Lalmani Verma : 2024ની લોકસભા ચૂંટણીઓને આડે હવે માત્ર એક વર્ષ બાકી છે ત્યારે ભાજપની યુદ્ધ જેવી તૈયારીઓ ટૂંક સમયમાં જ સમગ્ર ઉત્તર પ્રદેશમાં સંપૂર્ણ પણે પ્રદર્શિત થશે. જ્યાં તેમણે છેલ્લી બે લોકસભાની ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. દરેક લોકસભા મતવિસ્તારમાં પાયાના કાર્યકરોને એકઠા કરવા અને જાહેર પહોંચ અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે ભાજપે દેશના ચૂંટણી નકશાને મતવિસ્તારોના ક્લસ્ટરોમાં વિભાજિત કર્યો છે. કેન્દ્રીય પ્રધાનો સાથે વરિષ્ઠ નેતાઓને આ ક્લસ્ટરોની મુલાકાત લેવા, જાહેર સભાઓને સંબોધન કરવા અને પાર્ટીના કાર્યક્રમોનું ધ્યાન રાખવા માટે કેન્દ્રીય પ્રધાનો સાથે નિયુક્ત કર્યા છે. દરેક ક્લસ્ટરમાં 3-5 લોકસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં ત્રણ જૂથો – એ, બી અને સી માં વર્ગીકરણ મુજબ નેતાઓને તૈનાત કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ અને વિવિધ રાજ્યોના પૂર્વ મુખ્યમંત્રીઓ સહિત પાર્ટીના રાષ્ટ્રીય ટીમના નેતાઓ ગ્રુપ એ માં છે. તેઓ તેમને સોંપાયેલ ક્લસ્ટર હેઠળના મત વિસ્તારોની મુલાકાત લેશે અને જનતા અને ભાજપના કાર્યકરોને મળશે. એ જ રીતે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને અન્ય રાજ્યોના સાંસદો ગ્રુપ બી માં છે. જ્યારે ગ્રુપ સી માં સંબંધિત રાજ્યોના સ્થાનિક પક્ષના નેતાઓ છે.
ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે ગ્રુપ સી જમીન પર કામ કરશે અને પાર્ટીના કાર્યક્રમોનું આયોજન કરશે. ગ્રુપ બી નિયમિત મુલાકાત દરમિયાન આ કાર્યક્રમો અને સંગઠનની બાબતોનું નિરીક્ષણ કરશે. ગ્રુપ એ ના નેતાઓ તમામ સંગઠનાત્મક ટીમોના કાર્યકરોને મળવા, જાહેર સભાઓ યોજવા, સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોનું નિવારણ કરવા, સંભવિત એન્ટી-ઇન્કમ્બન્સીનું વિશ્લેષણ કરવા, યોગ્ય ઉપાયો સૂચવવા અને પક્ષની તરફેણમાં વાતાવરણ ઊભું કરવા માટે જવાબદાર છે. તેમણે ઉમેર્યું હતું કે આ નવું માળખું 30 મે થી કાર્યરત થશે જ્યારે નરેન્દ્ર મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે પાર્ટીનું મહાસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે.
યુપીમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસને ડોમરિયાગંજ, ગોરખપુર, કુશીનગર અને મહારાજગંજ સહિત ચાર લોકસભા ક્ષેત્રોના ક્લસ્ટર માટે ગ્રુપ એ માં સામેલ કરવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ કૃષ્ણલાલ પંવાર ક્લસ્ટરના ગ્રુપ બી માં છે, જ્યારે ગોરખપુરના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર યાદવ ગ્રુપ સી માં છે.
આ પણ વાંચો – કેજરીવાલના સમર્થનમાં આવ્યા શરદ પવાર, કહ્યું – દેશમાં મોટું સંકટ, બીજા નેતાઓ સાથે પણ વાત કરીશું
ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ યુપીના કૈરાના, મુઝફ્ફરનગર તેમજ ઉત્તરાખંડના નજીકના ટિહરી ગઢવાલ, હરિદ્વાર અને ગઢવાલ એમ પાંચ મતક્ષેત્રોના ક્લસ્ટર માટે ગ્રુપ એ માં છે. રાજ્યસભાના સાંસદ વિવેક ઠાકુર ગ્રુપ બી માં છે, જ્યારે બુલંદશહરના પૂર્વ જિલ્લા અધ્યક્ષ ડી કે શર્મા આ જ ક્લસ્ટરના ગ્રુપ સી માં છે.
