સનથ પ્રસાદ : કર્ણાટકમાં નિર્ણાયક રાજ્ય વિધાનસભા ચૂંટણી 2023 પહેલા, અમૂલ વિ. નંદિની વિવાદે રાજ્યમાં હલચલ મચાવી છે, વિપક્ષી નેતાઓ અને કન્નડ તરફી જૂથોએ અમૂલને બેંગલુરુમાં તાજા દૂધ અને દહીં વેચવાની મંજૂરી આપવા બદલ સરકાર પર હુમલો કર્યો. ટીકાકારોનું માનવું છે કે, તાજા દૂધના બજારમાં અમૂલની એન્ટ્રી કર્ણાટકની સ્થાનિક બ્રાન્ડ નંદિની માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. અહીં શું વિવાદ છે અને કેવી રીતે નંદિની બ્રાન્ડ કર્ણાટકના ડેરી માર્કેટ પ્લેસનો અભિન્ન ભાગ છે, તે જોઈએ.
શું છે કર્ણાટકમાં અમૂલ-નંદિની વિવાદ?
અમૂલ-નંદિની વિવાદ ડિસેમ્બર 2022નો છે, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંડ્યામાં એક જાહેર સભા દરમિયાન સહકારી-મોડલ-આધારિત ડેરી કંપનીઓ, અમૂલ અને નંદિની વચ્ચે ‘સહકાર’ માટે હાકલ કરી હતી. આનાથી વિપક્ષી દળોના તીક્ષ્ણ હુમલાઓ થયા જેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર નંદિનીને અમૂલ સાથે મર્જ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેનાથી કર્ણાટક મિલ્ક ફેડરેશનની બ્રાન્ડ પર ખરાબ અસર થઈ શકે છે.
તાજેતરમાં, રાજ્યમાં જ્યારે 5 એપ્રિલના રોજ અમૂલે તાજા દૂધ અને દહીંની રજૂઆત કરીને બેંગલુરુમાં તાજા ડેરી માર્કેટમાં પ્રવેશની જાહેરાત કરી ત્યારે સ્થિતિ ગરમ થઈ. કોંગ્રેસ, જેડીએસ અને કન્નડ તરફી જૂથો જેવા વિરોધ પક્ષોએ વિરોધ શરૂ કર્યો. જેમણે સોશિયલ મીડિયા પર #GoBackAmul, #SaveNandini અભિયાનો ચલાવવાનું શરૂ કર્યું. ઉનાળાના સમયગાળા દરમિયાન નંદિની દૂધના ઉત્પાદનમાં ઘટાડો થતાં, વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ સરકાર ગુજરાત સ્થિત અમૂલને બેકડોર એન્ટ્રી આપવા માટે ‘કૃત્રિમ અછત’ ઊભી કરી રહી છે.
કર્ણાટકમાં નંદિનીની ઉપસ્થિતિ શું છે?
તાજા દૂધ અને દહીં સહિત દૂધની બનાવટો નંદિની નામથી વેચાય છે. કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ ફેડરેશન લિમિટેડ (KMF) એ કર્ણાટકમાં ડેરી સહકારી ચળવળની સર્વોચ્ચ સંસ્થા છે, જે દૂધ અને દૂધ ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.
KMF પાસે વર્ષોથી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ડૉ. રાજકુમાર, ઉપેન્દ્ર અને પુનિત રાજકુમાર જેવા લોકપ્રિય કલાકારો છે. નંદિની કર્ણાટકમાં ઘર-પરિવારનું નામ બની ગયું છે અને કદાચ ઘણા પરિવારો માટે ‘આત્મા’ છે. KMF બનવાની પ્રથમ ડેરી કોડાગુ જિલ્લામાં 1955માં અસ્તિત્વમાં આવી અને 1984 સુધીમાં ફેડરેશનની લોકપ્રિયતાએ સુનિશ્ચિત કર્યું કે ત્યાં 14 જિલ્લા દૂધ સંઘો છે.
KMF પાસે હવે કર્ણાટકના તમામ જિલ્લાઓને આવરી લેતા 16 દૂધ સંઘો છે અને તેઓ રાજ્યના વિવિધ નગરો/શહેરો/ગ્રામીણ બજારોમાં ગ્રાહકોને વિતરણ કરવા માટે પ્રાથમિક ડેરી સહકારી મંડળીઓ (DCS) પાસેથી દૂધ મેળવે છે. ગ્રામ્ય સ્તરે DCS અને જિલ્લા સ્તરે જિલ્લા દૂધ સંઘો (દા.ત. બેંગલુરુ, હાવેરી, બેલગામ હસન દૂધ સંઘ) દૂધની પ્રાપ્તિ, પ્રક્રિયા અને માર્કેટિંગનું સંચાલન કરે છે. તેઓ રાજ્યમાં ડેરી ક્ષેત્રના વિકાસના સંકલન માટે ઉત્પાદક સ્તરે અને રાજ્ય સ્તરે દૂધ ઉત્પાદન વધારવા માટે તકનીકી ઇનપુટ સેવાઓ પ્રદાન કરે છે.
સમગ્ર કર્ણાટકમાં KMFની ફૂટપ્રિન્ટ શું છે?
