scorecardresearch

કર્ણાટક બાદ હવે આ રાજ્યોમાં જામશે ચૂંટણી જંગ, જાણો કેટલો રસપ્રદ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મુકાબલો

Elections 2023 : મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ની સરકાર છે

elections 2023
પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કર્ણાટકમાં કોંગ્રેસની પ્રચંડ જીત બાદ હવે રાજકીય વર્તુળોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીની ચર્ચા ચાલી રહી છે. આ રાજ્યોમાં આ વર્ષના અંતમાં મતદાન થશે. મધ્ય પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની સત્તા છે જ્યારે છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસ સત્તામાં છે. તેલંગાણામાં ભારત રાષ્ટ્ર સમિતિનું શાસન છે અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)ની સરકાર છે.

કયા રાજ્યના કેવા છે રાજકીય સમીકરણો?

છત્તીસગઢ

છત્તીસગઢમાં રમણ સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારના 15 વર્ષના લાંબા શાસન પછી કોંગ્રેસે 2018માં બાજી મારી હતી. 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 90 માંથી 68 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે ભાજપને માત્ર 15 સીટો મળી હતી.

2008 અને 2013માં છત્તીસગઢની ચૂંટણીઓ ખૂબ જ રસપ્રદ રહી હતી જ્યારે ભાજપ અને કોંગ્રેસના વોટ શેરમાં માત્ર એક ટકાનો તફાવત હતો. બંને વખત ભાજપનો વિજય થયો હતો. છત્તીસગઢમાં બહુજન સમાજ પાર્ટી (બસપા)નો પણ પ્રભાવ રહ્યો છે. પક્ષને 2008 માં 6 ટકા અને 2013 અને 2018 બંનેમાં 4-4 ટકા મત મળ્યા હતા.

છત્તીસગઢ વિધાનસભામાં 90 બેઠકો છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ સત્તામાં વાપસી કરી શકશે કે પછી કોંગ્રેસનું શાસન યથાવત્ રહેશે.

મધ્ય પ્રદેશ

મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ જોવા મળ્યો છે. વર્ષ 2004થી (ડિસેમ્બર 2018થી માર્ચ 2020 વચ્ચેના 15 મહિનાને બાદ કરતાં) રાજ્યમાં ભાજપનું શાસન છે. અહીંની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે મહત્વની છે, માત્ર એટલા માટે નહીં કે હાલની સરકાર છે પરંતુ એટલા માટે પણ કે 1990ના દાયકાની શરૂઆતમાં જ્યારે ભાજપનો આગળ વધી રહી હતી ત્યારે આ એ જ રાજ્ય છે જ્યાં પાર્ટીને જોરદાર સમર્થન મળ્યું હતું.

2008 અને 2013માં ભાજપે બેઠકોની વહેંચણી અને વોટ શેર બંનેની દ્રષ્ટિએ કોંગ્રેસ પર જંગી વિજય મેળવ્યો હતો. 2008માં ભાજપને 6 ટકા વોટ શેરની લીડ મળી હતી અને કોંગ્રેસ કરતાં ડબલ બેઠકો પર જીત મેળવી હતી. 2013માં ભાજપ પાસે 9 ટકા વધુ વોટ હતા અને કોંગ્રેસથી લગભગ ત્રણ ગણી બેઠકો મળી હતી.

જો કે 2018માં ભાજપ અને કોંગ્રેસ બંનેને લગભગ સરખા મતો (41 ટકા) મળ્યા હતા. કોઈપણ પાર્ટી 115 સીટોના બહુમતના આંકડાને પાર કરી શકી ન હતી. કોંગ્રેસને 114 અને ભાજપને 105 સીટો મળી હતી. આગામી ચૂંટણીમાં શું થશે છે તે જોવું રસપ્રદ રહેશે. જો બંને પક્ષો 2018ની જેમ પ્રદર્શન કરશે તો હરીફાઈ ખૂબ જ રસપ્રદ બનશે.

