Karnataka Elections 2023 : કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર તેના અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પ્રચારની અંતિમ તારીખ પૂરી થાય તે પહેલાં દરેક પક્ષે રાજ્યમાં પોતાની તમામ તાકાત લગાવી દીધી છે. રવિવારે જ્યારે પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યમાં વધુ એક રોડ શો યોજ્યો હતો ત્યારે કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ડિલિવરી બોય સાથે સ્કૂટર પર સવારી કરી હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બોલિવૂડ ફિલ્મ ‘ધ કેરલા સ્ટોરી’ બેંગ્લુરુમાં જોશે.
પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા
બેંગલુરુમાં રોડ શો ઉપરાંત પીએમ નરેન્દ્ર મોદીએ શિવમોગામાં પણ રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમે રોડ શો વહેલો કર્યો કારણ કે આજે નીટની પરીક્ષા હતી. કોઈ પણ રાજકીય પક્ષ આટલી જલ્દી કોઈ રેલી અથવા જાહેર સભા યોજવાની કે સંબોધવાની હિંમત કરતો નથી. મને આજે બેંગલુરુના લોકોનો ઘણો પ્રેમ મળ્યો.
આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસની રાજનીતિ અને વિકાસના કામો માત્ર કાગળ પર જ છે. તેઓ ક્યારેય કર્ણાટકનો વિકાસ નહીં કરી શકે. તેઓ માત્ર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. અગાઉની કોંગ્રેસ સરકારોમાં કર્ણાટકની મહિલાઓની અવગણના કરવામાં આવી હતી. તેમણે ખેડૂતો માટે કોઈ કામ કર્યું નથી. ભાજપે રાજ્યના ખેડૂતો માટે કામ કર્યું છે. હવે કોંગ્રેસના તમામ જુઠ્ઠાણાઓ ઉઘાડા પડી ગયા છે અને ભાજપ પૂર્ણ બહુમત સાથે સરકાર બનાવશે.
આ પણ વાંચો – 75 ટકા અનામતનો અમલ કરવો કોંગ્રેસ માટે સરળ નહીં હોય! તમિલનાડુમાં 69 ટકા અનામતનું શું છે ગણિત?
કન્યા કેળવણી પર બોલતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં કન્યા કેળવણી અને મહિલા સશક્તિકરણને પાછળ ધકેલી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે શાળાઓમાં છોકરીઓ માટે અલગ શૌચાલય બનાવ્યા ન હતા અને તેના કારણે છોકરીઓ અભ્યાસ છોડી દેતી હતી. ભાજપે છોકરીઓ સાથે થઈ રહેલા અન્યાયને દૂર કરવા માટે અભિયાન ચલાવ્યું અને આજે વધુને વધુ છોકરીઓ સ્કૂલે જઈ રહી છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું – કર્ણાટકમાં ભાજપ સરકારનો આતંક
કર્ણાટકમાં પ્રચાર દરમિયાન પ્રિયંકા ગાંધી વાડ઼્રાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી જી કર્ણાટકમાં આતંક છે તો બેરોજગારીનો આતંક છે કે તમારી સરકારે અઢી લાખ સરકારી જગ્યાઓ ખાલી રાખી છે. શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહી નથી. જો આતંક છે તો તે તમારી 40 ટકા સરકારનો આતંક છે. એટલો આતંક છે કે ધારાસભ્યના પુત્રના ઘરેથી 8 કરોડ રૂપિયા રોકડા મળી આવે તો કોઇ કાર્યવાહી થતી નથી. એક સમયે ચાર બેંકો હતી – કોર્પોરેશન બેંક, વિજયા બેંક, સિન્ડિકેટ બેંક, કેનેરા બેંક અને હવે આ બધી બેંકો આ સરકારે મર્જ કરી દીધી છે.