પંજાબમાં અમૃતપાલ સિંહને પકડવા માટે રાજ્યની પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. રાજ્યના વિભિન્ન સ્થળો પરથી 120થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પંજાબના IGP સુખચૈન સિંહ ગિલે ન્યૂઝ એજન્સી એઅનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું કે રાજ્યમાં શાંતિ છે અને હાલાત સ્થિર છે. રાજ્યમાં લો એન્ડ ઓર્ડરથી સંબંધિત કોઇ સમસ્યા નથી.
અમૃતપાલ સિંહના સંગઠન વારિસ પંજાબ દે સાથે જોડાયેલા લોકો પર એક્શનની જાણકારી આપતા તેમણે જણાવ્યું કે વારિસ પંજાબ દે ના કેટલાક તત્વો સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે. આ લોકો સામે છ અપરાધિક કેસ નોંધાયેલા છે.
પોલીસે જનતાને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી
પંજાબ પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જનતાને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે. પોલીસે રવિવારે જણાવ્યું હતું કે તેમણે અમૃતપાલ અને તેમના સમર્થકો સામે જાલંધરમાં પોલીસ નાકું તોડવા અને એક ગામમાં વાહનમાંથી હથિયાર મળવાના મામલામાં એફઆઈઆર નોંધી છે.
આ પણ વાંચો – અમૃતપાલ સિંહ દુબઈથી અચાનક પાછો ફર્યો હતો, માતાએ કહ્યું- ઇચ્છતી હતી કે સફળ બિઝનેસમેન બને
પોલીસે કહ્યું કે અફવા ફેલાવનાર કોઇપણ વ્યક્તિ સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. વિભિન્ન દેશો, રાજ્યો અને શહેરોમાંથી અફવા અને નફરત ફેલાવનાર ભાષણો પર નજર રાખી રહ્યા છીએ.
મંગળવાર બપોર સુધી ઇન્ટરનેટ બંધ
આ પહેલા રાજ્ય સરકારે મોબાઇલ ઇન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પર પ્રતિબંધ મંગળવાર સુધી વધારી દીધો છે. પંજાબ સરકારે પહેલા શનિવાર અને રવિવારે ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી સોમવારે બપોર સુધી પ્રતિબંધ વધારવામાં આવ્યો હતો.