ઉત્તર પ્રદેશમાં માફિયા અતીક અહમદના આંતકનો અંત આવ્યો છે. ગત શનિવારે પ્રયાગરાજમાં અતીક અહમદ અને તેના ભાઇ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ગુનાઇત પ્રવૃત્તિઓ અને ગુનેગારોને ડામવા માટે ઉત્તર પ્રદેશ સરકાર એક્શનમાં આવી છે અને યોગી સરકાર માફિયાઓ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવા જઈ રહી છે. આ અભિયાન હેઠળ પોલીસે 61 ગેંગસ્ટરોની યાદી તૈયાર કરી છે. તેમની સામે ટૂંક સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવશે. આટલું જ નહીં આ માફિયાઓની 500 કરોડની સંપત્તિ પણ જપ્ત કરવાની યોજના છે.
મળતી માહિતી મુજબ આ યાદીમાં દારૂના બુટલેગરો, ગેરકાયદે ખનન, જંગલ અને પશુ માફિયાઓ ઉપરાંત એજ્યુકેશન માફિયાઓનો પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મંજૂરી મળતાની સાથે જ આવા માફિયાઓ વિરુદ્ધ મોટું અભિયાન ચલાવવામાં આવશે. ADG કાયદો અને વ્યવસ્થા પ્રશાંત કુમાર કહે છે કે રાજ્યમાં ગુનેગારોના નેટવર્કને ખતમ કરવા માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવશે.
આ યાદીમાં કોનું – કોનું નામ છે?
ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગ દ્વારા રાજ્યના 61 માફિયાઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદીમાં માફિયા અને ધારાસભ્ય રહેલા મુખ્તાર અંસારી, બૃજેશ સિંહ, પશ્ચિમ યુપીના ગેંગસ્ટર ઉધમ સિંહ, સુનીલ રાઠી, સુંદર ભાટી, સુભાષ ઠાકુર, રાજન તિવારી ગુડ્ડુ સિંહ, સુધાકર સિંહ, બહરાઇચના ગબ્બર સિંહ, બદાન સિંહ, અજીત ચૌધરી અક્કુ, ધર્મેન્દ્ર કિરથલ, અભિષેક સિંહ હની, નિહાલ પાસી, રાજન તિવારી, સુધીર કુમાર સિંહ, વિનોદ ઉપાધ્યાય વગેરેનું નામ છે.
સપા અને બસપા સાથે જોડાયેલા માફિયાઓનો પણ સમાવેશ
આ યાદીમાં સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા માફિયાઓના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. જેમાં બચ્ચુ યાદવ, જુગનુ વાલિયા, રિઝવાન ઝહીર, દિલીપ મિશ્રા, અનુપમ દુબે, હાજી ઈકબાલ અને લલ્લુ યાદવનો સમાવેશ થાય છે. એટલું જ નહીં ત્રિભુવન સિંહ, ખાન મુબારક, સલીમ, સોહરાબ, રૂસ્તમ, બબલુ શ્રીવાસ્તવ, વલુમેશ રાય, કુંટુ સિંહ, સુભાષ ઠાકુર, સંજીવ મહેશ્વરી જીવા અને મુનીર જેવા માફિયાઓના નામ પણ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે.
અતીકના હત્યાકાંડમાં સુંદર ભાટીનું નામ સંડોવાયું
તમને જણાવી દઈએ કે સુંદર ભાટીનું નામ અતીક અહમદ-અશરફ મર્ડર કેસમાં સામે આવ્યું હતું. ગ્રેટર નોઈડાના રહેવાસી સુંદર ભાટી પર 62 ગુનાહિત કેસ નોંધાયેલા છે. તે પશ્ચિમ ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર છે. તાજેતરમાં જ હરેન્દ્ર પ્રધાન હત્યા કેસમાં ગૌતમ બુદ્ધ નગર જિલ્લા અદાલતે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. સુંદર હાલ સોનભદ્ર જેલમાં બંધ છે. અતીક અને અશરફના 3 હત્યારાઓમાંનો એક સની મૂળ કાસગંજનો રહેવાસી છે. તે સુંદર ભાટી ગેંગનો સભ્ય અને શાર્પ શૂટર હોવાનું કહેવાય છે. તે લાંબા સમયથી બાંદા જેલમાં છે. સની જેલમાં જ સુંદર ભાટી ગેંગને મળ્યો હતો.