છેલ્લા આઠ વર્ષથી ભારતના રાજકારણમાં એક રાજકીય પક્ષનો દબદબો સતત વધી રહ્યો છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનો દાવો કરનાર ભાજપ કેન્દ્રમાં દિલ્હી ઉપરાંત દેશના 17 રાજ્યોમાં સરકારનું નેતૃત્વ કરી રહી છે. લોકસભામાં ભાજપના 303 સાંસદો અને રાજ્યસભામાં 92 સાંસદો છે. જો કે, ભારતના રાજકારણમાં દબદબો અને દેશના 50 ટકા રાજ્યોમાં સરકાર હોવા છતાં આ નવુ 2023નું વર્ષ ભાજપ માટે પડકારરૂપ બની શકે છે.
વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શનનું દબાણ રહેશે
વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા દેશના લગભગ 9 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવાની છે જેમાં
જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, તેલંગાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ અને મિઝોરમનો સમાવેશ થાય છે. લોકસભા ઇલેક્શન પહેલા યોજાનાર આ આ ચૂંટણીઓને સેમિફાઇનલ તરીકે જોવામાં આવી રહી છે. વર્ષ 2018 અને 2019માં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓડિશાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હાર થઇ હતી પરંતુ લોકસભામાં ભાજપની જીત થઇ હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિવાદિત કલમ – 370 નાબૂદ થયા બાદ લગભગ પાંચ વર્ષના અંતરે વિધાનસભા ચૂંટણી યોજાશે. રાજ્યમાં સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્યાંની કમાન મહદઅંશે કેન્દ્રના હાથમાં રહેશે.
ચૂંટણીલક્ષી રાજ્યોમાં મજબૂત ઉમેદવારોની પસંદગી – યક્ષ પ્રશ્ન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં રાજકીય પક્ષ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે એક નવી લિડર ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આમ તો બ્રાન્ડ મોદી ઇમેજ હજી પણ અકબંધ છે. રાજ્યની ચૂંટણીઓમાં બ્રાન્ડ મોદીનો ઉપયોગ થતો રહે છે. જ્યાં સ્થાનિક મુદ્દાઓ વધારે હાવી હોય અને પક્ષ રાજ્યમાં સત્તા વિરોધી લહેરનો સામનો કરી રહ્યુ ત્યારે સ્પષ્ટપણે એક પડકાર દેખાય છે. ઝારખંડ અને હિમાચલ પ્રદેશ એવા ઉદાહરણો છે જ્યાં સત્તા વિરોધી અને સ્થાનિક મુદ્દાઓને કારણે ભાજપની હાર થઈ.
ભાજપ આવી પડકારજનક સ્થિતિનો સામનો કરવા માટે આંતરિક પ્રયોગો કરી રહી છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ઓછામાં ઓછા 30 થી 40 ટકા નવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં, ભાજપ પાર્ટીએ સરકારમાં મૂળથી ફેરફાર કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીઓ જ બદલી નાંખ્યા હતા.
આ વ્યૂહનીતિથી બંને રાજ્યોમાં ફાયદો પણ થયો, પરંતુ હિમાચલમાં આ યુક્તિ વધારે કારગર સાબિત થઇ. જે જૂના નેતાઓને ટિકિટ ન મળી તેમણે ભાજપ સામે બળવો પોકાર્યો અને પાર્ટીને નુકસાન પહોંચાડ્યું હતુ. વર્ષ 2023માં ભાજપ સામે સૌથી મોટો પડકાર ચૂંટણી માટે મજબૂત ઉમેદવારોની પસંદગીનો રહેશે.

