BJP election in charge : ભારતીય જનતા પાર્ટીએ વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે કમર કસી લીધી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ચાર રાજ્યમાં ચૂંટણી પ્રભારીની નિમણુક કરી છે. રાજસ્થાનમાં પ્રહલાદ જોષીને પ્રભારી બનાવ્યા છે. તેમની સાથે ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કુલદીપ બિશ્નોઇને સહ ચૂંટણી પ્રભારી બનાવ્યા છે.
મધ્ય પ્રદેશમાં ભુપેન્દ્ર યાદવને પ્રભારી અને અશ્વિની વૈષ્ણવને સહ પ્રભારી બનાવ્યા છે. છત્તીસગઢમાં ઓમપ્રકાશ માથુરને પ્રભારી અને ડો. મનસુખ માંડવિયાને સહ પ્રભારી બનાવ્યા છે. તેલંગાણામાં પ્રકાશ જાવડેકરને પ્રભારી અને સુનીલ બંસલને સહ પ્રભારી બનાવ્યા છે.
એ સમજવું જરૂરી છે કે જે ચાર રાજ્યોમાં ભાજપે પ્રભારીની જાહેરાત કરી છે તે બધા સ્થળે ચૂંટણી થવાની છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાવાની છે. તો તેલંગાણામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની છે. જેથી બીજેપીએ 2024ની લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણીનું પણ ધ્યાન રાખ્યું છે.
આ પણ વાંચો – ભાજપે ગ્રાઉન્ડ લેવલે પણ મોટા ફેરફારોની કરી તૈયારી! 80 ટકા જિલ્લાઓમાં કરશે આ કામ
નીતિન પટેલ રાજસ્થાનના સહ પ્રભારી
ભાજપના લિસ્ટમાં એક મોટું નામ ગુજરાતના પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ છે. પહેલા કહેવામાં આવતું હતું કે બીજેપી હાઇકમાન્ડ તેમને ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી શકે છે. જોકે હવે તેમને રાજસ્થાનના સહ પ્રભારી બનાવ્યા છે. તે પ્રહલાદ જોષી સાથે મળીને કામ કરશે.
ચૂંટણી પહેલા બીજેપી એક્શનમાં આવી ગઇ છે. આ પહેલા ભાજપે કેટલાક રાજ્યોના પ્રદેશ પ્રમુખ બદલ્યા હતા. ઝારખંડની જવાબદારી બાબુલાલ મરાંડીને સોંપવામાં આવી હતી. જી કિશન રેડ્ડીને તેલંગાણા અને ડી.પુરંદેશ્વરીને આધ્ર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા હતા.