આ પણ વાંચો – શું કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી બદલાઇ ગયું છે મમતા બેનર્જીનું વલણ?

રાજસ્થાન

રાજસ્થાનમાં 200 વિધાનસભા સીટો છે. રાજસ્થાન માટે એવું કહેવાય છે કે અહીં દર વખતે સત્તા બદલાય છે અને દર પાંચ વર્ષે કોંગ્રેસ કે ભાજપ સત્તામાં આવે છે. રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંને પાસે મજબૂત કેડર અને મતદારોનો આધાર છે. હાલ રાજ્યમાં અશોક ગેહલોતના નેતૃત્વમાં કોંગ્રેસનું શાસન ચાલી રહ્યું છે.

નોંધપાત્ર વાત એ છે કે જ્યારે રાજસ્થાનમાં ભાજપ જીતે છે ત્યારે તે મોટી જીત મેળવે છે પરંતુ કોંગ્રેસની બાબતમાં આવું નથી. 2013માં ભાજપે કુલ 200 બેઠકોમાંથી 163 બેઠકો પર 45 ટકા મતો સાથે વિજય મેળવ્યો હતો અને કોંગ્રેસ માત્ર 21 સીટો પર સમેટાઈ ગઈ હતી.

2008 અને 2018માં કોંગ્રેસનો વિજય થયો હતો પરંતુ બંને વખતે પાર્ટીની જીતનું માર્જિન ઘણું ઓછું હતું. 2008 અને 2018માં કોંગ્રેસે 101 સીટના બહુમતનો આંકડો પાર કર્યો નથી. જોકે અન્ય (બસપા અને અપક્ષ ઉમેદવારો)ની મદદથી પાર્ટીએ રાજ્યમાં સરકાર બનાવી હતી. વોટ શેરનું અંતર 2008માં ત્રણ ટકા અને 2018 માં એક ટકાથી ઓછું હતું.

તેલંગાણા

તેલંગાણા રાજ્યએ લાંબી રાજકીય લડાઈનું પરિણામ હતું. આ રાજ્યનો જન્મ 2014માં થયો હતો જ્યારે તે આંધ્ર પ્રદેશમાંથી અલગ થયું હતું. રાજ્યની રચના પછી તેમાં ભારત રાષ્ટ્ર સમિતિની સરકાર છે જે અગાઉ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ તરીકે ઓળખાતું હતું. રાજ્યમાં વિધાનસભાની 119 બેઠકો છે અને ટીઆરએસએ 2018માં છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં 47 ટકા મતો સાથે 88 બેઠકો જીતી હતી. કોંગ્રેસ રાજ્યમાં વિપક્ષી પાર્ટી છે અને 2018માં 28 ટકા વોટ મેળવી 19 સીટો જીતી હતી

તેલંગાણામાં ભાજપની વધારે તાકાત નથી. છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર સાત ટકા મત મળ્યા હતા. પરંતુ ગત હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં તેણે વધુ સારો દેખાવ કરીને સૌને ચોંકાવી દીધા હતા અને સારા એવા વોટ શેર મેળવ્યા હતા. રાજ્યની કેટલીક પેટા ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતા વધારે મત મળ્યા છે. ભાજપની નજર આગામી ચૂંટણી પર છે.

મિઝોરમ

મિઝોરમમાં વિધાનસભાની 40 સીટો છે. મિઝોરમમાં 2018થી મિઝો નેશનલ ફ્રન્ટ (એમએનએફ)નું શાસન છે. રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ (MNF) અને કોંગ્રેસ વચ્ચે લાંબા સમયથી લડાઈ ચાલી રહી છે. રાજ્યમાં 2008થી 2018ની વચ્ચે કોંગ્રેસનું શાસન હતું. જોકે ગત વિધાનસભા ચૂંટણીમાં એમએનએફે 38 ટકા વોટ શેર સાથે 26 સીટો જીતી હતી. કોંગ્રેસને 5 સીટો મળી હતી.

Web Title: After karnataka elections will be held in madhya pradesh rajasthan chhattisgarh telangana mizoram states

Best of Express