ચાલુ વર્ષમાં સૌપ્રથમ ચાર મહિનાની અંદર કર્ણાટક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપ માટે અહીં પોતાની સરકાર ટકાવી રાખવાનો પડકાર રહેશે. કર્ણાટકમાં પાર્ટીની સ્થાપનાનો શ્રેય બીએસ યેદિયુરપ્પાને આપવામાં આવે છે. ભાજપે તેમને પાર્ટીના સંસદીય બોર્ડમાં સ્થાન આપીને સન્માનજનક વિદાય આપી છે. વર્તમાન મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈને ચૂંટણીમાં પક્ષનું નેતૃત્વ કરતી વખતે વિવિધ જૂથોને સંભાળવાનો પડકાર છે. કેટલાક નેતાઓ દ્વારા પહેલાથી જ કેબિનેટ વિસ્તરણની માંગ કરવામાં આવી રહી છે. આવા નેતાઓ સમયાંતરે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરતા રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્યના ભાજપ પ્રભારી અરુણ સિંહે કહ્યું, “હાલમાં, અમે કર્ણાટકમાં કોંગ્રેસની તુલનાએ વધારે મજબૂત સ્થિતિમાં છીએ. અમારા મુખ્યમંત્રી બોમ્માઈની છબી આમ આદમી જેવી છે. યેદિયુરપ્પાજી આપણા સૌથી મોટા અને સૌથી લોકપ્રિય નેતા છે. બંને ભાજપ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. સત્તા વિરોધી લહેર નથી. આગામી દિવસોમાં અન્ય પક્ષોના ઘણા નેતાઓ ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.
સૌથી વધુ પડકાર બિહારમાં
બિહારમાં ભાજપ એવા મજબૂત અને લોકપ્રિય ચહેરાની શોધમાં છે જે નીતિશ કુમારની આગેવાની હેઠળના મહાગઠબંધનને ટક્કર આપી શકે. રાજ્ય ભાજપ અધ્યક્ષ સંજય જયસ્વાલનો કાર્યકાળ સપ્ટેમ્બરમાં સમાપ્ત થઇ ગયો છે. પ્રદેશ પાર્ટી હવે એક નવા ચહેરાની તલાશ કરી રહી છે. એવા સમાચાર હતા કે દશેરા બાદ બિહારમાં પાર્ટીના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે, પરંતુ હાલમાં કમાન સંજય જયસ્વાલ પાસે છે.
આ દરમિયાન ડિસેમ્બરના અંતમાં, ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ રાજીવ રંજને પક્ષના પ્રાથમિક સભ્યપદ અને પદ પરથી રાજીનામું આપીને હલચલ મચાવી દીધી છે. નીતીશ કુમારે એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ ભાજપને સમજાઈ ગયું છે કે 2024માં મુશ્કેલી વધી શકે છે. બિહારમાં લોકસભાની 40 બેઠકો છે, જેમાંથી ભાજપ પાસે 17 બેઠકો છે. એટલે કે અડધા કરતાં પણ ઓછો છે. 2019ની લોકસભા ચૂંટણી ભાજપ અને જેડીયુ દ્વારા સંયુક્ત રીતે લડી હતી, જેમાં નીતિશ કુમારની પાર્ટીએ 16 બેઠકો જીતી હતી.
એનડીએ સાથે ગઠબંધન તોડ્યા બાદ મહાગઠબંધનમાં સામેલ થતી વખતે નીતિશ કુમારે ધી હિંદુને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “જેડીયુ મહાગઠબંધનનો હિસ્સો બનવાની સાથે જ નક્કી થઈ ગયું છે કે ભાજપ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર 2 સીટો જીતી શકશે.”
‘રેવડી’માં ભાજપ ફસાશે
વર્ષ 2024માં સંખ્યાબંધ પડકારોનો સામનો કરવો પડશે તેવો આભાસ ભાજપને થઇ ગયો છે. હાલના સત્તાધારી પક્ષ માટે અર્થવ્યવસ્થાનું સંતુલન જાળવી રાખવું સતત માથાનો દુખાવો બની રહ્યું છે તે જોતાં, વિપક્ષ પીએમ મોદીને તેમના પોતાના ‘રેવડી કલ્ચર’ વાળા નિવેદનની યાદ અપાવી શકે છે.
‘રાષ્ટ્રીય પક્ષ’નો દરજ્જો મળ્યા બાદ આમ આદમી પાર્ટી હાલ જોશમં છે. બીજી તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કોંગ્રેસમાં પણ જુસ્સાની નવી લહેર લાવશે તેવું કહેવાય છે. હવે તમામની નજર વડાપ્રધાન મોદી પર રહેશે કે તેઓ રાજ્યોના પ્રતિસ્પર્ધીઓનો કેવી રીતે સામનો કરે છે.

