Karnataka Government Formation: કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની જીતનો ફાયદો ઉઠાવવાના મૂડમાં છે. મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયાનું નામ નક્કી થયા બાદ હવે 20 મેના રોજ શપથવિધિ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આ શપથવિધિ દ્વારા કોંગ્રેસ વિપક્ષી એકતાની તસવીર રજૂ કરવાનો પ્રયાસ કરી રહી છે. કોંગ્રેસે આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને આમંત્રણ આપ્યું છે.
શપથ ગ્રહણ સમારોહમાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વિપક્ષી દળોના નેતાઓ ઉપરાંત સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુખુ, ઝારખંડના સીએમ હેમંત સોરેન, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરે, બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, ફારુક અબ્દુલ્લા અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો – કર્ણાટક બાદ હવે આ રાજ્યોમાં જામશે ચૂંટણી જંગ, જાણો કેટલો રસપ્રદ છે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેનો મુકાબલો
કર્ણાટકના એઆઈસીસીના પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાએ જણાવ્યું હતું કે અમારા તમામ સાથીઓને શપથ ગ્રહણ સમારંભમાં આમંત્રિત કરવામાં આવશે. આ કોઈ ઉજવણી નથી પરંતુ લોકશાહી પ્રત્યે કોંગ્રેસનું સમર્પણ છે. જે લોકો લોકશાહી માટે લડવા માગે છે અને બંધારણ બચાવવા માગે છે તેઓ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.
આ પહેલા કોંગ્રેસ મહાસચિવ કે સી વેણુગોપાલે કહ્યું હતું કે કર્ણાટકમાં શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સમાન વિચારધારાવાળા લોકોને આમંત્રિત કરવામાં આવશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જૂન ખડગે અને પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સહિતાના દિગ્ગજ નેતાઓએ ચર્ચા વિચારણા કર્યા બાદ સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી નિયુક્ત કર્યા છે.