કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે ચૂંટાય આવ્યા છે. છેલ્લા અઢી દાયકામાં કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળનાર ગાંધી પરિવારની બહારના તેઓ પ્રથમ સભ્ય છે. કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીમાં તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને હરાવીને તેઓ ભારતના સૌથી જૂના રાજકીય પક્ષના અધ્યક્ષ બન્યા છે. કોંગ્રેસ નેતા પ્રમોદ તિવારીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ માટેની ચૂંટણીની માહિતી આપતા જણાવ્યુ હતુ કે, મલ્લિકાર્જુન ખડગેને 7897 વોટ મળ્યા જ્યારે શશિ થરૂરને માત્ર 1072 વોટ મળ્યા હતા.
આમ શશિર થરુરની સામે મલ્લિકાર્જૂન ખડગે 8 ગણાથી વધુ મતો સાથે જીત હાંસલ કરી છે. મલ્લિકાર્જુન ખડગે ચૂંટાય આવતા છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસના નવા અધ્યક્ષ કોણ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે, પરંતુ હાલ આ રાજકીય પક્ષ જે પડકારોનો સામનો કરી રહ્યો છે તે હજુ પણ ઠેરના ઠેર છે, આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, નવા પ્રમુખના નેતૃત્વમાં કોંગ્રેસની આગેવાની કેવી રહેશે. કોંગ્રેસ પાર્ટી સામે કેવા કેવા પડકારો ઉભા છે?
- સામાન્ય જનતા સાથે જોડાવું :-
મલ્લિકાર્જુન ખડગે સામે સૌથી મોટો પડકાર કોંગ્રેસ પક્ષને લોકોની સાથે જોડવાનો અને ફરી ચૂંટણીઓ જીતવાનો છે. અઢી દાયકામાં કોંગ્રેસ અધ્યક્ષનું પદ સંભાળનાર ગાંધી પરિવારની બહારના તેઓ પ્રથમ સભ્ય છે, તેથી પક્ષની અંદરના પડકારો સામે લડીને સામાન્ય લોકો સુધી પહોંચવાનો તેમનો માર્ગ અત્યંત મુશ્કેલી ભર્યો છે.
- આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષની ભૂમિકા:-
ચૂંટણી મોરચે મલ્લિકાર્જુન ખડગે સૌથી મોટા પડકારનો સામનો તેમના ગૃહ રાજ્ય કર્ણાટકમાં જ કરવો પડશે. હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના સપ્તાહઓ બાકી છે. આ દરમિયાન વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરના 11 રાજ્યોમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાશે અને ખડગેની સામે ઓછામાં ઓછા મોટા અને મહત્વપૂર્ણ રાજ્યોમાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવી જ સૌથી મોટી અગ્નિ પરીક્ષા હશે.
જ્યારે ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ચૂંટણી યોજાશે, તો કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે મે મહિનામાં યોજાઇ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વર્ષ 2023માં નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન મતદાન થઇ શકે છે. આવી પરસ્થિતિમાં મલ્લિકાર્જુન ખડગે આ ચૂંટણીઓમાં કોંગ્રેસને કેવી રીતે રજૂ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
- ગાંધી પરિવારથી અલગ સ્વતંત્ર છબી:
કોંગ્રેસ અધ્યક્ષની ખુરશી સંભાળ્યા બાદ મલ્લિકાર્જુન ખડગેની સામે સૌથી મોટો પડકાર કોંગ્રેસના સ્વતંત્ર અધ્યક્ષ તરીકે પોતાની છબીને રજૂ કરવાનો છે. તેમણે પોતાના રાજકીય પક્ષની અંદર અને સામાન્ય જનતા સમક્ષ પોતાની વાત પહોંચાડી પડશે. તેઓ નેહરુ-ગાંધી પરિવારના પ્રતિનિધિ નથી. વર્ષ 1970 બાદ આવી પહેલી ઘટના છે જ્યારે ગાંધી પરિવારના સભ્યો કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય હશે પરંતુ પક્ષની કમાન સંભાળશે નહીં.
જો કે ગાંધી પરિવાર એ બતાવવાની કોશિશ કરી રહ્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષની ભૂમિકા ગાંધી પરિવાર કરતા વધારે મહત્વપૂર્ણ છે, પરંતુ તેનું ઉદાહરણ રાહુલ ગાંધીએ બુધવારે આપેલા નિવેદન પરથી લઈ શકાય છે જેમાં તેમણે કહ્યું હતું કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ પક્ષમાં સર્વોચ્ચ અધિકારી છે અને દરેક નેતા તેમને રિપોર્ટ કરે છે.
આ પણ વાંચોઃ- કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: મલ્લિકાર્જુન ખડગે 7897 મતોથી જીત્યા, શશિ થરૂરને મળ્યા 1000 વોટ
મલ્લિકાર્જુન ખડગે એ દરેકને સાથે લઈને ચાલવાની ક્ષમતાની પણ અગ્નિપરીક્ષા આપવી પડશે. કોંગ્રેસને દાયકાઓ બાદ દલિત સમાજમાંથી અધ્યક્ષ મળી રહ્યો છે. જગજીવન રામ બાદ આ પદ સંભાળનારા તેઓ બીજા દલિત નેતા છે. કોંગ્રેસ આનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે અને તેને હિન્દી બેલ્ટની રાજનીતિ સાથે જોડવામાં સફળ થશે કે કેમ તે જોવાનું રહેશે.
- વિપક્ષને એક મંચ પર લાવવાનો પડકારઃ
ભારતના રાજકીય ક્ષેત્રે કોંગ્રેસ પક્ષ વિના વિપક્ષની કલ્પના કરી શકાતી નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પ્રાદેશિક પક્ષો અને અન્ય વિપક્ષી પક્ષોની વચ્ચે ખોવાઈ ગયેલો વિશ્વાસ પાછો મેળવવા કોંગ્રેસના નવા પ્રમુખ શું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે? ચૂંટણીઓમાં હાર્યા બાદ પણ કોંગ્રેસ એક માત્ર એવી પાર્ટી છે જે રાષ્ટ્રીય સ્તરે અસ્તિત્વ ધરાવે છે. ભાજપને પડકારવા માટે તેમણે ખામીઓ શોધવી પડશે, પોતાનું સ્થાન મજબૂત કરવું પડશે. ઉપરાંત તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર એક સાથે લાવવાનો પડકાર પણ કોંગ્રેસના નવા અધ્યક્ષ સામે ઉભો છે.
- સંગઠનમાં સુધારા:
મલ્લિકાર્જુન ખડગે માટે બીજી મોટી કસોટી સંગઠનમાં સુધારો કરવાની છે. ખડગે G-23ને નકારી રહ્યા હતા. તેમણે તાજેતરમાં ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે, “તે વિવાદ સમાપ્ત થઇ ગયો છે, તેઓ બધા મને સપોર્ટ કરી રહ્યા છે, તેઓ હવે સમર્થક બની ગયા છે. જ્યારે બધું શાંત થઇ ગયું છે ત્યારે ફરી શા માટે વિવાદ ઉભો કરવામાં આવે છે?”