : યોગ દર્શનમાં આપણે તાડાસન વેરિયેશન વિશે જાણકારી મેળવીશું. તાડાસન વેરિયેશન આસનનો અભ્યાસ કરવાથી હાથ-પગના સ્નાયુઓ મજબૂત બને છે તેમજ શારીરિક સંતુલન અને માનસિક એકાગ્રતા વધે છે. પગમાં બ્લડ સર્ક્યુલેશન સુધરવાની સાથે દુખાવો ઓછો થાય છે. તો ચાલો જાણીયે તાડાસન વેરિયેશન ક્યારે કરવું અને ક્યારે ન કરવું તેમજ તેના ફાયદાઓ વિશે…
આસન પરિયય – તાડાસન વેરિયેશન
યોગ દર્શનમાં આજે આપણે તાડાસન વેરિયેશન કરવાની રીત અને તેના ફાયદા- મર્યાદાઓ વિશે જાણીશું. ઉષ્મા પ્રેરક આસનનો અભ્યાસ થયા બાદ આ આસનનો અભ્યાસ કરવો. સર્વ પ્રથમ મેટ પર ઉભા રહેવું. બંને પગ એક લાઈનમાં રાખવા. ત્યારબાદ ડાબો પગ જમણા પગની સામે યોગ્ય અંતરે મૂકવો. હવે બંને હાથોને લોક લગાવીને આકાશ તરફ ઉંચે લઇ જવા. ત્યારબાદ શ્વાસ લેતા બંને પગની એડીને આકાશ તરફ લઈ જવી. ત્યાં ક્ષમતા અનુસાર અભ્યાસમાં રોકાવું. આ એક તાડાસનનો એડવાન્સ આસન પ્રકાર છે. તાડાસનથી મળતા બધા જ ફાયદા આ આસનમાં મળે છે.
શ્વસન પદ્ધતિ
તાડાસન વેરિયેશન આસનનો અભ્યાસ કરતા સમયે બંને પગની એડી આકાશ તરફ લઈ જવાના સમયે શ્વાસ લેવો, ત્યારબાદ પગને જમીન પર પરત લાવતી વખતે શ્વાસ બહાર છોડવો.
તાડાસન વેરિયેશન આસન ક્યારે અને કેટલી વાર કરવું
આ યોગાસન અભ્યાસ ખાલી પેટે સવાર કે સાંજ કરી શકાય. સર્વપ્રથમ અપડાઉન ૧૦ થી ૧૫… પ્રેક્ટિસ વધ્યા પછી 10 સેકન્ડ હોલ્ડિંગ કરી શકાય. ત્રણ થી ચાર વખત આ આસનનો અભ્યાસ કરવો.
તાડાસન વેરિયેશન આસન કરવાના ફાયદાઃ-
- હાથ અને પગની માસ પેશીઓ મજબૂત બને છે.
- મસલ્સ / સ્નાયુઓમાં સરસ ખેચણ આવે છે.
- પગમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે.
- પગમાં દુખાવો ઓછી થાય છે.
- શરીરમાં વાયુ સંતુલિત રહે છે
- શારીરિક સંતુલન વધે છે
- માનસિક એકાગ્રતા વધે છે
- બાળકો માટે આ અભ્યાસ ખૂબ જ લાભદાયી છે.
આ પણ વાંચો | યોગ દર્શન : કરોડરજ્જુને મજબૂત બનાવવા અને બાળકોની ઉંચાઇ વધારવા દરરોજ કરાવો ‘ચક્રાસન’
તાડાસન વેરિયેશન આસન કોણે ન કરવું :-
- જે લોકોને પગમાં સર્જરી હોય અથવા ઘુંટણમાં કોઈ દુખાવો હોય તેવા લોકોએ યોગ શિક્ષકની મદદથી અભ્યાસ કરવો.
- જ્યારે ચક્કર આવતા હોય ત્યારે આ આસનનો અભ્યાસ ન કરવો.





