scorecardresearch

ભાજપ સરકારના 9 વર્ષ, કોંગ્રેસે પીએમ નરેન્દ્ર મોદીને પૂછ્યા 9 સવાલ

BJP Government : કોંગ્રેસે ‘9 સાલ 9 સવાલ’ નામનો એક દસ્તાવેજ બહાર પાડ્યો, કોંગ્રેસે કહ્યું – ભાજપે ઉજવણી કરવાનું શરૂ કરતા પહેલા વડા પ્રધાને આ નવ પ્રશ્નોનો જવાબ આપવો જોઇએ

9 saal, 9 sawaal
કોંગ્રેસે બ્રીફિંગમાં '9 સાલ 9 સવાલ' શીર્ષક સાથે એક દસ્તાવેજ બહાર પાડ્યો (Screengrab: YouTube/Indian National Congress)

PM Modi govt completes 9 years : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 30 મે ના રોજ સત્તામાં નવ વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે તેના થોડા દિવસો પહેલા કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે કહ્યું હતું કે તે આ પ્રસંગે વડાપ્રધાનને નવ સવાલ કર્યા છે. દિલ્હીમાં પાર્ટી મુખ્યાલયમાં એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વડાપ્રધાન આ પ્રશ્નો પર પોતાનું મૌન તોડે.

કોંગ્રેસે બ્રીફિંગમાં ‘9 સાલ 9 સવાલ’ શીર્ષક સાથે એક દસ્તાવેજ બહાર પાડ્યો હતો, જેમાં પ્રશ્નોની યાદી આપવામાં આવી હતી. જે અર્થતંત્ર અને ભ્રષ્ટાચારના વિષયોથી લઈને કોવિડ -19 અને સામાજિક ન્યાય સુધીની છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપે ઉજવણી કરવાનું શરૂ કરતા પહેલા વડા પ્રધાને આ નવ પ્રશ્નોનો જવાબ આપવો જ જોઇએ.

કોંગ્રેસે રજૂ કરેલા પ્રશ્નો આ પ્રમાણે છે

અર્થતંત્ર: ભારતમાં મોંઘવારી અને બેરોજગારી આસમાનને આંબી રહી છે એવું કેમ? શા માટે શ્રીમંત વધુ શ્રીમંત અને ગરીબ વધુ ગરીબ બન્યા છે? પીએમ મોદીના મિત્રોને જાહેર સંપત્તિ કેમ વેચવામાં આવી રહી છે? આર્થિક અસમાનતાઓ કેમ વધી રહી છે?

કૃષિ અને ખેડૂતો: એવું કેમ છે કે ત્રણ કાળા કૃષિ કાયદાને રદ કરતી વખતે ખેડૂતો સાથે કરવામાં આવેલા કરારોનું સન્માન કરવામાં આવ્યું નથી? એમએસપીની કાયદાકીય રીતે બાંયધરી કેમ આપવામાં આવી નથી? છેલ્લા 9 વર્ષમાં ખેડૂતોની આવક કેમ બમણી ન થઈ?

ભ્રષ્ટાચાર અને મિત્રવાદ: તમે તમારા મિત્ર અદાણીને ફાયદો પહોંચાડવા માટે એલઆઈસી અને એસબીઆઈમાં લોકોની મહેનતની કમાણીને શા માટે જોખમમાં મૂકી રહ્યા છો? ભ્રષ્ટાચારને ખતમ કરવાની વાત કરનાર પ્રધાનમંત્રી તેના પર જવાબ કેમ નથી આપતા કે અદાણીની ફર્જી કંપનીમાં 20 હજાર કરોડ કોના છે?

આ પણ વાંચો –  નવા સંસદ ભવનના ઉદ્ઘાટન અવસરે સરકાર બહાર પાડશે ₹ 75 નો સિક્કો, જાણો શું હશે ખાસ

ચીન અને રાષ્ટ્રીય સુરક્ષા: એવું કેમ છે કે ચીનને લાલ આંખ બતાવવાની વાત કરનાર પ્રધાનમંત્રીએ ચીનને 2020માં ક્લિનચીટ આપી દીધી. જ્યારે તે આજે પણ આપણી જમીન પર કબજો કરીને બેઠા છે? ચીન સાથે 18 બેઠકો થઈ ચૂકી છે, તેમ છતાં શા માટે તેઓ ભારતીય પ્રદેશને પચાવી પાડવાની ના પાડે છે અને તેના બદલે તેમની આક્રમક રણનીતિ ચાલુ રાખે છે?

સામાજિક સદભાવ : તમે શા માટે ઇરાદાપૂર્વક ચૂંટણીમાં લાભ માટે ધિક્કારની રાજનીતિનો ઉપયોગ કરો છો અને સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરો છે?

સામાજિક ન્યાય : એવું શા માટે છે કે તમારી દમનકારી સરકાર પદ્ધતિસર સામાજિક ન્યાયના પાયાનો નાશ કરી રહી છે? મહિલાઓ, દલિતો, એસસી, એસટી, ઓબીસી અને અલ્પસંખ્યકો પર થઇ રહેલા અત્યાચારો પર તમે ચૂપ કેમ છો? તમે જાતિની વસ્તી ગણતરીની માંગને કેમ અવગણી રહ્યા છો?

લોકતાંત્રિક સંસ્થાઓ : તમે છેલ્લાં નવ વર્ષમાં આપણા બંધારણીય મૂલ્યો અને લોકતાંત્રિક સંસ્થાઓને શા માટે નબળી પાડી છે? તમે વિરોધી પક્ષો અને નેતાઓ સામે બદલો લેવાની રાજનીતિ કેમ કરી રહ્યા છો? અને શા માટે તમે લોકો દ્વારા ચૂંટાયેલી સરકારોને અસ્થિર કરવા માટે મની પાવરનો ઉપયોગ કરી રહ્યા છો?

કલ્યાણકારી યોજનાઓ : ગરીબો, જરૂરિયાતમંદો અને આદિવાસીઓના કલ્યાણ માટેની યોજનાઓ બજેટમાં કાપ મૂકીને અને પ્રતિબંધિત નિયમો બનાવીને નબળી કેમ પાડવામાં આવી રહી છે?

કોવિડ -19 મિસમેનેજમેન્ટ: એવું કેમ છે કે કોવિડ-19 ના કારણે 40 લાખથી વધુ લોકોના મોત છતા તેમના પરિવારોને વળતર આપવાનો ઇનકાર કર્યો છે? કેમ અચાનક લોકડાઉન કરીને લાખો કામદાર સાથીઓને ઘરે પાછા ફરવા મજબૂર કર્યા અને તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવ્યા?

જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન અને પછી સતત આ 9 પ્રશ્નો ઉઠાવ્યા હતા, પરંતુ આજ દિવસ સુધી કોઈ જવાબ મળ્યો નથી. હવે સમય આવી ગયો છે કે વડા પ્રધાને પોતાનું મૌન તોડવું જોઈએ. કોંગ્રેસ નેતા પવન ખેડાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે વડા પ્રધાને આજે માફી દિવસ ઉજવવો જોઈએ. તેમણે તમામ ભારતીયોની માફી માંગવી જોઈએ. તેમના તમામ વચનો કાલ્પનિક હતા.

Disclaimer :- આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો

Web Title: Congress asks pm narendra modi 9 questions as bjp government completes 9 years

Best of Express