Sourav Ganguly Security : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની સુરક્ષા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૌરવ ગાંગુલી પાસે અત્યાર સુધી વાય કેટેગરીની સુરક્ષા હતી પરંતુ મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકારે હવે તેમની સુરક્ષા કેટેગરીમાં સુધારો કર્યો છે. પશ્ચિમ બંગાળ સરકારે સૌરવ ગાંગુલીને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગાંગુલીની વાય કેટેગરીની સિક્યોરિટી ડેડલાઈન તારીખ 16મી મેના રોજ પુરી થઈ રહી હતી.
નવી કેટેગરી મુજબ સૌરવ ગાંગુલીની આસપાસ 8 થી 10 પોલીસ જવાનો હશે. જ્યારે અગાઉ આ સંખ્યા માત્ર ત્રણ જ હતી. આ પોલીસકર્મીઓ દાદાના ઘરે બેહાલામાં હાજર રહેશે. હાલ તે દિલ્હી કેપિટલ્સ સાથે આઈપીએલમાં વ્યસ્ત છે પરંતુ કોલકાતા પહોંચતા જ તેને આ પ્રોટેક્શન મળવાનું શરૂ થઈ જશે.
સૌરવ ગાંગુલીની સિક્યોરિટી કેટેગરી વધારવા પાછળ રાજકીય કારણોની અટકળો ચાલી રહી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અપડેટ કેમ કરી તેનું મુખ્ય કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે તેઓ દાદાને પોતાની રાજકીય પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડવા માંગે છે અને આ બધુ તે યોજનાનો ભાગ બની શકે છે.
આ પણ વાંચો – અમારી પાસે યૌન ઉત્પીડનની વીડિયો સાબિતી માંગી, ફરિયાદકર્તાનો આરોપ – ઘણું અસંવેદનશીલ હતું કમિટિના સભ્યોનું વલણ
મમતા બેનર્જી અને સૌરવ ગાંગુલીની નિકટતા છેલ્લા બે વર્ષમાં ઘણી વખત જોવા મળી છે. ગાંગુલી ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રમુખ સુકાંત મજુમદારની સુરક્ષામાં પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે. તેમની પાસે પહેલા ઝેડ સિક્યોરિટી હતી પરંતુ હવે તેને વધારીને ઝેડ પ્લસ કરી દેવામાં આવી છે. ભાજપના નેતાની સુરક્ષામાં અપડેટની સાથે સાથે મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીની સુરક્ષાને પણ અપડેટ કરી હતી.
સૌરવ ગાંગુલીએ રાજકારણમાં પ્રવેશવાની શક્યતાને વારંવાર નકારી કાઢી છે. જોકે આ વિશે દરરોજ સમાચાર આવતા રહે છે. મમતા બેનર્જીએ ઘણા પ્રસંગોએ આ ખેલાડીના વખાણ કર્યા છે. સૌરવ ગાંગુલીની લોકપ્રિયતા બંગાળમાં ઘણી વધારે છે. મમતા દીદીની જેમ લોકો પણ સૌરવ દાદાને ખૂબ પસંદ કરે છે. આવી સ્થિતિમાં સૌરવ ગાંગુલીની લોકપ્રિયતાને વોટમાં પરિવર્તિત કરવા માટે કોઇ પણ રાજકીય પક્ષની પસંદગી બની શકે છે.