Rahul Gandhi: સર્જિકલ સ્ટ્રાઇક પર કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહના નિવેદનને લઇને વિવાદ શરુ થઇ ગયો છે. આ મુદ્દે રાહુલ ગાંધીએ મંગળવારે પોતાની પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ અને હું દિગ્વિજયના નિવેદનથી સહમત નથી. મને આર્મી પર પુરો વિશ્વાસ છે. દેશની આર્મી જે પણ ઓપરેશન કરે તેની સાબિતી આપવાની જરૂરત નથી. ઉલ્લેખનીય છે કે હાલ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરમાં છે.
સેના જે પણ કરે તેની સાબિતીની જરૂર નથી – રાહુલ ગાંધી
એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે આપણી સેના જે પણ કરે તેની સાબિતીની જરૂર નથી. દિગ્વિજય સિંહે જે પણ કહ્યું તે તેમનો અંગત મત છે, કોંગ્રેસ અને હું તેનાથી બિલકુલ સહમત નથી. સેના પર પુરો વિશ્વાસ છે અને સેના કશું કરે તો તેના માટે સાબિતીની કોઇ જરૂર નથી.
આ પણ વાંચો – રાહુલ ગાંધીને કેવી કન્યા ગમે છે? પહેલી નોકરી ક્યાં કરી અને કેટલો પગાર મળ્યો? વાંચો ખાસ ઇન્ટરવ્યૂ
બીજેપી અને આરએસએસ પર રાહુલ ગાંધીનો પ્રહાર
રાહુલ ગાંધીએ બીજેપી અને આરએસએસ પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રાથી પાર્ટીનો લક્ષ્ય ભાજપા અને આરએસએસ તરફથી બનાવવામાં આવેલ નફરતના માહોલ સામે ઉભા રહેવાનું છે. જમ્મુ કાશ્મીરમાં પૂર્ણ રાજ્યનો મુદ્દો છે. પ્રદેશમાં જલ્દી વિધાનસભા ચૂંટણી થવી જોઈએ. આ પદયાત્રા દરમિયાન પ્રદેશના લોકોના દુખ દર્દ સમજવાની તક મળી રહી છે.પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે કાલે અમારી કાશ્મીરી પંડિતો સાથે વાત થઇ હતી. તેમણે અમને જણાવ્યું કે તેમનો રાજનીતિક પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે અમને સંસદમાં મુદ્દાને ઉઠાવવા માટે કહ્યું છે. મેં તેમને આશ્વાસન આપ્યું છે કે હું તેમની મદદ કરીશ.
રાજનાથ સિંહ ઉપર પણ કર્યો વળતો પ્રહાર
રાહુલ ગાંધીએ રક્ષા મંત્રી રાજનાથ સિંહના નિવેદનને લઇને કહ્યું કે મને એ ખબર પડતી નથી કે જે પદયાત્રા આખા દેશમાં લોકોને જોડવાનું કામ કરી રહી છે. તે કેવી રીતે દેશના હિતોને નુકસાન પહોંચાડી શકે છે. આ પહેલા રાજનાથ સિંહે કહ્યું હતું કે રાહુલ ગાંધી ફરી-ફરીને કહી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં નફરત જ નફરત છે. હું તેમના પૂછવા માંગીશ કે હિન્દુસ્તાનમાં નફરત ઉભી કરવાનો પ્રયત્ન કોણ કરી રહ્યું છે? તેમને ક્યાં નફરત જોવા મળી રહી છે? કોંગ્રેસના લોકો આખી દુનિયામાં ભારતની છાપ ખરાબ કરી રહ્યા છે.
દિગ્વિજય સિંહે શું કહ્યું હતું?
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પુલવામા હુમલાને લઇને કેન્દ્ર સરકાર પર સવાલ ઉભા કર્યા હતા. ભારત જોડો યાત્રા દરમિયાન દિગ્વિજય સિંહે સર્જિકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આપણા સીઆરપીએફના 40 જવાન પુલવામાં શહીદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને વિનંતી કરી હતી કે બધા જવાનોને એરલિફ્ટ કરવામાં આવે, જોકે પીએમ મોદી માન્યા ન હતા. આવી ચૂક કેવી રીતે થઇ? સરકારે આજ સુધી સંસદમાં સર્જિકલ સ્ટ્રાઇકની કોઇ સાબિતી રજુ કરી નથી.