માફિયા ડોન અતીક અહમદના પુત્ર અસદ અહમદ 13 એપ્રિલ 2023, ગુરુવારના રોજ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ તે ફરાર હતો અને પોલીસ તેને શોધી રહી હતી. હવે પોલીસે એન્કાઉન્ટરમાં તેને ઠાર મરાયો છે. પોલીસ લાંબા સમયથી અસદ અહમદ અને તેની સાથે એક શૂટર ગુલામની શોધખોળ કરી રહી હતી. ઉત્તર પ્રદેશની સ્પેશિયલ ટાસ્ક ફોર્સે આજે આ બંને ગેંગસ્ટરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ બંને ઉપર 5 લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. આ કાર્યવાહીમાં પોલીસને તેમની પાસેથી વિદેશી હથિયાર પણ મળી આવ્યા છે.
ઉમેશ પાલની હત્યામાં અસદની સંડોવણી
થોડાક મહિના પહેલા સુધી અસદ અહમદની વિરુદ્ધ કોઇ અપરાધીક કેસ ન હતા, પરંતુ 24 ફેબ્રુઆરીના રોજ ઉમેશ પાલની ધોળા દિવસે હત્યાનો વીડિયો સામે આવ્યા બાદ તે મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ બની ગયો. ઉમેશ પાલ અને તેની સાથે રહેલા બે સરકારી હથિયારી કર્મીઓને કેટલાંક શુટરોએ ગોળીબાર કરીને મારી નાંખ્યા હતા. આ હત્યાકાંડનો જે વીડિયો સામે આવ્યો તેમાં અસદ અહમદ પણ નજરે પડ્યો હતો. આ વીડિયોમાં દેખાઇ રહેલા બે શાર્પ શુટરોને પહેલા જ એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયા છે.
અપરાધની દુનિયામાં અસદની એન્ટ્રી
અતીક અહમદના ત્રણ પુત્રોમાં અસદ સૌથી નાનો હતો. તેણે લખનઉની પ્રખ્યાત સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને આ વર્ષે જ તેણે ધોરણ 12 પાસ કર્યુ હતું. એવું કહેવાય છે કે તે ભણવામાં ઘણો હોશિયાર હતો અને કાયદાના અભ્યાસ માટે વિદેશ જવા ઇચ્છો હતો. અલબત્ત પરિવારના ક્રિમિનલ રેકોર્ડના લીધે તેનો પાસપોર્ટ ક્લિયર થઇ શક્યો નહીં.
આ પણ વાંચોઃ અતિક અહમદના પુત્ર અસદનું એન્કાઉન્ટર, શૂટર ગુલામ પણ ઠાર મરાયો
તેના બે મોટા ભાઇ જેલમાં ગયા બાદ અસદે ગેંગની જવાબદારી સંભાળી હતી અને આવી રીતે તેની અપરાધની દુનિયામાં એન્ટ્રી થઇ. અતીક અહમદ જેલમાં ગયા બાદ તેના મોટા દિકરા ઉમર અને અલીની પાસે ગેંગની જવાબદારી હતી અને આ દરમિયાન અસદ અભ્યાસ કરી રહ્યો હતો. ઉમર પર અપહરણ અને અલી પર હત્યાના પ્રયાસ અને બળજબરી પૂર્વક ખંડણી વસૂલવા સહિત ઘણા કેસ નોંધાયેલા હતા. તપાસ એજન્સીઓએ બંને પર ઇનામની ઘોષણા કરી હતી. જેને લઇને તે બંનેને તેમનું એન્કાઉન્ટર થવાનો ડર હતો, જેના કારણે તેમણે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસને આશંકા છે કે બંને ભાઇઓના સરેન્ડર બાદ અસદે ગેંગની જવાબદારી સંભાળી હતી.