Budget 2023: સંસદમાં મંગળવારે 31 જાન્યુઆરી 2023ના જોર બજેટ સત્રની શરુઆત થવા જઇ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના (President Draupadi Murmu) ભાષણથી બજેટ સત્રની શરુઆત થશે. પરંતુ બીઆરએસ અને આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળ ભાષણનો વિરોધ કરી શકે છે. રવિવારે તેલંગાણાના મુખ્યમંત્રીના ચંદ્રશેખર રાવે પાર્ટીના રાજ્યસભા અને લોકસભા સભ્યો સાથે બેઠક કરીને આ નિર્ણય લીધો છે. આ દરમિયાન વિપક્ષ ગૌતમ અદાણી અને બીબીસી ડોક્યૂમેન્ટ્રીના મુદ્દાઓને લઇને હંગામો કરી શકે છે.
આ મુદ્દાઓ પર ચર્ચા કરવાની માંગ
સોમવારે બજેટ (Budget 2023) પહેલા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં વિપક્ષે અદાણી, બીબીસી, જાતિ આધારિત ગણતરી અને ગૃહમાં મહિલા અનામત બિલ પસાર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિપક્ષે ગૃહમાં આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે. કેન્દ્ર સરકારે પણ તમામ પક્ષોને ખાતરી આપી છે કે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ સાથે જ કેન્દ્રએ વિપક્ષને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા દેવાની માંગ કરી હતી. આ સિવાય વિપક્ષ બેરોજગારી અને મોંઘવારીનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવી શકે છે.
કોંગ્રેસ અને ટીએમસીએ બનાવી દૂરી
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે એ મુદ્દાઓથી દૂરી બનાવી હતી. જેના પર વિપક્ષે ચર્ચાની માંગ કરી હતી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા ગઈકાલે પૂરી થઈ. જેના કારણે કોંગ્રેસ પાર્ટી સર્વપક્ષીય બેઠકમાં હાજર રહી ન હતી. ડીએમકે, આમ આદમી પાર્ટી, આરજેડી, સીપીએમ અને સીપીઆઈએ આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ- Today history 31 January: આજનો ઇતિહાસ : 31 જાન્યુઆરી પ્રથમ પરમવીર ચક્ર વિજેતા શહીદ મેજર સોમનાથ શર્માની જન્મજયંતિ
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી, રાજ્યસભામાં ગૃહના નેતા પીયૂષ ગોયલ, સંસદીય બાબતોના રાજ્ય પ્રધાનો અર્જુન રામ મેઘવાલ અને વી મુરલીધરન પણ હાજર હતા. જોશીએ કહ્યું કે બેઠકમાં 27 પક્ષોના 37 નેતાઓ હાજર રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ વિશે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપ દાયકાઓથી શેરની હેરાફેરી અને એકાઉન્ટ ફ્રોડમાં ખુલ્લેઆમ સામેલ છે. જો કે, અદાણી ગ્રુપે આ અહેવાલને ખોટો અને બદનામ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ રિપોર્ટને લઈને દેશમાં ખળભળાટ મચી ગયો છે. તે જ સમયે, બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ને લઈને દેશમાં હોબાળો મચી ગયો છે.