કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સદસ્યતા રદ થયા પછી હવે તેમને 22 એપ્રિલ સુધી લુટિયંસ દિલ્હી સ્થિતિ પોતાનો આધિકારિક બંગલો ખાલી કરવો પડશે. લોકસભા આવાસ સમિતિએ સોમવારે કથિત રીતે રાહુલ ગાંધીને સરકાર દ્રારા આપવામાં આવેલ બંગલો ખાલી કરવા માટે નોટિસ જાહેર કરી છે. રાહુલ ગાંધી 2004માં લોકસભા સાંસદ ચૂંટાયા પછી 12, તુગલક લેન બંગલો આપવામાં આવ્યો હતો.
નિયમ પ્રમાણે તેમને અયોગ્યતા આદેશની તારીખથી એક મહિનાની અંદર પોતાનો બંગલો ખાલી કરવો પડશે. આ પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ જુલાઇ 2020માં પોતાનો આધિકારિક લોધી એસ્ટેટ બંગલો ખાલી કરવો પડ્યો હતો. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ કહ્યું કે તે રાજનીતિક અને કાનની રૂપથી રાહુલ ગાંધીની સજા અને અયોગ્યતા સામે લડાઇ લડશે.
જો આમ બનશે તો રાહુલ ગાંધી 8 વર્ષ સુધી નહીં લડી શકે ચૂંટણી
રાહુલ ગાંધીની સજાનો નિર્ણય હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ યથાવત્ રાખશે તો તે આગામી 8 વર્ષ સુધી ચૂંટણી પણ લડી શકશે નહીં. બે વર્ષની સજા પુરી થયા પછી તે છ વર્ષ માટે અયોગ્ય રહેશે. સુરત કોર્ટના ફેંસલા પર રાહુલ ગાંધી ઉપરની કોર્ટમાં પડકાર આપી શકે છે.
આ પણ વાંચો – ઉદ્ધવ ઠાકરેની ચેતવણી બાદ સંજય રાઉત રાહુલ ગાંધીને મળશે, સાવરકરની ટીકા નહીં કરવાનું કહેશે
કાળા કપડા પહેરી કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ
સોમવારે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોના ઘણા સાંસદોએ રાહુલ ગાંધીની સદસ્યતા ખતમ કરવાના વિરોધમાં કાળા કપડા પહેર્યા હતા. સાથે અદાણી કેસમાં સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાની માંગણીને લઇને પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી નેતાઓએ સંસદ પરિસરમાં ધરણા કર્યા અને વિજય ચોક સુધી માર્ચ કાઢી હતી.
શું છે સમગ્ર કેસ?
કર્ણાટકમાં લોકસભા ચૂંટણીની રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? આ મામલે કોર્ટમાં કોલાર, કર્ણાટકના તત્કાલિન ચૂંટણી અધિકારી અને ભાષણ રેકોર્ડ કરનાર ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડરનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. સુરતની અદાલતે માનહાની કેસમાં 23 માર્ચે ચુકાદો આપ્યો હતો. રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા હતા. સુરતની કોર્ટે ચુકાદો આપતાં માનહાની કેસમાં રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને બે વર્ષની સજા ફટકારી હતી.