Bharat Jodo Yatra: ભારતના રાજનીતિક ઇતિહાસમાં યાત્રાઓનું ખાસ મહત્વ રહ્યું છે. રાજનેતાઓએ સમય-સમય પર પોતાને લાઇમ લાઇટમાં લાવવા માટે યાત્રાઓનો સહારો લીધો છે. ચંદ્રશેખરે તેની શરૂઆત કરી હતી. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 30 જાન્યુઆરીએ સમાપ્ત થઇ છે. રાહુલને ભારત જોડો યાત્રાથી કેટલો ફાયદો મળે છે તે તો સમય જ બતાવી શકશે પણ પહેલાની યાત્રાઓનું પરિણામ શું રહ્યું તે સમજીએ.
1983માં ચંદ્રશેખરે પ્રથમ યાત્રા કાઢી હતી. તે જનતા પાર્ટીના નેતા હતા. તેમણે કન્યાકુમારીથી યાત્રા શરુ કરી હતી અને છ મહિનાની સફર પછી તે દિલ્હી પહોંચ્યા હતા. જોકે ઇન્દિરા ગાંધીની હત્યાના કારણે તેમની યાત્રાની 1984ની ચૂંટણી પર કોઇ ખાસ અસર જોવા મળી નથી. જોકે તેમાં કોઇ બે મત નથી કે યાત્રાથી ચંદ્રશેખરના કદમાં વધારો થયો હતો. તે પછી દેશના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા હતા.
અડવાણીની યાત્રાએ બદલી નાખ્યા હતા રાજનીતિક સમીકરણ
ભારતીય રાજનેતાઓની યાત્રાની ચર્ચા હોય તેમાં બીજેપીના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનું નામ અવશ્ય આવશે. અયોધ્યાના રામ મંદિર માટે સપ્ટેમ્બર 1990માં શરૂ થયેલી યાત્રા લગભગ 10 હજાર કિલોમીટરની હતી. ગુજરાતના સોમનાથ મંદિરથી યાત્રા શરૂ થઇ હતી. જોકે તે પોતાના અંતિમ પડાવ સુધી પહોંચી શકી ન હતી. બિહારના સમસ્તીપુરમાં તત્કાલિન સીએમ લાલુ યાદવે અડવાણીની ધરપકડ કરી હતી. યાત્રા તો અટકી ગઇ હતી પણ અડવાણી રાજનીતિક લાભ મેળવી ચૂક્યા હતા. આ પછી બીજેપીએ પકડ મજબૂત બનાવી હતી અને રામ મંદિર આંદોલને પણ જોર પકડ્યું હતું.
2004માં પણ એલકે અડવાણીએ એક યાત્રા કાઢી હતી. ભારતના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે અડવાણીએ ભારત ઉદય યાત્રા કાઢી હતી. ઇન્ડિયા શાઇનિંગનો નારો અડવાણી દરેક સ્થાને આપી રહ્યા હતા. જોકે લોકસભાની ચૂંટણીમાં બીજેપીનો પરાજય થયો હતો. વિશ્લેષકો માને છે કે અડવાણીની યાત્રા તે ઉત્સાહ ઉભો કરી શકી ન હતી જે 1990માં કર્યો હતો.
આ પણ વાંચો – રાહુલ ગાંધીએ કહ્યું- કાશ્મીરમાં જો બધુ બરાબર છે તો અમિત શાહ જમ્મુથી શ્રીનગરના લાલ ચોક સુધી પગપાળા ચાલે
1991માં બીજેપીના અન્ય એક દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશીએ પણ એક યાત્રા કાઢી હતી. જોકે તે જોરદાર રહી ન હતી. બીજેપીના તત્કાલિન અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ 26 જાન્યુઆરી 1992ના રોજ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો હતો. છતા તેમની યાત્રાને ઘણી ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
રાજીવ ગાંધીના ઇશારે નીકળી હતી સંદેશ યાત્રા
1985માં તત્કાલિન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના ઇશારે કોંગ્રેસના નેતાઓએ સંદેશ યાત્રા કાઢી હતી. મુંબઈના AICC સેશન પછી યાત્રાનો શુભારંભ થયો હતો. ત્રણ મહિના પછી દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં યાત્રાનું સમાપન થયું હતું. જોકે યાત્રાની વધારે અસર થઇ ન હતી.
રાજશેખર રેડ્ડીએ બદલી નાખી હતી ચૂંટણી
એક યાત્રા જે રાજનીતિક સ્તર પર સમીકરણ બદલનારી રહી હતી. તે આંધ્ર પ્રદેશના નેતા વાયએસ રાજશેખર રેડ્ડીની 14 હજાર કિમીની યાત્રા રહી હતી. ભીષણ ગરમીમાં રેડ્ડીએ ચૂંટણી પહેલા યાત્રા કાઢી હતી. એક વર્ષ પછી ચૂંટણી યોજાઇ તો રેડ્ડીએ બધી હરિફ પાર્ટીના સુપડા સાફ કરી દીધા હતા. 2017માં તેમના પુત્ર વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા સંકલ્પ યાત્રા કાઢી હતી અને સીએમની ખુરશી સુધી પહોંચ્યા હતા.
આ સિવાય કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે નર્મદા પરિક્રમા યાત્રા 2017માં શરૂ કરી હતી. તે પછી કોંગ્રેસ મધ્ય પ્રદેશની સત્તા સુધી પહોંચી હતી. બીજેપીએ મોદી સરકારની ઉપલબ્ધિઓને લોકો સુધી પહોંચાડવા માટે જન આશીર્વાદ યાત્રા કાઢી હતી. આ પાંચ દિવસ ચાલી હતી.