આમ આદમી પાર્ટી (AAP)ના વધુ એક નેતાએ આત્મહત્યા કરી છે. આ વખતે દિલ્હીના રાજૌરી ગાર્ડન વિસ્તારના રહેવાસી 55 વર્ષીય સંદીપ ભારદ્વાજ ગુરુવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે જે આમ આદમી પાર્ટીના લેબર સેલના સેક્રેટરી હતા. તેઓ માર્બલ પત્થરનો વેપાર કરતા હતા અને છૂટાછેડા થયા બાદ પોતાની બે પુત્રી અને એક પુત્ર સાથે રહેતા હતા.
આત્મહત્યા નહીં પણ હત્યા થયાનો આરોપ
આપ પાર્ટીના નેતા સંદીપ ભારદ્વાજની મૃત્યુને હત્યા ગણાવી ભાજપના નેતા મનોજ તિવારીએ ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. તેમણે સંદીપના મૃત્યુ માટે આપ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે એવો પણ આરોપ મૂક્યો છે કે, આપ પાર્ટીએ સંદીપ ભારદ્વાજને આ વખતની ચૂંટણીમાં ટિકિટ ન આપી અને આ ટિકિટ એક અમીર નેતાને વેચી દીધી છે, આમ સ્થાનિક ચૂંટણીમાં ટિકિટ ન મળવાથી સંદીપ ભારદ્વાજે આત્મહત્યા કરી હોવાની વાત કહી છે.
આમ આદમી પાર્ટીના કોઇ નેતાએ આત્મહત્યા કરી હોય તેવી આ પહેલી ઘટના નથી, આ અગાઉ આ રાજકીય પાર્ટીના ઘણા નેતાઓએ આત્મહત્યા કરતા ભારે વિવાદ સર્જાયો હતો.
પાંચ મહિનામાં બીજી 'આત્મહત્યા'
સંદીપ ભારદ્વાજ છેલ્લા પાંચ મહિનામાં આપઘાત કરનાર આમ આદમી પાર્ટીના બીજા નેતા છે. આ વર્ષે જૂન મહિનામાં 62 વર્ષીય આપ પાર્ટીના નેતા અજયપાલ સિંહ ગિલ તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગિલનું ઘર લુધિયાણાના અધિયાણામાં છે.

પરિવારજનોના જણાવ્યા મુજબ બે દિવસ પહેલા ગીર માછીવાડા ખેતીબારી સહકારી વિકાસ બેંકના ચેરમેન બનેલા તેઓ રાત્રે 9 વાગે પોતાના ઘરે પહોંચ્યા હતા. સવારે તેમના રૂમનો દરવાજો લાંબા સમય સુધી ન ખૂલતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. પહેલા બધાએ બૂમો પાડીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. પરંતુ ગિલે દરવાજો ખોલ્યો ન હતો. પત્નીએ બારીમાંથી જોયું તો પતિની લાશ પંખા સાથે લટકી રહી હતી.
સોની મિશ્રાની આત્મહત્યાના મામલે ભારે વિવાદ
વર્ષ 2016ના જુલાઇ મહિનામાં આમ આદમી પાર્ટીની મહિલા કાર્યકર્તા સોની મિશ્રાની આત્મહત્યા બાદ ભારે હોબાળો થયો હતો. સોની મિશ્રાએ દિલ્હીના નરેલામાં પોતાના ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. તેને સારવાર માટે એલએનજેપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ત્યારબાદ પોલીસે તત્કાલીન આપ પાર્ટીના ધારાસભ્ય શરદ ચૌહાણ સહિત સાત લોકોની ધરપકડ કરી હતી.

સોની મિશ્રાએ આપ પાર્ટીના ધારાસભ્યના સહયોગી રમેશ ભારદ્વાજ વિરુદ્ધ જૂન મહિનામાં અયોગ્ય રીતે સ્પર્શ કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં સોનીનો એક વીડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યો હતો. આ વિડીયોમાં, તેણીએ ભારદ્વાજ પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે તે તેણીને કહેતો હતો કે જો તેણીએ પાર્ટીમાં આગળ વધુ હોય તો તેણીએ “સમાધાન” કરવું પડશે. તેઓ પોતાને સ્થાનિક આપ પાર્ટીના ધારાસભ્યની નજીકના માણસ ગણાવતા હતા.
આ પણ વાંચોઃ આપ નેતા સંદીપ ભારદ્વાજની હત્યા થઇ છે – મનોજ તિવારી
આ ઘટના બાદ ભારે રાજકીય હોબાળો થયો હતો. ભાજપ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવીને તપાસની માંગણી કરી હતી. જો કે ત્યારબાદમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજે તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.