સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સામે ટિપ્પણી માટે ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને કેન્દ્રીય કાનૂન મંત્રી કિરેન રિજિજૂ સામે એક્શનની માંગણીને લઇને બોમ્બે લોયર્સ એસોસિયેશન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. એસોસિયેશનનું કહેવું છે કે બન્ને નેતાઓએ કોલેજિયમ સામે ટિપ્પણી કરીને સંવિધાનનું અપમાન કર્યું છે કારણ કે કોલેજિયમ સુપ્રીમ કોર્ટનો ભાગ છે અને શીર્ષ અદાલત સંવિધાન અંતર્ગત સ્થાપિત કરેલી એક સંસ્થા છે.
બોમ્બે લોયર્સ એસોસિયેશને પહેલા અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી પણ હાઇકોર્ટે ફગાવી દીધી હતી. હવે એસોસિયેશને હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન દાખલ કરી છે. માંગણી કરી છે કે જગદીપ ધનખડ અને કિરેન રિજિજૂ સામે એક્શન લે. બન્ને પોતાના પદ પર કામ કરવા માટે યોગ્ય નથી કારણ કે તેમણે સંવિધાનનું અપમાન કર્યું છે.
જાહેરમાં ટિકા કરીને સુપ્રીમ કોર્ટની છબિને નુકસાન પહોંચાડ્યું
એસોસિયેશનનું કહેવું છે કે જગદીપ ધનખડ અને કિરેન રિજિજૂએ કોલેજિયમની જાહેરમાં ટિકા કરીને સુપ્રીમ કોર્ટની છાપ જનતાની નજરોમાં ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે. ધનખડ ઉપ રાષ્ટ્રપતિ પદ પર અને રિજિજૂ કાનૂન મંત્રીના પદ પર રહેવા લાયક નથી.
આ પણ વાંચો – કોંગ્રેસે ગુમાવી તકો : શા માટે ભાજપે રાહુલ ગાંધી પર ઓબીસી વિરોધી આરોપ મૂક્યો
બોમ્બે હાઇકોર્ટે શું કહ્યું હતું
બોમ્બે હાઇકોર્ટે વકીલોની અરજી ફગાવતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની છાપ આકાશ જેવી છે. તેને કોઇ આઘાત પહોંચાડી શકે નહીં. હાઇકોર્ટનું એ પણ કહેવું હતું કે તે ઉપ રાષ્ટ્રપતિ અને કાનૂન મંત્રીને ફક્ત વકીલોની માંગણી પર બર્ખાસ્ત કરવાનો આદેશ જાહેર કરી શકે નહીં.
સુપ્રીમ કોર્ટના કોલેજિયમ અને કેન્દ્ર સરકાર વચ્ચે વિવાદ યથાવત્ છે. મદ્રાસ હાઇકોર્ટના વકીલ જોન સત્યનને કોલેજિયમના પ્રસ્તાવ અને ચેતવણી છતા પણ કેન્દ્રએ હાઇકોર્ટના જજ બનાવ્યા નથી. તેમના નામની ભલામણ 17 જાન્યુઆરીએ કોલેજિયમે કરી હતી. કેન્દ્ર સરકારે 9 ફેબ્રુઆરીના રોજ કરેલી ભલામણો પર અમલ કરતા ત્રણ જજને હાઇકોર્ટના જજ નિયુક્ત કરી દીધા પણ સત્યનની ફાઇલને હજુ સુધી લંબિત રાખી છે. સત્યને પીએમ નરેન્દ્ર મોદી સામે એક આર્ટિકલ લખ્યો હતો.
જોકે કોલેજિયમનું કહેવું છે કે તે સત્યનને આ કારણે ઓવર રુલ કરી ચુક્યું છે. જેથી કેન્દ્રને કોઇ વાંધો હોવો જોઈએ નહીં. જોકે લાગે છે કે કેન્દ્રએ સત્યનને માફ કર્યા નથી. તેથી જ તેમની ફાઇલ દબાવી રાખી છે.