રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની ભારત જોડો યાત્રા જાન્યુઆરી મહિનામાં પુરી થઇ હતી. આ યાત્રા દરમિયાન શ્રીનગરમાં રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યું હતું, જેને લઇને દિલ્હી પોલીસ તેમના ઘરે પહોંચી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હજુ પણ મહિલાઓના યૌન શોષણ થઈ રહ્યા છે. આ નિવેદનને લઇને રાહુલ ગાંધીને દિલ્હી પોલીસે નોટિસ મોકલી હતી અને કેટલાક સવાલો પૂછ્યા હતા. સાથે મહિલાઓ વિશે જાણકારી માંગી હતી. જેથી પીડિતાઓને ન્યાય અપાવી શકાય. રાહુલ ગાંધીના ઘરે પોલીસ પહોંચવા પર કોંગ્રેસ પાર્ટી ભડકી છે અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડાએ બીજેપી પર પ્રહાર કર્યો છે.
પવન ખેડાએ કહ્યું કે સરકાર અમને ડરાવી શકશે નહીં. પોલીસ કયા નિયમ અંતર્ગત 45 દિવસ પહેલા થયેલી ભારત જોડો યાત્રાનું નિવેદન લેવા માટે રાહુલ ગાંધીના નિવાસસ્થાન પર જઈ રહી છે. સરકાર વિચારે છે કે તે જ્યારે ઇચ્છે ત્યારે અમારા ઘરે પોલીસ મોકલી શકે છે.
પવન ખેડાએ કહ્યું કે અમે ભારત જોડો યાત્રા દરમિયાન ઉલ્લેખિત ઘટનાઓથી સંબંધિત સવાલોના જવાબ નિયમ પ્રમાણે આપીશું. તે મહિલાઓ માટે વાત કરવા માંગે છે. હાથરસ, કઠુઆમાં તેમણે શું કાર્યવાહી કરી? પોલીસની પાછળ સરકાર છે અને અમે સરકારથી ડરતા નથી. તે સંસદને ચાલવા દઇ રહ્યા નથી. આ સરકાર ડરેલી છે. રાહુલ ગાંધીની ટિપ્પણીને દરેક વખત હટાવી લેવામાં આવે છે. આ અસ્વીકાર્ય છે. તેમણે મને રોકવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તમને અંદર જવાની મંજૂરી નથી. શું કોઇ કર્ફ્યૂ છે? શું કલમ 144 લાગુ છે?
આ પણ વાંચો – મીડિયા તમારી સરકારથી ખૂબ પરેશાન છે, કારણ કે… અરુણ પુરીએ કેમ પીએમ મોદીને આવો સવાલ પૂછ્યો
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે જે દિવસથી રાહુલ ગાંધીએ પીએમ મોદી અને અદાણી વચ્ચે સંબંધો પર સવાલ ઉઠાવ્યા છે સરકારે તેમને પરેશાન કરવાનું શરુ કરી દીધું છે. તેમણે રાહુલ ગાંધી દ્વારા ઉઠાવેલા સવાલોનો જવાબ આપવો પડશે. તે જવાબ આપવાના બદલે રાહુલ ગાંધીને પરેશાન કરવા અને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દિલ્હી પોલીસે તેમનો બે વખત સંપર્ક કર્યો, શું છે ઉદ્દેશ્ય? આ આપણા દેશમાં તાનાશાહી છે.
કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ટીએમસીને છોડીને 16 વિપક્ષી દળો જેપીસીની માંગણી કરી રહ્યા છે પણ અચાનક બીજેપીએ લંડનમાં રાહુલ ગાંધીની વાતોનો મુદ્દો ઉઠાવી લીધો. આ જેપીસીથી ધ્યાન હટાવવા અને કોંગ્રેસ-રાહુલ ગાંધીને બદનામ કરવા માટે તેમના નિવેદનને તોડી મરોડીને રજુ કરી રહ્યા છે.
આ મામલે સ્પેશ્યલ સીપી (લો એન્ડ ઓર્ડર)સાગર પ્રીત હુડ્ડાએ કહ્યું કે અમે રાહુલ ગાંધી સાથે બેઠક કરી. તેમણે કહ્યું કે તેમને થોડોક સમય જોઈએ અને તે અમને જાણકારી આપશે જે અમે માંગી છે. આજે અમે એક નોટિસ આપી છે જેને તેમના કાર્યાલયે સ્વીકારી લીધી છે અને પૂછપરછ કરવાની હશે તો અમે કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ એક લાંબી યાત્રા હતી અને તેમણે ઘણા લોકો સાથે મુલાકાત કરી હતી અને તેને સંકલિત કરવા માટે સમય જોઇએ. તેમણે અમને આશ્વાસન આપ્યું છે કે તે જલ્દી જાણકારી આપશે અને સૂચના મળતા જ અમે પોતાની કાર્યવાહી શરુ કરી દઇશું.