ઉત્તરાખંડના પૂર્વ સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતને પાંચ મતક્ષેત્રો – બાંસગાંવ, દેવરિયા, બલિયા, આઝમગઢ અને સલેમપુરના ક્લસ્ટરના ગ્રુપ એ માં સામેલ કરવામાં આવ્યા છે. ભાજપની લઘુમતી પાંખના રાષ્ટ્રીય અધ્યક્ષ જમાલ સિદ્દીકી ગ્રુપ બી માં છે, જ્યારે કુશીનગરના પૂર્વ જિલ્લા પ્રમુખ જયપ્રકાશ શાહી ગ્રુપ સી માં છે.
મધ્યપ્રદેશના કેબિનેટ પ્રધાન મોહન યાદવ ચાર બેઠકો – ગોંડા, કૈસરગંજ, સીતાપુર અને બહરાઇચ માટે ગ્રુપ એ માં છે. જેમાં અલ્મોડાના સાંસદ અજય ટમ્ટા ગ્રુપ બી માં છે. આ ક્લસ્ટરના ગ્રુપ સી માં બારાબંકીના પૂર્વ જિલ્લા પ્રમુખ અવધેશ શ્રીવાસ્તવ છે.
મધ્યપ્રદેશના અન્ય એક મંત્રી વિશ્વાસ સારંગ ગ્રુપ એ માં ખેરી, મિશ્રીખ, ધૌરહરા અને હરદોઈના ક્લસ્ટર માટે છે. ભાજપના મહિલા મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ દીપ્તિ ભારદ્વાજ ગ્રુપ બી માં છે, જ્યારે લખનઉના પૂર્વ જિલ્લા અધ્યક્ષ રામ નિવાસ યાદવ ગ્રુપ સી માં છે.
ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સૂર્યા પાંચ બેઠકો – ગૌતમ બૌદ્ધ નગર, ગાઝિયાબાદ, બાગપત, બુલંદશહર અને મેરઠના ક્લસ્ટર માટે ગ્રુપ એ માં છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મંત્રી દેવેન્દ્ર સિંહ રાણા તેમના ગ્રુપ બી માં છે, જ્યારે પશ્ચિમ યુપી ક્ષેત્રના મહાસચિવ હરિઓમ શર્મા ગ્રુપ સી માં છે.
યુપીના અન્ય ક્લસ્ટરોના ગ્રુપ એ માં સામેલ અગ્રણી નેતાઓમાં આર કે સિંહ, અશ્વિની વૈષ્ણવ, નરેન્દ્ર સિંહ તોમર, જિતેન્દ્ર સિંહ, મીનાક્ષી લેખી, અન્નપૂર્ણા દેવી, એસ પી સિંહ બઘેલ (તમામ કેન્દ્રીય મંત્રીઓ), પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને યુપીના પ્રભારી રાધા મોહન સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈનનો સમાવેશ થાય છે.
પક્ષના એક નેતાએ જણાવ્યું હતું કે આ નેતાઓ આઠ મહિના સુધી સોંપાયેલા ક્લસ્ટરોમાં સક્રિય રહેશે. ત્યાર બાદ તેઓ પોતાના ગૃહ રાજ્યોમાં રાજકીય કામકાજનું ધ્યાન રાખશે. તેમાંથી ઘણાએ પોતાની ચૂંટણીની તૈયારી કરવી પડશે. કેન્દ્રીય પ્રધાનો સહિત આવા વરિષ્ઠ નેતાઓની નિયમિત મુલાકાતથી પક્ષના પાયાના કાર્યકરો સક્રિય રહેવાની અને દરેક ગામ અને શહેરમાં ભાજપની હાજરી સુનિશ્ચિત થવાની અપેક્ષા છે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે વરિષ્ઠ નેતાઓ યુપીમાં પક્ષની પ્રથાઓ પર દેખરેખ રાખશે અને યુપીમાં ભાજપને મજબૂત બનાવવા માટે તેમના ગૃહ રાજ્યોમાં તેમના પોતાના અનુભવમાંથી વિચારો સૂચવશે. અન્ય રાજ્યો માટે પણ આવા જ ક્લસ્ટર્સ બનાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, યુપીના ડેપ્યુટી મુખ્યમંત્રી અને મંત્રીઓ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના ગ્રુપ એ માં છે.