શુભાંગી ખાપરે : ઉદ્ધવ ઠાકરે પાસેથી પહેલા સત્તા અને પછી પાર્ટી છીનવીને ભાજપાએ પોતાના પૂર્વ સહયોગીને માત આપી છે પણ હવે સંકેત મળી રહ્યા છે કે બન્નેના સંબંધોમાં મતભેદ ઓછા થઇ રહ્યા છે. ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જેમણે 2019ની વિધાનસભા ચૂંટણી પછી બધી ચાલો ચાલી હતી તેમણે ગત સપ્તાહે સલાહ આપી હતી કે નિવેદનબાજીને બંધ કરવાની જરૂરિયાત છે.
ફડણવીસે કહ્યું હતું કે અમે અમારા રાજકીય હરીફોને દુશ્મનો તરીકે માનતા નથી. ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેએ અલગ રસ્તો પસંદ કર્યો છે, અમારો રસ્તો અલગ છે. અમે દુશ્મનો નથી, અમારી વચ્ચે વૈચારિક મતભેદો છે.
શિવસેનામાં વિભાજન પછી બન્ને પક્ષો વચ્ચે એક વર્ષની લડાઇ પછી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યમાં રાજનીતિના મોડ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર પોતાની સભ્ય અને સુસંસ્કૃત વિશેષતાઓ માટે ઓળખાય છે જે તેની આંતરિક શક્તિ છે.
એકનાથ શિંદે જૂથ જે બીજેપી સાથે સત્તામાં છે તેને પાર્ટીનું નામ અને સિમ્બોલ પણ મળી ગયો છે. જોકે બીજેપી પણ જાણે છે કે સહાનુભૂતિની લહેર ઉદ્ધવ ઠાકરે સાથે છે. કારણ કે શિવસેના બાલ ઠાકરે દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. જેથી શિવસેના અને પરિવારને એક જ રૂપમાં જોવામાં આવે છે. ઘણા વફાદાર ચૂંટણી પંચની કાર્યવાહીને પક્ષપાતપૂર્ણ અને કેન્દ્રામં ભાજપા સરકારથી પ્રભાવિતના રુપમાં જુવે છે.
ઉદ્ધવ ઠાકરે પણ આ મુદ્દા પર રમી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમના પિતાનો વારસો લૂંટી લેવામાં આવ્યો છે અને ભાજપ સામે બદલો લેવાની કસમ ખાઇ રહ્યા છે. ભાજપ જાણે છે કે જો ઉદ્ધવ સેના પક્ષના અત્યંત લાગણીશીલ કાર્યકરો સાથે વિશ્વાસઘાતની એક સક્ષમ સાબિતી રજૂ કરવામાં સફળ રહી તો બાજી જલ્દીથી બદલી શકે છે.
આ પણ વાંચો – મનિષ સિસોદિયાની CBIએ કેમ ધરપકડ કરી? પોલીસમાં ગરબડીથી લઈને અધિકારીની સાક્ષી સુધી જાણો બધું જ
બીજેપીના એક વરિષ્ઠ પદાધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું કે પાર્ટીના નામ અને ચિહ્ન માટેની લડાઈ ઉદ્ધવ સેના અને શિંદે જૂથ વચ્ચે હતી. પરંતુ ઉદ્ધવની તરફેણમાં જનતાની લાગણી ભાજપની છાપને ખરાબ કરશે. આ વર્ષે BMCની ચૂંટણીઓ અને 2024માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પહેલા અમારે અમારો રોડમેપ યોગ્ય રીતે તૈયાર કરવો પડશે.
બીજેપીના અન્ય નેતાઓ એવી પણ દલીલ કરે છે કે પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્ધવને 2019માં એનડીએ છોડી દેવાનો પાઠ ભણાવવાનો હતો. જે મેળવી લેવામાં આવ્યું છે. જ્યારે તેમણે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી. તેમનું કહેવું છે કે પાર્ટીએ હવે આગળ વધવું જોઈએ.
ઉદ્ધવ ઠાકરે કદાચ આસાનીથી હાર માનશે નહીં અને ન્યાય માટે માત્ર કાયદેસર રીતે જ નહીં પરંતુ લોકોની અદાલતમાં લડવાનું વચન આપ્યું છે. કોંગ્રેસ અને એનસીપી સાથે તેમનું ગઠબંધન અકબંધ હોવાનું કહીને તેમણે કહ્યું છે કે આપણે આગળ દરેક મંચ પરથી ભાજપ સામે સખત લડાઈ લડવી પડશે.
એનસીપી અને કોંગ્રેસ પણ સેનાના મુદ્દે ભાજપ પર હુમલો કરવાનું છોડી રહ્યાં નથી. NCP નેતા અજિત પવારે કહ્યું કે દુનિયા જાણે છે કે શિવસેનાની સ્થાપના બાળ ઠાકરેએ કરી હતી. ધનુષ્ય અને તીરના ચિન્હ પર યોગ્ય રીતે તેમનો (ઉદ્ધવ સેનાનો) દાવો હતો. જો તમે તેમને તેમના અધિકારોથી અલગ કરો છો તો તે અન્યાયી છે. લોકોને તે ગમશે નહીં.
કોંગ્રેસ મહારાષ્ટ્રના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે ભાજપે પોતાના રાજકીય હિત માટે દરેક સંસ્થાનો દુરુપયોગ કર્યો છે. પરંતુ આ બૂમરેંગ થશે.