દિલ્હી સરકારની નવી શરાબ નીતિને લઇને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાને સોમવારે સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા છે. તેની જાણકારી મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને આપી છે. છેલ્લા બે મહિનાથી દિલ્હી સરકારની નવી શરાબ નીતિને લઇને ઇડી અને સીબીઆઈએ ઘણા સ્થાનો પર દરોડા પાડ્યા છે. થોડાક દિવસા પહેલા જ મનિષ સિસોદિયાના નજીકના સમીર મહેંન્દ્રુની ઇડીએ ધરપકડ કરી હતી. બીજી તરફ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મનિષ સિસોદિયાને ભગત સિંહ ગણાવ્યા છે.
આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે ગુજરાત ચૂંટણીમાં પ્રચાર રોકવા માટે કાલે (સોમવારે) મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવશે. મનિષ સિસોદિયાની ધરપકડ કરવાનું એક્સાઇઝ સાથે નહીં પણ ગુજરાત ચૂંટણી સાથે લેવા દેવા છે. સૌરભ ભારદ્વાજે કહ્યું કે એક્સાઇઝ મામલામાં સીબીઆઈ-ઇડી 500થી વધારે સ્થાનો પર દરોડા પાડી ચુકી છે પણ કશું મળ્યું નથી. ભાજપાના ઇશારે જેટલા આપ નેતાઓની ધરપકડ કરવામાં આવશે તેટલી જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થશે.
સીબીઆઈ દ્વારા પૂછપરછ માટે બોલાવવા પર મનિષ સિસોદિયાએ ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે મારા ઘર પર 12 કલાક સીબીઆઈ રેડ કરાવી કશું ના નીકળ્યું. મારું બેંક લોકર તપાસ્યું તેમાં કશું ના નીકળ્યું. મારા ગામમાંથી તેમને કશું ના મળ્યું. હવે તેમણે કાલે 11 કલાકે મને સીબીઆઈ મુખ્યાલય બોલાવ્યો છે. હું જઇશ અને પૂરો સહયોગ કરીશ. સત્યમેવ જયતે.
આ પણ વાંચો – અશોક ગેહલોતે કહ્યું- સાધુ પણ આરામ કરે છે પણ રાહુલ ગાંધી રોજ 25 કિમીની યાત્રા કરી રહ્યા છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ સીબીઆઈ દ્વારા સિસાદિયાને પૂછપરછ માટે બોલાવવા પર કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે ટ્વિટ કરતા લખ્યું કે જેલના સળીયા અને ફાંસીનો ફંદો ભગત સિંહના બુલંદ ઇરાદાને ડગાવી ના શક્યા. આ આઝાદીની બીજી લડાઇ છે. મનિષ અને સત્યેન્દ્ર આજના ભગતસિંહ છે. 75 વર્ષ પછી દેશને એક શિક્ષા મંત્રી મળ્યા જેણે ગરીબોને સારી શિક્ષા આપીને શાનદાર ભવિષ્યની આશા આપી. કરોડો ગરીબોની દુવાઓ તમારી સાથે છે.