માફિયા ડોન અતીક અહમદને ફરી એકવાર ગુજરાતની સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો છે. થોડાક દિવસો પહેલા પણ તેને પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો અને અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને પાછો ગુજરાતની સાબરમતી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો. હવે એક વાર ફરી ઉમેશ પાલ હત્યા કેસમાં ગેંગસ્ટર અતીક અહમદને પ્રયાગરાજ કોર્ટમાં હાજર કરવામાં આવશે.
ગેંગસ્ટરને લાવવા-લઇ જવા પાછળ 10 લાખ રૂપિયા જેટલો જંગી ખર્ચ
અતીક અહમદ ઉમેશ પાલની હત્યાનો મુખ્ય આરોપી છે. તમને જણાવી દઈએ કે ઉમેશ પાલ 2005માં બહુજન સમાજવાદી પાર્ટી (બસપા)ના ધારાસભ્ય રાજુ પાલ (BSP MLA રાજુ પાલ)ની હત્યાનો સાક્ષી હતો. અતીક રાજુ પાલ મર્ડર કેસમાં પણ આરોપી છે. અતીક અહમદને સાબરમતી જેલમાંથી લાવવા અને ત્યારબાદ ફરી અદાલતમાં કેસ સ્થગિત હોય ત્યારે તેને પરત લઈ જવા માટે 37 પોલીસ કર્મચારીઓ સાથે બે પોલીસ વાન અને બે એસ્કોર્ટ વ્હિકલ પ્રયાગરાજથી મોકલવામાં આવ્યા છે. પ્રયાગરાજથી અમદાવાદ સુધીનુ અંતર 1,275 કિમી છે. ઉત્તર પ્રદેશ સરકાર સાબરમતી જેલમાંથી અતીક અહેમદને પ્રયાગરાજ કોર્ટમાં રજૂ કરવા માટે લગભગ 10 લાખ રૂપિયા ખર્ચી રહી છે.
પોલીસ વાનના ફ્યૂઅલ પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સરકાર માફિયા ડોન અતીક અહમદને લાવવા માટે તૈનાત 37 પોલીસ કર્મચારીના પગાર અને મોંઘવારી ભથ્થા (ડીએ) પાછળ છ લાખ રૂપિયાનો ખર્ચ કરેચે છે. આ આંકડો તેમના સરેરાશ પગારની ગણતરી અને DAની રકમ ઉમેર્યા પછી ચાર દિવસના પગાર પર આધારિત છે. ઉપરાંત આ અવરજવરમાં વપરાતા વાહનોના ઇંધણ પાછળ 3 લાખ રૂપિયા ખર્ચાય છે.
એક પોલીસ વાનની સરેરાશ માઇલેજ પ્રતિ લિટર ફ્યૂઅલ દીઠ 5 કિમી છે. તેને ધ્યાનમાં રાખતા એક વાનના અવર-જવર માટે 255 લિટર ડીઝલની જરૂર પડે છે. તેની પાછળ લગભગ 25 હજાર સુધીનો ખર્ચ થાય છે. આમ અતિક અહમદને લાવવા -લઇ જવા માટે બે પોલીસ વાન વપરાય છે, આમ ડીઝલ પાછળ 25000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ પોલીસ વાન પ્રયાગરાજથી ગુજરાતના સાબરમતી જેલ પહોંચે છે અને ગેંગસ્ટરને લઇને પ્રયાગરાજ પરત આવે છે. અદાલતમાં એક વખતની સુનાવણી સમાપ્ત થયા બાદ તેને પ્રયાગરાજથી સાબરમતી જેલમાં પરત મોકલી દેવામાં આવે છે. આમ બંને પોલીસ વાન ચાર વખત અવર-જવર કરે છે અને ડીઝલ પાછલ લગભગ 2 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે.
આ પણ વાંચોઃ અતીક અહમદ : રાજુ પાલ સાથે કેવી રીતે શરૂ થઇ હતી દુશ્મની? આવી છે રાજનીતિક સફર
તેવી જ રીતે બે વાહન પોલીસ એસ્કોર્ટ તરીકે પીછો કરે છે, જેની માઇલેજ પ્રતિ લિટર 12 કિમી છે. આમ એક બાજુની મુસાફરી માટે પ્રત્યેક પોલીસ એસ્કોર્ટ કારમાં 107 લીટર ડીઝલની જરૂર પડે છે અને તેની પાછળ લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અતિક અહમદને લઇ જતી પોલીસ વાનની જેમ જ આ વાહન પણ ચાર ચક્કર લગાવે છે. પોલીસ એસ્કોર્ટ વાહનના ફ્યૂઅલ પાછળ લગભગ 80000 રૂપિયા ખર્ચાય છે.