આખરે અતીક અહમદનો અંત થયો છે. ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના બની ત્યારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને મેડિકલ તપાસ માટે પોલીસ હોસ્પિટલ લઇ જઇ રહી હતી. તે જ સમયે ત્રણ હુમલાખોરોએ બંનેની ગોળી મારીને હત્યા કરી દીધી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ગુરુવારે અતીક અહમદના પુત્ર અસર અહમદનું એન્કાઉન્ટરમાં મોત થયુ હતુ. આજે અસદની દફનવિધી થયાના થોડાક કલાક બાદ જ અતીક અને અશરફની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.
‘આતંક’નું બીજં નામ ‘અતીક’
માફિયા ડોન અતીક અહેમદ પ્રયાગરાજના પ્રખ્યાત ઉમેશ પાલ શૂટઆઉટ કેસમાં નામ આવ્યા બાદ ચર્ચામાં હતો. અતીકના ગુનાઓની યાદી ઘણી લાંબી છે. તેમનું રાજકીય કરિયર પણ ખાસ્સુ ચર્ચામાં રહ્યુ હતુ. તે એક માફિયા, ગેંગ લીડર, હિસ્ટ્રીશીટર, બાહુબલી, દબંગ તેમજ આતંકનું બીજું નામ હતું, પરંતુ આ બધું હોવા છતાં તે પાંચ વખત ધારાસભ્ય અને એકવાર તે ફુલપુર સીટ પરથી સાંસદ પણ રહી ચુક્યા છે જ્યાંથી દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ લોકસભાની ચૂંટણી લડતા હતા.
અતીક સામે 100થી વધુ કેસ, ન્યાયાધીશ પણ ડરતા હતા
ભય-આતંક અને ગુંડાગીરી છતાં આતિક સામે 100થી વધારે ગુનાહિત કેસ નોંધાયા હતા, પરંતુ મોટાભાગના કેસોમાં સિસ્ટમ તેના ઇશારે નાચતી હોવાથી તેને એક પણ કેસમાં સજા થઈ શકી નથી. અતીકની હાંક અને ડરનો અંદાજ એ હકીકત પરથી પણ લગાવી શકાય છે કે હાઈકોર્ટના દસ ન્યાયાધીશોએ તેના કેસની સુનાવણીમાંથી પોતાને દૂર કર્યા હતા.
1979માં અપરાધની દુનિયામાં અતીકનો પ્રવેશ
સમાજવાદી પાર્ટીના સાંસદ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાના એક પૂર્વ ધારાસભ્ય રહેલા અતીક અહમદ અલ્હાબાદ પશ્ચિમ વિધાનસભામાંથી સતત પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. પોલીસ રેકોર્ડ અનુસાર 2013 IANSની રિપોર્ટ અનુસાર ઉત્તરપ્રદેશમાં ‘ગેંગસ્ટર એક્ટર’ હેઠળ અતિક સામે પહેલો કેસ નોંધવામાં આવ્યો હતો. અહેમદ 1979માં પ્રથમ વખત ગુનાની દુનિયામાં પ્રવેશ્યો હોવાનું કહેવાય છે જ્યારે તેના પર હત્યાનો આરોપ હતો. હાલમાં તેની સામે 100 થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. તાજેતરમાં જ પ્રયાગરાજના ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્ય રાજુ પાલની હત્યાના કેસના સાક્ષી ઉમેશ પાલની હત્યામાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
અતીકનો રાજકીય સફર – 5 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ બન્યો
અતીક અહેમદની રાજકીય સફરની વાત કરીએ તો, તેમણે તેમની રાજકીય સફર 1989માં શરૂ કરી હતી, જ્યારે તેમણે અલ્હાબાદ પશ્ચિમથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે MLA બેઠક જીતી હતી. વર્ષ 1999-2003 દરમિયાન તે સોનેલાલ પટેલ દ્વારા સ્થાપિત અપના દળના પ્રમુખ હતા. અતીક આગામી બે વિધાનસભા ચૂંટણીમાં સ્વતંત્ર રીતે પોતાની સીટ જાળવી રાખ્યા બાદ સમાજવાદી પાર્ટીમાં જોડાયો અને વર્ષ 1996માં સતત ચોથી વખત ચૂંટણી જીતી હતી. ત્રણ વર્ષ બાદ તેણે ફરીથી વર્ષ 2002માં અપના દળમાંથી પોતાની સીટ જીતી.
