અત્રિ મિત્રા : કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પર પ્રચંડ જીત મેળવ્યાના બે દિવસ બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શનિવારે કહ્યું કે 2024ની ચૂંટણીમાં જ્યાં પણ કોંગ્રેસ મજબૂત હશે ત્યાં તે કોંગ્રેસને સમર્થન આપશે. બેનર્જીએ સોમવારે 2024ના મહાસંગ્રામ માટે કોંગ્રેસ અને વિપક્ષી એકતા પર ટીએમસીના વલણને સ્પષ્ટ કરતા કહ્યું કે કોંગ્રેસે એવા વિસ્તારોમાં પ્રાદેશિક પક્ષોને પણ ટેકો આપવો પડશે જ્યાં તેઓ મજબૂત સ્થિતિમાં છે.
મમતાના કોંગ્રેસ સાથેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ટીએમસી 2009ની લોકસભા અને 2011ની બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સાથી હતી અને 2012માં કોંગ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. આ સિવાય તેમના સંબંધોમાં ‘એકલા ચોલો’ની નીતિ અપનાવવાથી માંડીને રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓને નિશાન બનાવવાથી ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જુલાઈ 2009માં જ્યારે સીપીઆઈ(એમ)ની આગેવાની હેઠળના ડાબેરી મોરચાએ પરમાણુ સમજૂતીના મુદ્દે યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો ત્યારે મમતાએ યુપીએ સરકારને ટેકો આપ્યો હતો. 2009ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ટીએમસીએ ગઠબંધન કરીને 26 બેઠકો પર જીત મેળવી હતી. યુપીએ 2.0ના શાસનકાળમાં મમતા બેનર્જી વડાપ્રધાન મનમોહન સિંહના મંત્રીમંડળમાં રેલવે મંત્રી બન્યા હતા.
આ ગઠબંધને 2011ની બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ ફરીથી સાથે મળીને લડી હતી અને કુલ 294 માંથી 228 બેઠકો પર જીત મેળવી હતી. આ રીતે રાજ્યમાં ડાબેરીઓના 34 વર્ષના શાસનનો અંત આવ્યો હતો. મમતા બેનર્જીએ પ્રથમ વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા અને કોંગ્રેસ તેમની ગઠબંધન સરકારમાં સામેલ થઇ હતી. પરંતુ થોડા જ સમયમાં તેમના સંબંધોમાં ખટાશ આવવા લાગી હતી. 2012માં જ્યારે કોંગ્રેસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે પ્રણવ મુખર્જીના નામનો પ્રસ્તાવ મુક્યો ત્યારે મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી સંબંધો વધુ ખરાબ બન્યા હતા અને ટીએમસીએ યુપીએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો. જેના જવાબમાં કોંગ્રેસે પણ મમતા સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો હતો. ત્યાર બાદથી બંને પક્ષો અલગ-અલગ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2016 અને 2021ની વિધાનસભા ચૂંટણીમાં ટીએમસીએ એકલા હાથે લડીને જીત મેળવી હતી.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળ સરકારે સૌરવ ગાંગુલીની સુરક્ષા વધારી, શું દાદા રાજનીતિમાં કરશે એન્ટ્રી?
ફેબ્રુઆરી 2023માં યોજાયેલી મેઘાલય વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંને પક્ષો વચ્ચેના સંબંધો સાવ નીચલા સ્તર પર પહોંચ્યા હતા. આ પહેલા નવેમ્બર 2021માં પૂર્વ સીએમ મુકુલ સંગમાની આગેવાનીમાં કોંગ્રેસના 17માંથી 12 ધારાસભ્યો ટીએમસીમાં સામેલ થયા હતા. તે પહેલાં મેઘાલયમાં ટીએમસીનો કોઈ આધાર ન હતો. જોકે આ પછી ટીએમસી પૂર્વોત્તર રાજ્યમાં રાતોરાત મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ હતી.
ફેબ્રુઆરીમાં જ્યારે કોંગ્રેસે બંગાળની સાગરદિઘી વિધાનસભા સીટની પેટાચૂંટણીમાં ટીએમસીના ઉમેદવારને હરાવીને જીત મેળવી તો મમતા બેનર્જી ગુસ્સે ભરાયા હતા. તેમણે કહ્યું હતું કે 2024માં અમે તૃણમૂલ અને લોકો વચ્ચે જોડાણ જોઇશું. અમે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જઈશું નહીં. અમે લોકોના સમર્થનથી એકલા લડીશું. જે લોકો ભાજપને હરાવવા માંગે છે મને વિશ્વાસ છે કે તેઓ અમને મત આપશે. સીપીઆઇ(એમ) અને કોંગ્રેસને મત આપનાર ખરેખર ભાજપને મત આપી રહ્યા છે.
માર્ચ મહિનામાં મોદી સરનેમ મુદ્દે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા ગયા પછી બંને પક્ષો વચ્ચેના સંબંધો સુધર્યા હતા. તે સમયે કોલકાતામાં ટીએમસીની વિદ્યાર્થી અને યુવા પાંખની એક રેલીને સંબોધિત કરતા ટીએમસી નેતા અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે જો રાહુલ ગાંધીને ચૂંટણી રેલી દરમિયાન આપેલા નિવેદન માટે દોષિત ઠેરવવા અને પરિણામે ગેરલાયક ઠેરવવાનો સામનો કરવો પડી શકે છે, તો પછી શા માટે પીએમ મોદી પર 2021ની ચૂંટણીમાં મમતા માટે ‘દીદી ઓ દીદી!’ નો ઉપયોગ કરીને મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ કેમ ન લગાવવો જોઈએ.
કર્ણાટકમાં કોંગ્રેસની શાનદાર જીત બાદ હવે મમતા-કોંગ્રેસના સંબંધોમાં વધુ સુધારો જોવા મળી રહ્યો છે. ટીએમસીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે અમારી મોટી ચિંતા લઘુમતી મતો વિશે છે, જે 2021ની ચૂંટણીમાં પુરી રીતે અમારી પાર્ટીએ મેળવ્યા હતા. જો આ વોટબેંક કોંગ્રેસમાં જશે તો ઘણા વિસ્તારોમાં આપણે હારી જઈશું. આ જ અમારા નેતૃત્વની મુખ્ય ચિંતા છે. તેથી કોંગ્રેસ પ્રત્યેનું અમારું વલણ બદલવું એ આ હકીકતને દર્શાવે છે. જોકે કોંગ્રેસના એક દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી મોનોજ ચક્રવર્તીએ આરોપ લગાવ્યો કે મમતા બેનર્જીની કોઈ રાજકીય વિશ્વસનીયતા નથી અને તેમના પર વિશ્વાસ ન કરી શકાય. તેમનું વલણ હંમેશા બદલાતું રહે છે. તેમનો પક્ષ હંમેશા તકવાદી, સત્તાભૂખ્યો અને ભ્રષ્ટ રહ્યો છે.
Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો