પંજાબ પોલીસ અલગાવવાદી નેતા અમૃતપાલ સિંહની ધરપકડ કરવા માટે આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં અભિયાન ચલાવી રહી છે. પંજાબ પોલીસની ઘણી ટીમો અમૃતપાલ સિંહને શોધી રહી છે. બીજી તરફ બીએસએફ અને સેનાને પણ એલર્ટ કરી દીધી છે. અત્યાર સુધી 114 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં મંગળવાર બપોર સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
પંજાબ પોલીસે અત્યાર સુધી અમૃતપાલ સિંહના નજીકના લોકો અને તેના સંગઠન વારિસ પંજાબ દે સાથે જોડાયેલા લોકો પાસેથી 10 હથિયાર મેળવ્યા છે. જેમાં 12 બોરની સાત રાઇફલ, 325 બોરની બે રાઇફલ અને 32 બોરની એક રિવોલ્વર સામેલ છે. 450ની આસપાસ જીવતા કારતૂસ પણ ઝડપ્યા છે.
શું છે આઇએસઆઈ કનેક્શન?
પંજાબ પોલીસના આઈજી સુખચૈન સિંહ ગિલે સોમવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે અમૃતપાલ અને તેના સાથીઓ સાથે જોડાયેલા ચાર વાહનો પણ જપ્ત કર્યા છે. જેમાં એક મર્સિડીઝ, બે એન્ડેવર અને એક ઇસુઝુ છે. તેમણે કહ્યું કે હથિયારના મામલામાં પાકિસ્તાની જાસુસી એજન્સી આઇએસઆઈનું એંગલ અને ફોરેન ફંડિગની વાત પણ સામે આવી રહી છે. આ એંગલ પર વધારે તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ જાસુસી એજન્સીઓનું કહેવું છે કે અમૃતપાલ સિંહ 2012માં દુબઈમાં એક ટ્રક ડ્રાઇવરની નોકરી કરવા ગયો હતો. ત્યાં તેનો પાકિસ્તાન બેસ્ડ ખાલિસ્તાની સમર્થક લખબીર સિંહ રોડના ભાઇ જસવંત સિંહ રોડ સાથે સંપર્ક થયો અને આતંકી પરમજીત સિંહ પમ્માના પણ સંપર્કમાં આવ્યો હતો. સુરક્ષા એજન્સીઓને શંકા છે કે તેમણે અમૃતપાલ સિંહનો સંપર્ક આઈએસઆઈથી કરાવ્યો. જેમણે અમૃતપાલ સિંહને પંજાબમાં ખાલિસ્તાન મૂવમેન્ટ ફરીથી જીવિત કરવા માટે ફડિંગ આપ્યું હતું.
આ પણ વાંચો – પંજાબમાં હવે કેવો છે માહોલ? IGP સુખચૈન ગિલે કહ્યું – લો એન્ડ ઓર્ડર સાથે જોડાયેલી કોઇ સમસ્યા નથી
શું છે હથિયાર પર લખેલા AKFનો અર્થ?
અમૃતપાલ સિંહના નજીકના લોકો પાસેથી જે હથિયાર મળી આવ્યા છે તેમાંથી ઘણા પર AKF લખ્યું હતું. AKF એટલે આનંદપુર ખાલસા ફૌજ. દાવો કરવામાં આવી રહ્યો છે કે અમૃતપાલ સિંહ આનંદપુર ખાલસા ફૌજના નામથી પોતાની એક પ્રાઇવેટ આર્મી તૈયાર કરવામાં લાગ્યો હતો અને આ ઉદ્દેશ્યથી તમામ અત્યાધુનિક હથિયાર ભેગા કરી રહ્યો હતો.
સાથીઓને અસમ કેમ લઇ જવામાં આવ્યા?
પંજાબ પોલીસે અત્યાર સુધી જે લોકોની ધરપકડ કરી છે તેમાં અમૃતપાલ સિંહના અંકલ હરજીત સિંહ, અમૃતપાલ સિંહના કથિત સલાહકાર દલજીત સિંહ કલસી, ભગવંત સિંહ, ગુરમીત સિંહ અને પી બજેકા સામેલ છે. આ બધાને સ્પેશ્યલ પ્લેનથી પંજાબથી લગભગ 2500 કિલોમીટર દૂર અસમ શિફ્ટ કરવામાં આવ્યા છે. તેમના પર રાસુકા પણ લગાવવામાં આવ્યો છે.
પંજાબના વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે એ વાતની આશંકા છે કે અમૃતપાલ સિંહના સમર્થકો હંગામો કરી શકે છે. તેને જોતા પરિવારના સભ્યોને અસમ લઇ જવામાં આવ્યા છે. અસમ લઇ જવાનું એક કારણ એ પણ છે કે ત્યાં પંજાબી સમુદાયની વસ્તી ઘણી ઓછી છે. આવામાં ઉપદ્રવની આશંકા ઓછી છે.