(મનોજ સી.જી) – કોંગ્રેસ પાર્ટીનું છત્તીસગઢના રાયપુર ખાતે રાષ્ટ્રીય અધિવેશન યોજાયું છે. આ અવિએશનમાં કોંગ્રેસ પાર્ટીના બંધારણમાં સુધારો કરવા અને તેને કડક બનાવવા અંગે ગંભીર પણે ચર્ચા કરવામાં આવી છે. આ સંમેલનમાં મહત્વની ચર્ચા કોંગ્રેસના વર્કિંગ કમિટી (CWC)ના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને તેની સત્તા-તાકાતને વધુ મજબૂત કરવા અંગની રહી છે. આ દરમિયાન કોંગ્રેસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે, રાષ્ટ્રીય અધ્યક્ષ પદનો દાવો કરવા માટે કોઈ નેતા માટે તે જરૂરી રહેશે કે તેમનું નામ 100 પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) ના પ્રતિનિધિઓ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવે. હાલમાં આ સંખ્યા માત્ર 10 હતી.
જ્યારે તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગેને પડકાર ફેંક્યો ત્યારે 60 પ્રતિનિધિઓએ તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે મહત્વકાંક્ષી ઉમેદવારો માટે 100 પ્રતિનિધિઓનું સમર્થન મેળવવું એક મોટો પડકાર બની શકે છે, ખાસ કરીને બિન-સંગઠનાત્મક ઉમેદવારો માટે.
સીઈસીનું બંધારણ
કોંગ્રેસના સંવિધાનમાં બીજા સુધારામાં પક્ષથી નારાજ થયેલા G23 જૂથના નેતાઓની માંગણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. G23 નેતાઓએ CWC ચૂંટણીઓ પર સામૂહિક નિર્ણય લેવા માટે સંસદીય બોર્ડની પદ્ધતિમાં સુધારો કરવા અને પક્ષની ચૂંટણીના ઉમેદવારોને અંતિમ રૂપ આપવા માટે ચૂંટાયેલી સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)માં સુધારો કરવાની માંગણી કરી હતી.
આ પ્રસ્તાવિત ફેરફારો 12 સભ્યોની બનેલી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની રચના કરવાની વાત કહી છે. જેમાં સંસદમાં કોંગ્રેસના અધ્યક્ષ અને લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સામેલ થશે.
CECની રચના સંસદીય બોર્ડના સભ્યો અને AICC દ્વારા ચૂંટાયેલા અન્ય નવ સભ્યોનો સમાવેશ કરીને કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે, મતલબ કે પાર્ટીએ સીઈસીને સંસદીય બોર્ડથી અલગ કરી દીધા છે. અને જો સંસદીય બોર્ડની સ્થાપના કરવામાં આવે તો પણ તેના સભ્યો સીઈસી અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયાના સભ્યો હોય તે જરૂરી નથી.