Champat Rai On Rahul Gandhi: અયોધ્યા સ્થિત શ્રી રામ જન્મભૂમિ (Ram Janmbhoomi) તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે એક નૌજવાન (રાહુલ ગાંધી) આ ઠંડીમાં દેશમાં પગપાળા ચાલી રહ્યો છે, આ પ્રશંસનીય છે. 50 વર્ષનો એક યુવાન દેશને સમજી રહ્યો અને 3000 કિલોમીટર પગપાળા ચાલી રહ્યો છે તો અમે તેની પ્રશંસા જ કરીશું. તેમણે પત્રકારોને કહ્યું કે હું તો કહું છું કે તમારે બધાએ પણ હિન્દુસ્તાનની યાત્રા કરીને ભારતનું અધ્યયન કરવું જોઈએ. આ પહેલા મંગળવારે રામ જન્મ ભૂમિના મુખ્ય પુજારી આચાર્ય સત્યેંન્દ્ર દાસે પણ પોતાનું સમર્થન આપ્યું હતું.
ચંપત રાયે કહ્યું – આરએસએસ ક્યારેય પણ ભારત જોડો યાત્રાની ટીકા કરતું નથી
ભારત જોડો યાત્રાને લઇવે પત્રકારોનો સવાલોના જવાબ આપતા ચંપત રાયે કહ્યું કે દેશમાં પગપાળા ચાલી રહેલા એક યુવકનો હું આભાર વ્યક્ત કરું છું, હું તેના આ પગલાની પ્રશંસા કરું છું. તેમાં કશું પણ ખોટું નથી. હું આરએસએસનો કાર્યકર્તા છું અને આરએસએસ ક્યારેય પણ ભારત જોડો યાત્રાની ટીકા કરતું નથી.
આ પહેલા સત્યેંન્દ્ર દાસે કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું સમર્થન કરતા એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે પોતાની શુભકામના આપી હતી અને કહ્યું કે તે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવા માંગે છે. જોકે પોતાની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે તેમાં ભાગ લઇ શક્યા નહીં.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગિરીએ પણ યાત્રાને સ્વાગત યોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે ભારત માતાનું નામ લઇને જે પણ કાંઇ કરે છે, તે કોઇ પણ હોય અમે તેની પ્રશંસા કરીશું. તેમની યાત્રાથી ભારત જોડાઇ રહ્યું છે તો તે ખબર નથી પણ રાષ્ટ્રને જોડવું જોઈએ.
રાહુલ ગાંધીની છાપ ખરાબ કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા – પ્રિયંકા ગાંધી
ભારત જોડો યાત્રા હાલ ઉત્તર પ્રદેશમાં ચાલી રહી છે. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ (Priyanka Gandhi) ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સંબોધન કરતા કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધીની છાપ ખરાબ કરવા માટે સરકારે કરોડો રૂપિયા ખર્ચ કર્યા પણ તે સચ્ચાઇથી પાછળ હટ્યા નહીં. સરકારે મારા ભાઇને પાછળ કરવા માટે પોતાની સત્તાની બધી તાકાત લગાવી દીધી છે પણ તે લડી રહ્યા છે. પ્રિયંકાએ એ પણ કહ્યું કે દેશના બધા પીએસયૂ ખરીદી લીધા, દેશની મીડિયા ખરીદી લીધી પણ મારા ભાઇને ખરીદી શક્યા નહીં. મારો ભાઇ સચ્ચાઇનું કવચ પહેરીને ચાલી રહ્યો છે. ભગવાન તેનું ધ્યાન રાખશે. કશું થશે નહીં.