ઉત્તર પ્રદેશ પોલીસે જેલમાં બંધ પૂર્વ સાંસદ અતીક અહમદ, તેની પત્ની શાઇસ્તા પરવીન અને બન્ને પુત્રો સામે બસપા ધારાસભ્ય રાજુ પાલ હત્યાકાંડના સાક્ષી ઉમેશ પાલ મર્ડર કેસમાં કેસ નોંધ્યો છે. ગત સપ્તાહે પ્રયાગરાજમાં ઉમેશ પાલની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ પછી ઉત્તર પ્રદેશ વિધાનસભામાં સીએમ યોગી આદિત્યનાથ અને વિપક્ષના નેતા અખિલેશ યાદવ વચ્ચે તીખી રકઝક થઇ હતી. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે તેમની સરકાર અતીક અહમદ જેવા માફિયાઓને માટીમાં દફન કરવાનું કામ કરશે.
1989માં શરુ થઇ હતી રાજનીતિ
બાહુબલી અતીક અહમદ હાલના દિવસોમાં ગુજરાતની જેલમાં બંધ છે અને 2016ના પ્રયાગરાજમાં એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર મર્ડર કેસમાં સજા કાપી રહ્યો છે. પાંચ વખતનો ધારાસભ્ય અને એક વખતના સાંસદ રહેલા અતીક અહમદની રાજનીતિક સફર 1989માં શરૂ થઇ હતી. 1989માં પ્રથમ વખત અલ્હાબાદ વેસ્ટ સીટથી અપક્ષની ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી. આ પછી આગામી બે વિધાનસભા ચૂંટણીમાં અપક્ષ તરીકે આ સીટ પરથી જીત મેળવી હતી. 1996માં સમાજવાદી પાર્ટી જોઇન કરી હતી અને સપાની ટિકિટ પર ચોથી વખત આ સીટથી ચૂંટણી જીતી હતી.
સપા તરફથી ઇનામમાં મળી ફૂલપુર સીટ
જોકે આ પછી અતીક અહમદ અને સમાજવાદી પાર્ટીના સંબંધોમાં તિરાડ પડી હતી અને 3 વર્ષ પછી અતીકે અપના દળ જોઇન કરી હતી. 2002ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટથી જીતવા સફળ રહ્યો હતો. જોકે પછી અતીક અહમદના સમાજવાદી પાર્ટી સાથે સંબંધો સુધર્યા હતા અને ફરી સપામાં પરત ફર્યો હતો. સમાજવાદી પાર્ટીએ અતીકને તેનું ઇનામ પણ આપ્યું હતું અને 2004માં લોકસભાની ચૂંટણીમાં ફૂલપુર જેવી મહત્વપૂર્ણ સીટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યો હતો. ફૂલપુર એકસમયે દેશના પ્રધાનમંત્રી રહેલા પંડિત જવાહરલાલ નેહરુની સીટ હતી. અતીક અહીંથી જીતીને સંસદમાં પહોંચ્યો હતો.
કેવી રીતે શરુ થઇ રાજુ પાલ સાથે દુશ્મની?
2004ની લોકસભા ચૂંટણી જ અતીક અહમદ અને બસપા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય રાજુ પાલ સાથે દુશ્મનીનું કારણ બની હતી. 2004માં સંસદ બન્યા પછી અતીક અહમદની અલ્હાબાદ વેસ્ટ સીટ ખાલી થઇ હતી. આ સીટ પર પેટા ચૂંટણી થઇ હતી અને અતીક અહમદે પોતાના ભાઇ અશરફને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યો હતો. જોકે અશરફનો બસપાના ઉમેદવાર રાજુ પાલ સામે પરાજય થયો હતો.
આ પણ વાંચો – મહારાષ્ટ્ર પોલિટિક્સ : ઉદ્ધવ ઠાકરે જૂથ પર નરમ પડી રહ્યું છે ભાજપ? શું હોઇ શકે છે કારણ
અતીક અહમદ માટે આ મોટો ફટકો હતો કારણ કે અલ્હાબાદ વેસ્ટ સીટ તેનો ગઢ હતી. અહીંથી અતીક અને રાજુ પાલ વચ્ચે દુશ્મની શરુ થઇ હતી. ચૂંટણીમાં જીત મળ્યાના થોડો દિવસો પછી જ 25 જાન્યુઆરી 2005ના રોજ રાજુ પાલની તેના ઘરની નજીક ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ પછી રાજુ પાલની પત્નીએ અતીક અહમદ તેના ભાઇ અશરફ અને 7 અજાણ્યા લોકો સામે હત્યાનો કેસ નોંધાવ્યો હતો.
PM મોદી સામે લડી હતી ચૂંટણી, ફક્ત 855 વોટ મળ્યા હતા
અતીક અહમદે ઘણા દબાણ પછી 2008માં સરેન્ડર કર્યું હતું. જોકે 2012માં છુટી ગયો હતો. આ પછી અતીક 2014ની લોકસભા ચૂંટણીમાં ફરી સમાજવાદી પાર્ટીની સીટ પરથી મેદાનમાં ઉતર્યો હતો પણ પરાજય થયો હતો. 2019ની ચૂંટણીમાં વારાણસી સીટથી પીએમ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી. જોકે ફક્ત 855 વોટ મળ્યા હતા.
અતીક અહમદ પર 70થી વધારે કેસ નોંધાયેલા છે
રિપોર્ટ્સ પ્રમાણે 60 વર્ષના અતીક અહમદ પર હત્યા, હત્યાનો પ્રયત્ન, ધમકાવવાના અને મારપીટના 70થી વધારે કેસ નોંધાયેલા છે. 2017માં યૂપી પોલીસે અતીક અહમદની ધરપકડ કરી હતી ત્યારથી તે જેલમાં છે. યૂપીની સરકાર તેની ઘણી સંપત્તિઓ પર બુલડોઝર ચલાવી ચુકી છે.