પૂર્વોત્તરના ત્રણ રાજ્ય ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં કોની સરકાર બનશે તે 2 માર્ચે સ્પષ્ટ થઇ જશે. ગુરુવારને 2 માર્ચના રોજ ત્રણેય રાજ્યોમાં મત ગણતરી યોજાશે. એક્ઝિટ પોલ પ્રમાણે ત્રિપુરા અને નાગાલેન્ડમાં એનડીએ સરકાર બનવાની સંભાવના છે. જ્યારે મેઘાલયમાં બીજેપી ઘણી પાછળ જોવા મળી રહી છે. આ રાજ્યમાં ફરી એક વખત સરકાર બનાવવા માચે બીજેપી એક્ટિવ થઇ ગઇ છે.
ન્યૂઝ એજન્સી PTIએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી છે કે મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ ગુવાહાટી પહોંચીને અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમા સાથે મુલાકાત કરી છે. હિમંત બિશ્વ સરમા નોર્થ ઇસ્ટમાં બીજેપીના નેતૃત્વવાળા નોર્થ ઇસ્ટ ડેવલોપમેન્ટ એલાયન્સ (NEDA)ના પ્રમુખ છે. રિપોર્ટ છે કે બન્ને નેતાઓની મુલાકાત ગુવાહાટીની એક હોટલમાં મંગળવારે રાત્રે થઇ હતી.
PTIએ સૂત્રોના હવાલાથી જણાવ્યું કે સંગમા ગત રાત્રે ગુવાહાટીમાં હતા. જ્યાં હિમંત બિશ્વ સરમા તેમને મળવા માટે હોટલ આવ્યા હતા. બન્ને નેતાઓની આ બેઠક એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ઘણા એક્ઝિટ પોલ્સમાં મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની સંભાવનાઓ બતાવવામાં આવી રહી છે. ઘણા એક્ઝિટ પોલ્સમાં બતાવવામાં આવી રહ્યું છે કે કોનરાડ સંગમાની પાર્ટી સૌથી મોટી પાર્ટી બનશે. જોકે બહુમતથી આંકડાથી દૂર રહેશે.
આ પણ વાંચો – એક્ઝિટ પોલ 2023 : ત્રિપુરા, નાગાલેન્ડમાં ફરી બીજેપીની સરકાર, મેઘાલયમાં રસપ્રદ મુકાબલો
મેઘાલયમાં બીજેપી અને એનપીપીએ મળીને પાંચ વર્ષ સરકાર ચલાવી હતી. રાજ્યમાં મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સનું નેતૃત્વ એનપીપીએ કર્યું હતું. ચૂંટણી પહેલા બન્ને પક્ષો અલગ થઇ ગયા હતા અને બન્નેએ અલગ-અલગ ચૂંટણી લડી હતી.
મંગળવારે સાંજે અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વ સરમાએ મીડિયા સાથે વાતચીતમાં એ દાવો કર્યો છે પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઉભી થશે નહીં. બીજેપી અને તેના સહયોગીઓને પૂર્ણ બહુમત મળશે. તેમણે દાવો કર્યો કે આ રાજ્યોમાં નોર્થ ઇસ્ટ ડેવલોપમેન્ટ એલાયન્સનો કોઇપણ સભ્ય કોંગ્રેસ કે ટીએમસીમાં ગઠબંધન કરશે નહીં. મેઘાલયને લઇને દાવો કર્યો હતો કે રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી બીજેપી દ્વારા ચૂંટણીમાં જીતેલી સીટોની સંખ્યા પર વિચાર કર્યા પછી કરવામાં આવશે.