Adi Shankaracharya Statue Unveiled BY CM Shivraj Singh Chouhan : સનાતન ધર્મના પુનરુદ્ધારક, સાંસ્કૃતિક એકતાના દેવદૂત અને અદ્વૈત વેદાંત દર્શનના પ્રખર પ્રવક્તા આદિ શંકરાચાર્યના જીવન અને દર્શનને લોકપ્રિય બનાવવાના હેતુ સાથે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઓમકારેશ્વરને અદ્વૈત વેદાંતના વૈશ્વિક કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે.
આ ભવ્ય અને દિવ્ય ‘એકાત્મ ધામ’ અંતર્ગત આચાર્ય શંકરની 108 ફૂટ ઊંચી ‘એકાત્મતા’ની પ્રતિમા, ‘અદ્વૈત લોક’ નામનું મ્યુઝિયમ અને આચાર્ય શંકર ઈન્ટરનેશનલ અદ્વૈત વેદાંત સંસ્થાની સ્થાપના કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટના પ્રથમ ઐતિહાસિક તબક્કાના સ્વરૂપમાં 18 સપ્ટેમ્બરના રોજ એકાત્મતાની પ્રતિમાનું અનાવરણ થવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આદિ શંકરાચાર્યની આ 108 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ 108 ફૂટ ઊંચી ધાતુની પ્રતિમા છે જેમાં આદિ શંકરાચાર્યજી બાળ સ્વરૂપમાં છે.
ઓમકારેશ્વર એ આચાર્ય શંકરની જ્ઞાન ભૂમિ અને ગુરુ ભૂમિ છે, અહીં જ તેઓ તેમના ગુરુ ગોવિંદ ભગવતપદને મળ્યા અને અહીં 4 વર્ષ રહીને શિક્ષણનો અભ્યાસ કર્યો. 12 વર્ષની ઉંમરે, તેઓ ઓમકારેશ્વરથી અખંડ ભારતમાં વેદાંતનો પ્રચાર પ્રસાર કરવા માટે નીકળ્યા હતા. તેથી ઓમકારેશ્વરના માંધાતા પર્વત પર 12 વર્ષના આચાર્ય શંકરની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી રહી છે.
આદિ શંકરાચાર્યની પ્રતિમાના બાંધકામનો ખર્ચ
ઓમકારેશ્વર ખાતે નિર્માણાધીન આદિ શંકરાચાર્યની આ પ્રતિમાનું બાંધકામ એલએનટી કંપની દ્વારા બનાવવામાં આવી રહી છે. આ મૂર્તિ મહારાષ્ટ્રના સોલાપુરના પ્રખ્યાત શિલ્પકાર ભગવાન રામ પુર દ્વારા કોતરવામાં આવી છે. પ્રતિમા માટે બાળ શંકરનું ચિત્ર મુંબઈના પ્રખ્યાત ચિત્રકાર શ્રી વાસુદેવ કામતે વર્ષ 2018માં બનાવ્યું હતું.પ્રતિમાના નિર્માણ માટે સમગ્ર મધ્યપ્રદેશમાં વર્ષ 2017-18માં એકાત્મતા યાત્રા યોજવામાં આવી હતી, જેના માધ્યમથી 27,000 ગ્રામ પંચાયતોમાંથી મૂર્તિના નિર્માણ માટે ધાતુ સંગ્રહ જનજાગરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતુ. પાસેથી એકત્ર કરવામાં આવ્યું હતું.
મધ્યપ્રદેશ કેબિનેટે ઓમકારેશ્વર ખાતે શંકરાચાર્યને સમર્પિત સંગ્રહાલય અને એક આંતરરાષ્ટ્રીય અદ્વૈત વેદાંત સંસ્થાન એકાત્મતાના નિર્માણ માટે 2,141 કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે.
આદિ શંકરાચાર્ય મ્યુઝિયમના આકર્ષણો
આ શંકરાચાર્ય મ્યુઝિયમ અંતર્ગત આચાર્ય શંકરના જીવન દર્શન અને સનાતન ધર્મ વિશેની વિવિધ ગેલેરીઓ, લેસર લાઇટ વોટર સાઉન્ડ શો, આચાર્ય શંકરના જીવન પરની ફિલ્મ, સૃષ્ટિ નામનું અદ્વૈત વ્યાખ્યા કેન્દ્ર, અદ્વૈત નર્મદા વિહાર, અન્નક્ષેત્ર, શંકર કલાગ્રામ વગેરે મુખ્ય આકર્ષણો છે.
અહીંયા આંતરરાષ્ટ્રીય અદ્વૈત વેદાંત સંસ્થા અંતરગ્ત ફિલસૂફી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને કળા પર ધ્યાન કેન્દ્રિત કરતા ચાર સંશોધન કેન્દ્રો ઉપરાંત ગ્રંથાલય, વિસ્તરણ કેન્દ્ર અને પરંપરાગત ગુરુકુળ પણ હશે. સમગ્ર બાંધકામ પરંપરાગત ભારતીય મંદિર સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ પર્યાવરણને અનુકૂળ રહેશે. અદ્વૈત લોકની સાથે અદ્વૈત વન નામનું કોમ્પેક્ટ ફોરેસ્ટ 36 હેક્ટરમાં વિકસાવવામાં આવી રહ્યું છે.