અતીક 2004-2009 દરમિયાન ઉત્તર પ્રદેશના ફૂલપુરથી 14મી લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ તરીકે ચૂંટાયો હતો. 25 જાન્યુઆરી, 2005ના રોજ ઉમેશ પાલની હત્યા બાદ રાજુ પાલની પત્નીએ પોતાની પોલીસ ફરિયાદમાં અતીક અહમદ, અશરફ અને સાત અજાણ્યા લોકોના નામનો ઉલ્લેખ કર્યો હતા. અહેવાલો અનુસાર આ ઘટના ત્યારે બની જ્યારે રાજુ પાલે 2005ની અલ્હાબાદ પશ્ચિમ બેઠકની વિધાનસભા પેટાચૂંટણીમાં અતિક અહેમદના ભાઈ અશરફને હરાવ્યા હતા. આ ઘટના તે સમયે અતીક અહેમદ પરિવાર માટે તે એક મોટા ફટકા સમાન હતી, કારણ કે 2004ની સામાન્ય ચૂંટણીમાં અતીક અલ્હાબાદથી લોકસભા બેઠક જીત્યા પછી આ બેઠક ખાલી થઇ હતી.
રાજુ પાલની હત્યાથી પડતી શરૂ થઇ
રાજુ પાલની તેના ઘરની નજીક ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે પોતાના સાથી સંદીપ યાદવ અને દેવીલાલની સાથે ઘરે પરત આવી રહ્યા હતા. પોલીસ ફરિયાદમાં તોફાન કરાવવા, હત્યાનો પ્રયાસ, હત્યા, અપરાધિક ષડયંત્રનો આરોપ લગાવ્યા હતા. રાજકીય અને પોલીસ દબાણ બાદ અતીક અહમદે 2008માં આત્મસમર્પણ કર્યુ અને 2012માં જેલમાંથી મુક્ત થયો હતો. વર્ષ 2008માં તેને સમાજવાદી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયો હતો અને માયાવતીએ તેને બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ટિકિટ આપવા ઇન્કાર કર્યો હતો. અહમદને 2009ની લોકસભા ઇલેક્શન દરમિયાન ચૂંટણી લડવાની મંજૂરી અપાઇ હતી.
2014માં અતીક અહમદને શ્રાવસ્તી મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડવા માટે સપા તરફથી ટિકિટ આપવામાં આવી હતી. અતીકને 25 ટકા મત મળ્યા હોવા છતાં તે ભાજપના દદ્દન મિશ્રા સામે લગભગ એક લાખ મતથી હારી ગયો હતો. ગેંગસ્ટરનો પોલીટીકલ ગ્રાફ ધીમે ધીમે નીચે આવતો ગયો, કારણ કે સમાજવાદી પાર્ટી સાથેના સંબંધોમાં ખટાશ આવવા લાગી, અખિલેશ યાદવે અતીકના અપરાધીક રેકોર્ડને ધ્યાનમાં રાખી પોતાને દૂર કરી લીધા.
14 ડિસેમ્બર, 2016ના રોજ અતીકે તેના સાથીદારો સાથે સેમ હિગિનબોટમ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર, ટેક્નોલોજી અને સાયન્સના સ્ટાફ સભ્યો પર હુમલો કર્યો. છેતરપિંડી કરતા પકડાયા બાદ સ્ટાફ દ્વારા બે વિદ્યાર્થીઓને કથિત રીતે પરીક્ષામાં બેસવાથી અટકાવવામાં આવ્યા હતા. અતીક અહેમદનો શિક્ષક અને સ્ટાફને માર મારતો વીડિયો વાયરલ થયો હતો.
વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી
10 ફેબ્રુઆરી, 2017ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે અતીકના ગુનાહિત ઈતિહાસની નોંધ લીધી અને અલાહાબાદના પોલીસ અધિક્ષકને આ કેસમાં તમામ આરોપીઓની ધરપકડ કરવાનો નિર્દેશ આપ્યો. અતીકની પોલીસે 11 ફેબ્રુઆરીએ ધરપકડ કરી અને ત્યારબાદ તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં હોવા છતાં અતીક અહેમદે 2019માં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી અને તેને માત્ર 855 વોટ મળ્યા હતા.
રાજુ પાલની હત્યાના સાક્ષી ઉમેશ પાલની હત્યા
આ વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની પ્રયાગરાજમાં તેના ઘરની બહાર હત્યા કરવામાં આવી હતી. પાલના બે સુરક્ષાકર્મીઓ પણ માર્યા ગયા હતા. યુપી પોલીસે 25 ફેબ્રુઆરીએ અતીક અહેમદ, તેની પત્ની શાહિસ્તા પરવીન, તેમના બે પુત્રો અને તેમના નાના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી હતી.
આ પણ વાંચોઃ અતીક અહેમદ અને અશરફની ગોળી મારી હત્યા, ફાયરિંગ બાદ 3 હુમલાખોરોએ સરેન્ડર કર્યું,
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સ્થિત કોર્ટમાં સુનાવણી દરમિયાન તેને હાજર કરવા માટે તાજેતરમાં જ ગુજરાતની સાબરમતી જેલમાંથી અહીંયા લાવવામાં આવ્યો હતો. મીડિયા સાથે વાતચીત દરમિયાન અતીક અહમદે કહ્યુ કે, તેના જીવને જોખમ છે અને ઉત્તર પ્રદેશના ઇરાદા પર શંકા જાય છે.