scorecardresearch

અશોક ગેહલોતની ચોંકાવનારી કબૂલાત, કહ્યું- વસુંધરા રાજેએ 2020માં મારી સરકાર બચાવવામાં મદદ કરી હતી

Ashok Gehlot : અશોક ગેહલોતે રવિવારે કહ્યું કે તેમણે 2020ની રાજકીય કટોકટી દરમિયાન પૈસા લેનારા કોંગ્રેસના ધારાસભ્યોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પૈસા પાછા આપી દેવા વિનંતી કરી

Rajasthan Chief Minister Ashok Gehlot
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત (ફાઇલ ફોટો)

 Deep Mukherjee : ભાજપ અને તેમની પાર્ટીમાં તેમના હરીફો પર નિશાન સાધતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે કહ્યું હતું કે તેમણે 2020ની રાજકીય કટોકટી દરમિયાન પૈસા લેનારા કોંગ્રેસના ધારાસભ્યોને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પૈસા પાછા આપી દેવા વિનંતી કરી હતી. ગેહલોતે અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત પર ત્રણ વર્ષ પહેલા તેમની સરકારને તોડી પાડવાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. એક અભૂતપૂર્વ ઘટસ્ફોટમાં ગેહલોતે એવો પણ દાવો કર્યો હતો કે ભાજપના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને અન્ય બે બીજેપી નેતાઓએ કટોકટી દરમિયાન તેમની સરકાર બચાવવામાં મદદ કરી હતી.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે ધોલપુર જિલ્લામાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જે સંકટ આપણા ઉપર આવ્યું તે અમિત શાહ જી, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ગજેન્દ્ર સિંહ શેખાવત બધાએ સાથે મળીને કર્યું હતું. રાજસ્થાનમાં પણ પૈસા વહેંચી દીધા હતા. તેઓ પૈસા પાછા લઇ રહ્યા ન હતા. મને ચિંતા થતી હતી કે તેઓ શા માટે પૈસા પાછા લઈ રહ્યા નથી. શા માટે તેઓ તેમની (ધારાસભ્યો) પાસેથી પૈસા પાછા માંગી રહ્યા નથી? ઉલ્લેખનીય છે કે ધોલપુર વસુંધરા રાજેનો ગઢ છે.

ગેહલોતે કહ્યું કે મેં આપણા ધારાસભ્યને એમ પણ કહ્યું છે કે જેમણે પૈસા લીધા છે તેનો સ્વીકાર કરી લો, 10 કરોડ લીધા છે, 20 કરોડ લીધા છે, જે કંઇ પણ લીધા હોય, ખર્ચ કરી દીધા હોય, તે ખર્ચ કરાયેલા પૈસા AICC પાસેથી તમને અપાવી દઇશ. 10 કરોડ રૂપિયા અમિત શાહને પાછા આપી દો, જો તમે 15 કરોડ રૂપિયા લીધા છે તો તે પણ પરત કરો. તેમના પૈસા રાખશો નહીં. જો તમે તેમના પૈસા રાખશો તો અમિત શાહ હંમેશા તમારા પર દબાણ બનાવશે, તેઓ ગૃહમંત્રી પણ છે. તે ધમકી આપશે, ડરાવશે જેમ તે ગુજરાતમાં ધમકાવે છે, ડરાવે છે. તેમણે મહારાષ્ટ્રમાં શિવસેનાને ધમકી આપી અને પક્ષના બે ટુકડા કરી નાખ્યા, 25 ધારાસભ્યો છીનવી લીધા. ગૃહમંત્રી અમિત શાહ ખતરનાક રમત રમે છે.

વસુંધરા રાજેની આગેવાની હેઠળની અગાઉની ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના કેસોની તપાસની માંગણી પર પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ મક્કમ રહ્યાના એક દિવસ બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીની ટિપ્પણી આવી છે. 2020માં પાયલોટે ગેહલોત સામે બળવો કર્યો અને તેના વફાદાર 18 ધારાસભ્યો સાથે એક મહિનાથી વધુ સમય સુધી દિલ્હી અને હરિયાણાના માનેસરમાં ધામા નાખ્યા હતા. જેના કારણે રાજકીય કટોકટી આવી હતી.

આ પણ વાંચો – પીએમ મોદીએ કર્યો રોડ શો, ડિલિવરી બોય સાથે સ્કૂટર પર સવાર થયા રાહુલ ગાંધી

ગેહલોતે હંમેશા એવું કહ્યું છે કે ભાજપે તે સમયે તેમની સરકારને તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો અને ધારાસભ્યો માટે નાણાં ખર્ચવામાં આવ્યા હતા. જોકે ભાજપ અને બળવો કરનારા ધારાસભ્યોએ હંમેશા આરોપોને નકારી કાઢ્યા છે. પાયલટે ભૂતકાળમાં ગેહલોતના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. ગયા વર્ષે ગેહલોતે પાયલટને દેશદ્રોહી કહ્યા હતા. આ પછી મુખ્યમંત્રીની તાજેતરની ટિપ્પણીઓ આ મુદ્દા પર અત્યાર સુધીનો તેમનો સૌથી આક્રમક હુમલો છે.

