અક્રમ એમ : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના અલગ-અલગ પાર્ટીના અગ્રણી નેતાઓ બેંગલુરુમાં ભેગા થયા હતા. કોંગ્રેસ નેતૃત્વએ આ કાર્યક્રમને શક્તિ પ્રદર્શનમાં ફેરવી દીધો હતો. 2018માં વિરોધ પક્ષો દ્વારા કરવામાં આવેલા મોટા પાયે શક્તિ પ્રદર્શન જેવું જ હતું. જ્યારે એચ ડી કુમારસ્વામીના નેતૃત્વમાં જેડી(એસ)-કોંગ્રેસ ગઠબંધને રાજ્યમાં સત્તા સંભાળી હતી.
આ પ્રસંગે અશોક ગેહલોત (રાજસ્થાન), ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) અને સુખવિંદર સિંહ સુખુ (હિમાચલ પ્રદેશ) જેવા કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપરાંત બિહારના સીએમ નીતિશ કુમાર, તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન અને ઝારખંડના સીએમ હેમંત સોરેન પણ હાજર રહ્યા હતા. અન્ય મહાનુભાવોમાં કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા, એનસીપી સુપ્રીમો શરદ પવાર, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ફારુક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી, બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ, આરએલડી નેતા જયંત સિંહ, અભિનેતામાંથી રાજકારણી બનેલા કમલ હાસન, સીપીઆઈ(એમ)ના નેતા સીતારામ યેચુરી અને સીપીઆઈ નેતા ડી રાજાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં સ્પષ્ટ પણે આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પૂર્વે એક સંયુક્ત વિપક્ષની તાકાત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ પહેલા બેંગલુરુનું કાંતિરવા સ્ટેડિયમ સીએમ સિદ્ધારમૈયા અને તેમના ડેપ્યુટી ડી કે શિવકુમાર વચ્ચે એકતા પ્રદર્શનનું સાક્ષી હતું. બંને વચ્ચેના મતભેદો વિશે અફવાઓ સતત ચાલી રહી હોવાથી તેઓએ એક સંયુક્ત ચહેરો રજૂ કરવાનો પ્રયાસ કર્યો. રાહુલ ગાંધીએ બંને નેતાઓનો હાથ ઊંચો કર્યો તે પહેલાં જ એકબીજાનો હાથ ઊંચો કરતાં જોરજોરથી તાળીઓનો ગડગડાટ શરૂ થઈ ગયો હતો.
આ પણ વાંચો – સિદ્ધારમૈયા મુખ્યમંત્રી અને ડીકે શિવકુમાર નાયબ સીએમ બન્યા જાણો કોને-કોને મળ્યું મંત્રી પદ
2013માં સિદ્ધારમૈયાએ સત્યના નામે શપથ લીધા હતા. જ્યારે આ વખતે સીએમ અને તેમના મોટાભાગના મંત્રીઓએ ભગવાનના નામે રાજ્યના હિત માટે કામ કરવાના શપથ લીધા હતા. આજે શપથ લેનારા આઠ મંત્રીઓમાં માત્ર જી. પરમેશ્વરે જેમણે બંધારણના નામે શપથ લીધા હતા, સંતોષ જરકીહોલી જેમણે બુદ્ધ, બસવન્ના અને આંબેડકર જેવા સમાજ સુધારકોના નામે શપથ લીધા હતા. આજે શપથ લેનારા અન્ય મંત્રીઓમાં કે એચ મુનિઅપ્પા, એમ બી પાટિલ, કે જે જ્યોર્જ, રામલિંગા રેડ્ડી, પ્રિયાંક ખડગે અને બી ઝેડ ઝમીર અહમદ ખાનનો સમાવેશ થાય છે.

સરકારી કાર્યક્રમ ટૂંક સમયમાં જ એક પાર્ટીમાં ફેરવાઈ ગયો હતો કારણ કે શિવકુમારે રાહુલ ગાંધી અને ખડગેને સભાને સંબોધન કરવા આમંત્રણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કોંગ્રેસની સાથે ઉભા રહેવા બદલ રાજ્યની જનતાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે કર્ણાટકમાં તેમની જીતનું મુખ્ય કારણ એ છે કે તે ગરીબ, પછાત, કચડાયેલા અને આદિવાસી સમુદાયોના કલ્યાણ માટે ઉભા છે.
ખડગેએ આ તકનો ઉપયોગ કરીને 2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે પણ તેઓ (મોદી) જાપાન જાય છે, ત્યારે તેઓ નોટબંધીનું જાહેરનામું બહાર પાડે છે. ગત વખતે જ્યારે તે જાપાન ગયા હતા ત્યારે તેમણે 1000 રૂપિયાની નોટો બંધ કરી દીધી હતી. આ વખતે તેમણે 2000 રૂપિયાની નોટને બંધ કરી દીધી છે. મોદી સરકાર માત્ર લોકો માટે મુશ્કેલીઓ ઉભી કરી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિદ્ધારમૈયા અને ડી કે શિવકુમારે શપથ લીધા પછી તેમને અભિનંદન આપતાં ટ્વિટ કર્યું હતું કે, કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ સિદ્ધારમૈયા જી અને ડીકે શિવકુમાર જીને ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેવા બદલ અભિનંદન. પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઇએ પણ તેમના અનુગામી સિદ્ધારમૈયાને નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપના નેતાએ ટ્વિટ કર્યું હતું કે સિદ્ધારમૈયાને કર્ણાટકના નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળના સભ્યોને પદ સંભાળવા બદલ હાર્દિક અભિનંદન.