KMF સમગ્ર કર્ણાટકના 22,000 થી વધુ ગામડાઓને સપ્લાય કરે છે. ફેડરેશનમાં 24 લાખથી વધુ દૂધ ઉત્પાદકોનો સમાવેશ થાય છે, જે દરરોજ 81 લાખ કિલોથી વધુ દૂધ ખરીદે છે, દરરોજ 42 લાખ કિલોથી વધુ દૂધનું વેચાણ કરે છે, આમાં 17,000 દૂધ સહકારી મંડળીઓનો સમાવેશ થાય છે અને ખેડૂતોને પ્રતિદિન રૂ. 17 કરોડ સુધીની ચૂકવણી કરે છે. 2022-23ના આંકડા મુજબ, KMFનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 14,000 કરોડ હોવાનો અંદાજ છે.
કર્ણાટકમાં ડેરી બજાર રામનગરા, ચન્નાપટના, કોલાર, મંડ્યા, મૈસુર અને ચામરાજનગર જેવા જિલ્લાઓમાં મજબૂત છે, કારણ કે આ પ્રદેશોમાં ખેડૂતોનો મોટો હિસ્સો તેમની આજીવિકા માટે ડેરી ફાર્મિંગ પર નિર્ભર છે. બેંગલુરુમાં, લગભગ 25 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે, જે મુખ્યત્વે મંડ્યા તુમકુર, કોલાર અને આસપાસના વિસ્તારો જેવી સહકારી સંસ્થાઓમાંથી મેળવવામાં આવે છે.
નંદિની તેની તાજી દૂધની બનાવટ કયા ભાવે વેચે છે?
સરકાર દૂધ ઉત્પાદકો પાસેથી રૂ. 33 પ્રતિ લિટર (સામાન્ય રૂ. 31 પ્રતિ લિટરથી કામચલાઉ વ્યવસ્થા)ના ભાવે દૂધ ખરીદે છે અને રૂ. 40 પ્રતિ લીટરના ભાવે દૂધ (જેમાં 3% ફેટ અને 8.5% ઘન-ચરબી હોય છે) વેચે છે. જો કે, જિલ્લા દૂધ સંઘો પ્રાપ્તિ ખર્ચમાં ઓછામાં ઓછા રૂ. 5ના વધારાની માંગ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે, સરકાર ડેરી ખેડૂતોને સમૃદ્ધ કરવામાં અને મોંઘા ઓપરેશનલ ખર્ચને પહોંચી વળવા ગ્રાહકોને રૂ. 50માં વેચે.
KMF સભ્યોના જણાવ્યા મુજબ, નંદિની કર્ણાટકમાં દૂધ અને દૂધની બનાવટો માટે 90% થી વધુ બજાર હિસ્સો ધરાવે છે.
કર્ણાટકમાં તાજા દૂધના બજારમાં અમૂલનો બજાર હિસ્સો કેટલો છે?
જ્યારે કેએમએફનું નંદિની દૂધ તાજા દૂધના બજારમાં પ્રબળ ખેલાડી છે, અમૂલ તાજા દૂધના બજારમાં ત્રીજા અથવા ચોથા સ્થાને છે. જ્યારે અમૂલ દૂધ વેચવા માટે બેંગલુરુમાં ઝડપી વાણિજ્ય પ્લેટફોર્મમાં પ્રવેશવાની યોજના ધરાવે છે, ત્યારે ગુજરાત બ્રાન્ડ છેલ્લાં આઠ વર્ષથી બેલગામ અને હુબલીમાં તાજું દૂધ વેચી રહી છે.
અમૂલના મેનેજિંગ ડિરેક્ટર જયન મહેતાના જણાવ્યા અનુસાર, નંદિનીના 1.25-1.3 લાખ લિટર પ્રતિ દિવસની સરખામણીમાં કંપની બંને શહેરોમાં દરરોજ 6000-8000 લિટરનું વેચાણ કરે છે. જો કે, અમૂલનું તાજા દૂધ, રૂ. 54 પ્રતિ લિટર, નંદિની કરતાં રૂ. 14 મોંઘું છે.
વિવાદ વિશે KMFનું શું કહેવું છે?
KMFના ચેરમેન બાલચંદ્ર જરકીહોલીએ અમૂલ અને નંદિનીના મર્જરને નકારી કાઢ્યું હતું અને KMFની માલિકીની નંદિનીને અમૂલ અથવા તાજા દૂધ અને દહીંનું વેચાણ કરતી કોઈપણ ખાનગી બ્રાન્ડ્સ તરફથી કોઈ ખતરો નકાર્યો હતો.
આ પણ વાંચો – કર્ણાટક ચૂંટણીઃ કર્ણાટક ભાજપમાં સત્તા પરિવર્તનના સંકેત, અનેક દિગ્ગજ નેતાઓ “હાંસિયામાં” ધકેલાયા
જરકીહોલીએ એમ પણ કહ્યું, ‘બેંગલુરુમાં પહેલેથી જ 10 ખાનગી બ્રાન્ડ્સ દૂધ વેચે છે. આટલું બધું હોવા છતાં, કિંમતના કારણે નંદિની સાથે કોઈ સ્પર્ધા કરી શકતું નથી. નંદિની સસ્તા ભાવે દૂધ વેચે છે.” કૃત્રિમ અછતના આરોપોના જવાબમાં, જરકીહોલીએ જણાવ્યું હતું કે, આ વર્ષે કેએમએફએ ઉનાળાની ઋતુમાં અત્યાર સુધીમાં 75 લાખ લિટર દૂધ એકત્ર કર્યું છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 60,000 લિટર ઓછું છે.
(અનુવાદ – કિરણ મહેતા)