કર્ણાટકમાં કોંગ્રેસના નેતાઓએ જૂની પેન્શન યોજના લાગુ કરવાનું વચન આપવાનું શરૂ કરી દીધું છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાના વચને કોંગ્રેસને તાજેતરની હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પણ મદદ કરી હોવાનું માનવામાં આવે છે.
2019ની લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોનું દેવું ચર્ચાનો વિષય હતો. ત્યારબાદ વિપક્ષ સતત આ મુદ્દો ઉઠાવી રહ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન મોદીને ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ’ .યોજનાની જાહેરાત કરી ખેડૂતોની વોટબેન્ક હાંસલ કરી. કેન્દ્રની ભાજપ સરકારે કોવિડ-19 અને લોકડાઉન એપ્રિલ 2020માં શરૂ કરેલી મફત રાશન યોજનાને ફરી એક વર્ષ સુધી લંબાવી દીધી છે.
‘વિકાસદર’ – સરકારની સૌથી મોટી ચિંતા
અર્થવ્યવસ્થાનો વિકાસદર સરકાર માટે ચિંતાનો વિષય છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતની જીડીપી 9.2 ટકા વધવાની ધારણા હતી, પરંતુ તેમાં માત્ર 8.7%નો જ વધારો થયો. જો કે આ આંકડો વર્ષ 2020-21ના 6.6%ના વિકાસદર કરતા ઘણો સારો છે. હાલમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ સ્વીકાર્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા 2022-23માં પ્રોત્સાહક દેખાવ કરશે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં ભારતનો વિકાસદર અનુક્રમે 13.5% અને 6.3% રહી શકે છે. તો ત્રીજા અને ચોથા ત્રિમાસિક ગાળામાં વિકાસદર 4.5% અને 7% રહેવાની અપેક્ષા છે.
ક્રૂડ ઓઇલના ઉંચા ભાવથી સરકાર પરેશાન
ક્રૂડ ઓઇલની વધતી કિંમતોથી સરકાર પહેલેથી જ ચિંતિત છે. આમ તો હાલ ઓઇલના ભાવ બજાર-નિયંત્રિત છે, પરંતુ જન આક્રોશ સરકાર પર દબાણ લાવે છે. ગત વર્ષ ક્રૂડ ઓઈલની કિંમતોના મામલે બહું પડકારજનક રહ્યુ હતુ, કારણ કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ ભાવ ઉછળીને પ્રતિ બેરલ 130 ડોલરને સ્પર્શી ગયા હતા. હાલમાં ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલરની આસપાસ બોલાઇ રહી છે. IMFએ વર્ષ 2023માં ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત 92 ડોલર રહેવાનો અંદાજ મૂક્યો છે.
વધતી બેરોજગારી – ભાજપ સામે સૌથી મોટી મુશ્કેલી
રોજગારી સર્જનના મામલે ભાજપ સતત બેકફૂટ પર રહી છે, સરળ શબ્દોમાં કહીયે તો દેશમાં બેરોજગારી સતત વધી રહી છે અને નવી રોજગારીનું સર્જન અત્યંત ઓછું છે. ભાજપના કટ્ટર સમર્થકો પણ માને છે કે પાર્ટી આ વચન પૂર્ણ કરી શકી નથી. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ રવિવારે જાહેર કરેલા ડેટામાં જણાવ્યું છે કે ડિસેમ્બર 2022માં ભારતનો બેરોજગારી દર 8.30 ટકા થયો છે. આ આંકડો છેલ્લા 16 મહિનામાં સૌથી વધુ છે. રિપોર્ટ અનુસાર ભાજપ શાસિત હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી દર છે. ચૂંટણીલક્ષી રાજ્યોની વાત કરીએ તો જમ્મુ-કાશ્મીરમાં બેરોજગારીનો દર 14.8 ટકા અને રાજસ્થાનમાં 28.5 ટકા જેટલો ઉંચો છે.