Atiq ahmed criminal history : આખરે અતીક અહમદનો અંત થયો છે. ગઇકાલે રાત્રે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેનો ભાઈ અશરફ પ્રયાગરાજમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં. આ ઘટના બની ત્યારે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદને મેડિકલ તપાસ માટે પોલીસ હોસ્પિટલ લઇ જઇ રહી હતી. તે જ સમયે ત્રણ હુમલાખોરોએ બંનેની ગોળી મારીને હત્યા કરી દીધી. નોંધનીય છે કે, બે દિવસ પહેલા જ ગુરુવારે અતીક અહમદના પુત્ર અસર અહમદનું એન્કાઉન્ટરમાં મોત થયુ હતુ. અસદની દફનવિધી થયાના થોડાક કલાક બાદ જ અતીક અને અશરફની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવતા હડકંપ મચી ગયો છે.
માફિયા ડોન અતીક અહમદ અને તેના ભાઇ અશરફને કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા છે. અતીક અહમદના બે પુત્રો અહજામ અને અબાન કબ્રસ્તાન પહોંચ્યા હતા. અશરફની બન્ને પુત્રીઓ પણ કબ્રસ્તાન પહોંચી હતી. પરિવાર સિવાય કોઇને પણ કબ્રસ્તાનની અંદર જવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
અતીકના બંને પુત્ર ઉમર અને અલી પોલીસની નજર હેઠળ બાલ સરંક્ષણ ગૃહમાં છે. અતીક અને અશરફના હત્યારાની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
ઉલ્લેખનીય છે કે, ઉમેશ પાલ હત્યાકાંડમાં પહેલું એન્કાઉન્ટર 27 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં અરબાજનું કરવામાં આવ્યું હતું. આ પછી 6 માર્ચના રોજ પ્રયાગરાજમાં જ ઉસ્માન પોલિસ એન્કાઉન્ટમાં માર્યો ગયો. ત્યારબાદ પોલીસે અસદ અને ગુલામને 13 એપ્રિલના રોજ ઝાંસીમાં પતાવી દીધા હતાં.
અતીકના અન્ય સહયોગી ગુડ્ડૂ મુસ્લિમ, અરમાન અને સાબિર હજુ ફરાર છે. આ તમામ પર 5 લાખની ઇનામી રકમની ઘોષણા કરવામાં આવી છે.