બે દિવસથી ખાલિસ્તાની નેતા અને ‘વારિસ પંજાબ દે’ ના પ્રમુખ અમૃતપાલ સિંહની ધરપકડની ચર્ચાને લઇને પંજાબમાં ઘમાસાન ચાલી રહ્યું છે. તેની સામે મોટા પ્રમાણમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ધરપકડને લઇને કેટલાક સમાચાર પણ વાયરલ થયા છે. જોકે પોલીસે બધા સમાચાર ફગાવી દીધા છે. જાલંધરના પોલીસ કમિશનર કુલદીપ સિંહ ચહલે કહ્યું કે 20-25 કિમી સુધી પીછો કર્યો પણ તે ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને ભગોડો જાહેર કરી દીધો છે. આ દરમિયાન અમૃતપાલ સિંહની માતાનું એક જૂનું નિવેદન સામે આવ્યું છે. એક જૂના ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે અમૃતપાલે પોતાના ગામમાં એક અભિયાન ચલાવ્યું છે, જે અંતર્ગત તે લોકોને નશાની લત છોડાવવા મફત સારવાર કરે છે.
અમૃતપાલ સિંહ પોતાના ગામમાં નશા મુક્તિ અભિયાન ચલાવી રહ્યો છે
અમૃતપાલ સિંહ અમૃતસરના જલ્લુપુર ખેડા ગામનો રહેવાસી છે. તે 2012માં કામ માટે દુબઈ ગયો હતો અને તે એક વર્ષ પહેલા જ ભારતમાં પરત ફર્યો છે. તેની માતાના જણાવ્યા પ્રમાણે જ્યારે અમૃતપાલ સિંહે જણાવ્યું હતું કે તે ભારત પરત આવવા માંગે છે અમે ચકિત રહી ગયા હતા. તે ઇચ્છતા હતા કે અમૃતપાલ એક સફળ બિઝનેસમેન બને. જોકે છેલ્લા 6-7 વર્ષોથી મોટાભાગના ટાઇમમાં ફોન પર જ રહેતો હતો.
અમૃતપાલ સિંહની માતાએ કહ્યું કે તે અમૃતસરમાં અમૃત સંચાર અભિયાન ચલાવે છે. ત્યાં નશાની લત છોડાવવા માટે મફત સારવાર કરવામાં આવે છે. નશેડી લોકોની સારવાર આયુર્વેદિક દવાઓ, યોગ, આહાર, સેવા અને શબદ કિર્તન (ગુરબાની પાઠ)ના મિશ્રણથી કરવામાં આવે છે અને આ મફત સેવા છે.
આ પણ વાંચો – અમૃતલાલ સિંહ ફરાર પણ તેનો ફાઇનાન્સર ઝડપાયો, ‘વારિસ પંજાબ દે’ના ચીફની ધરપકડની યોજના ક્યારે અને ક્યાં ઘડાઇ જાણો
અમૃતપાલ સિંહની માતાએ કહ્યું- પુત્રની સેવા પર ગર્વ
અમૃતપાલ સિંહની માતા બલવિંદર કૌરનું કહેવું છે કે તેમને પોતાની પુત્રની સેવા પર ગર્વ છે. અમને ખુશી છે કે તે અમૃત સંસ્કાર કરી રહ્યો છે અને લોકોની નશાની લત છોડાવી રહ્યો છે. તેમાં તે પણ પોતાના પુત્રની સાથે છે અને તે પોતાના પુત્રની સાથે રહેતા 15-16 યુવાઓ માટે ખાવાનું બનાવે છે. તે કહે છે કે તેના પુત્રને પરિવારનું પુરુ સમર્થન છે.
તેમણે કહ્યું કે શીખો સાથે હંમેશા ભેદભાવ થતો રહ્યો છે. બંદી સિંહ (શીખ કેદી જેને પંજાબમાં ઉગ્રવાદમાં સામેલ હોવા માટે દોષિત જાહેર કર્યો હતો અને હાલ પણ જેલમાં છે)ને છોડવામાં કેમ આવી રહ્યો નથી? અમૃતપાલને પોતાના ગામના લોકોનું ઘણું સમર્થન છે. ખાલિસ્તાનની માંગણીને લઇને લોકોના અહીં અલગ-અલગ મત છે.