ગેહલોતે કહ્યું કે મેં ધારાસભ્યને કહ્યું હતું કે તમે ભૂલો કરી છે, ચિંતા કરશો નહીં, ભૂલી જાઓ અને માફ કરો. જો તમે 1-2 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, તો મને કહો. હું એઆઈસીસીના પ્રમુખને કહીને તે પરત કરાવી દઇશ. તમે તેમના પૈસા પાછા આપો. તમારે દબાણ હેઠળ નહીં પરંતુ પ્રમાણિકતા સાથે કામ કરવું જોઈએ. હું તમને સંપૂર્ણ સમર્થન આપીશ. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ મને ત્રણ વખત મુખ્યમંત્રી બનાવ્યા છે અને ભૂતકાળને ભૂલીને બધાને સાથે લઈ જવાની તેમની ફરજ છે. જે લોકો ગયા મેં તેમને કહ્યું કે ચાલો ભૂતકાળને ભૂલીએ અને સાથે મળીને કામ કરીએ. કોંગ્રેસ આ દેશના ડીએનએમાં છે.

આ દરમિયાન ગેહલોતે ભાજપના ધારાસભ્ય શોભરાણી કુશવાહાની પ્રશંસા કરી હતી. જેમણે રાજ્યસભાની ચૂંટણી દરમિયાન ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા અને કોંગ્રેસને ટેકો આપ્યો હતો. સીએમએ કહ્યું કે શોભરાણી જી એ જ્યારે હિંમતભેર અમારું સમર્થન કર્યું ત્યારે ભાજપ ચોંકી ઉઠ્યું હતું. બીજુ વસુંધરા જી સિંધિયા અને ત્રીજા ક્રમે કૈલાશ મેઘવાલ. કૈલાશ મેઘવાલ જાણતા હતા, વસુંધરા જી જાણતા હતા.

ગેહલોતે કહ્યું કે જ્યારે તેઓ 1990ના દાયકામાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC)ના અધ્યક્ષ હતા, ત્યારે કેટલાક નેતાઓએ તત્કાલીન મુખ્યમંત્રી ભૈરોસિંહ શેખાવતની સરકારને તોડવાની કોશિશ કરી હતી. તે વખતે તેમની પાર્ટીના લોકો સરકાર પાડી રહ્યા હતા. તે સમયે પણ પૈસા વેચાયા હતા જેવી રીતે અત્યારે વેચાયા હતા. જોકે મેં તેમનો સાથ આપવાની ના પાડી હતી. હું તેમની સાથે સામેલ થઇ ગયો હોત તો સરકાર પડી શકતી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે કૈલાશ મેઘવાલ અને વસુંધરા જીએ તેવું જ કહ્યું હતું કે આપણી પાસે મની પાવર દ્વારા ચૂંટાયેલી સરકારોને પછાડવાની આવી પરંપરા નથી. તેઓએ શું ખોટું કહ્યું? શોભરાણી જીએ તેમની વાત સાંભળી, વસુંધરા જી અને કૈલાશ મેઘવાલ જી ની અને તેમના અંતરાત્માના અવાજે કહ્યું કે હું આવા લોકોને ટેકો આપવા માંગતા નથી. તેથી જ અમારી સરકાર ટકી રહી છે.

રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)ના સ્થાપક હનુમાન બેનીવાલ જેવા રાજકારણીઓએ લાંબા સમયથી ગેહલોત અને રાજે વચ્ચે મિત્રતાનો આરોપ લગાવ્યો હતો અને રાજે પર 2020માં મુખ્યમંત્રીને મદદ કરવાનો આરોપ લગાવ્યો હતો. ગયા મહિને જયપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં પાયલટે વારંવાર ભારપૂર્વક કહ્યું હતું કે રાજે સરકારના કાર્યકાળ દરમિયાન ભ્રષ્ટાચારના કેસોમાં નિર્ણાયક કાર્યવાહી કરવાની જરૂર હતી. ગેહલોત અને રાજે બંનેએ આ પ્રકારની મિલીભગતના આરોપોને નકારી કાઢ્યા છે.

મુખ્યમંત્રીએ 2020ની રાજકીય કટોકટી દરમિયાન તેમની સરકારને બચાવવા માટે કોંગ્રેસના ધારાસભ્યો ડેનિશ અબરાર, ચેતન ડુડી અને રોહિત બોહરાની પ્રશંસા કરી. ગેહલોતે કહ્યું કે તમે પાર્ટીને વફાદાર રહ્યા છો, પાર્ટી તમને ક્યારેય ભૂલી શકશે નહીં. જો મારું ચાલ્યું હોત તો ત્રણેય યુવાનો મારી સાથે મંત્રી બન્યા હોત. મને દુઃખ છે કે હું આ ત્રણને, કેટલાક રાજકીય કારણોસર અમને ટેકો આપનાર અને સરકાર બચાવવામાં મદદ કરનાર BSPના છ લોકોને મંત્રી બનાવી શક્યો નહીં. ખરેખર લાયક વ્યક્તિઓ તે 102 લોકો હતા જેમણે મને ટેકો આપ્યો હતો.

મુખ્યમંત્રીએ કહ્યું કે તે રાજકીય સંકટને ક્યારેય ભૂલી શકે તેમ નથી. ગેહલોતે કહ્યું કે તમે બધા જોશો તમારા બધાના આશીર્વાદને કારણે આ વખતે સરકાર સારી બહુમતી સાથે રચાશે.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Ashok gehlot said vasundhara raje helped save my govt in

Best of Express